જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલે બારડોલીના નાની ભટલાવ, માંડવીના તારાપુર ગામે નિર્માણ પામેલી લાઈબ્રેરીની મુલાકાત લીધી
બારડોલી તાલુકાના વાંસકુઇ પ્રા.આરોગ્ય કેન્દ્ર અને ઉમરપાડા સામુહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ તબીબી સ્ટાફ, ઓપીડી, લેબ ટેસ્ટ સહિત અન્ય આરોગ્ય સુવિધાઓની સમીક્ષા કરી
બારડોલી તાલુકાના ભેંસુદલા અને માંડવીના માલધા ગામની પ્રાથમિક શાળાઓમાં જિ. વિકાસ અધિકારીની મુલાકાત: શૈક્ષણિક સુવિધાઓ અને બાળકોમાં શિક્ષણ સ્તર સુધારવા આપ્યું માર્ગદર્શન
સુરત:બુધવાર: જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલે બારડોલી તાલુકાના નાની ભટલાવ ગામે રાજ્ય સરકારની વતન પ્રેમ યોજના અંતર્ગત નિર્માણ પામેલી લાઈબ્રેરી તેમજ માંડવી તાલુકાના તારાપુર ગામમાં ગ્રામ પંચાયત દ્વારા લોકફાળાથી નિર્માણ પામેલી લાઈબ્રેરી (પુસ્તકાલય) ની મુલાકાત લીધી હતી. અહીં વિદ્યાર્થીઓ શિક્ષણ માટે તેમજ યુવાનો સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે. જિ.વિકાસ અધિકારીએ વિદ્યાર્થીઓ સાથે અભ્યાસ બાબતે ચર્ચા કરી ઉજ્જવળ કારકીર્દી માટે માર્ગદર્શન આપ્યું હતું.
ઉપરાંત લાઈબ્રેરીમાં વાંચન કરતા વિદ્યાર્થીઓની સુવિધાઓ માટે નાની ભટલાવ ગામે વાંચનાલયની ઉપર એક માળ બનાવવા સાથે વીજળી, ફાયર સેફટી અને શૌચાલય જેવી ભૌતિક સુવિધા માટે રૂ.૧૮ લાખની ગ્રાંટ અને તારાપુર વાંચનાલયમાં સ્વચ્છ ભારત મિશન હેઠળ સામૂહિક શૌચાલય બનાવવા રૂ.૩ લાખ તેમજ ભૌતિક સુવિધા માટે રૂ.૩.૫૦ લાખની ગ્રાંટ જિલ્લા વિકાસ અધિકારીની વિવેકાધીન જોગવાઇમાંથી ફાળવી છે. જે બદલ યુવા વિદ્યાર્થીઓ, ગ્રામજનોએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ ઉપરાંત, DDOશ્રીએ બારડોલી તાલુકાના ભેંસુદલા અને માંડવીના માલધા ગામની પ્રાથમિક શાળાઓની મુલાકાત કરી શિક્ષકો સાથે શાળામાં સ્વચ્છતા અને બાળકોમાં શિક્ષણનું સ્તર ઊંચુ આવે તે માટે જરૂરી સૂચનો કર્યા હતા. તેમણે બારડોલી તાલુકાના વાંસકુઇ પ્રા.આરોગ્ય કેન્દ્ર અને ઉમરપાડા સામુહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ તબીબી સ્ટાફ, ઓપીડી, લેબ ટેસ્ટ સહિત અન્ય આરોગ્ય સુવિધાઓની સમીક્ષા કરી હતી.