વ્હાલી દીકરી યોજનાથી બારડોલી તાલુકાના અસ્તાન ગામના પ્રનિશાબેન રાઠોડના ઘરે ખુશીઓની હેલી
રાજ્ય સરકારની વ્હાલી દીકરી યોજનાએ મારી લાડકીના ભણતર સાથે ભવિષ્યની ચિંતા દૂર કરી: લાભાર્થી પ્રનિશાબેન રાઠોડ
સુરત:બુધવાર: સરકારે દીકરીના જન્મથી પુખ્ત બને ત્યાં સુધી અનેક કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે. વહાલી દીકરી તેનું જીવંત ઉદાહરણ છે. સુરત જિલ્લાના બારડોલી તાલુકાના અસ્તાન ગામના પ્રનિશાબેન વિશાલભાઈ રાઠોડને વ્હાલી દીકરી યોજનાનો લાભ મળતા દીકરીના ભણતર સાથે ભવિષ્યની ચિંતા દૂર થતા રાઠોડ પરિવારના ઘરે ખુશીઓ છલકાઈ છે.
બારડોલીના અસ્તાન ગામના પ્રનિશાબેને કહ્યું કે, મારા પરિવાર માટે દીકરી એટલે ઈશ્વરના આશીર્વાદ નહિ, પણ દીકરી એટલે આશીર્વાદમાં મળેલા ઈશ્વર છે. મને પહેલા ખોળે જ માતાજી સ્વરૂપે દીકરીના પગલા થતા પરિવારમાં હરખની હેલી ઉભરાઈ છે. એમા પણ સરકારે દીકરીને લાભ આપીને દરકાર લીધી છે.
વધુમાં પ્રનિશાબેન કહ્યું હતું કે, દીકરીના પ્રથમ ધોરણમાં પ્રવેશ વેળાએ રૂ.૪૦૦૦ મળશે ત્યાર બાદ નવમાં ધોરણમાં પ્રવેશ સમયે રૂ.૬૦૦૦ અને દીકરીની ૧૮ વર્ષની ઉમરે ઉચ્ચ શિક્ષણ તેમજ લગ્ન સહાય માટે રૂ.૧,૦૦,૦૦૦ એમ કુલ મળીને એક લાખ દસ હજારની સહાય મળવાથી દીકરીના ભવિષ્યની ચિંતા દૂર થઈ ગઈ છે એમ તેમણે ઉમેર્યું હતું. અસ્તાન ગામ પંચાયત અને આંગણવાડી માંથી વ્હાલી દીકરી યોજનાની જાણકારી મળી હતી. એટલે આંગણવાડી એ જઈ જરૂરી પુરાવા સાથે ફોર્મ ભર્યું હતું. વેરિફિકેશન થયા બાદ સરકારશ્રીની વ્હાલી દીકરી યોજનાના લાભથી દીકરીના બેન્ક અકાઉન્ટમાં જ ઓનલાઈન ડાયરેક્ટ બેન્ક ટ્રાન્સફર (DBT) દ્રારા રકમ જમા થશે એટલે ગેરરીતિ થવાનો કોઈ ભય પણ નથી રહ્યો.
સરકારની વ્હાલી દીકરી યોજના મારા પરિવારને દીકરી સાથે મળેલી અણમોલ ભેટ છે. હંમેશા સરકારના આભારી રહીશું એમ રાઠોડ પરિવાર હોંશભેર કહ્યું હતું.