મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૪-૨૫ના પ્રથમ તબક્કામાં રાજ્યની કુલ ૫૮૪ ગૌશાળા-પાંજરાપોળને પશુ નિભાવ સહાય અપાઈ
આ ગૌશાળા-પાંજરાપોળના ૨.૬૧ લાખથી વધુ પશુઓ માટે રૂ. ૭૧ કરોડથી વધુની સહાય DBT માધ્યમથી ચૂકવાઈ
દ્વિતીય તબક્કામાં સહાય મેળવવા માટે રાજ્યની ગૌશાળા-પાંજરાપોળ અરજી કરી શકશે; આઈ-ખેડૂત પોર્ટલ આગામી તા. ૧૫ ઓક્ટોબર સુધી ખુલ્લું મૂકાયું
મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત રાજ્યની ગૌશાળાઓ અને પાંજરાપોળોને પશુ નિભાવ સહાયની ચૂકવણી કરવા માટે ગાંધીનગર ખાતે રાજ્ય સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં વર્ષ ૨૦૨૪-૨૫ના પ્રથમ તબક્કામાં એટલે કે, એપ્રિલ-૨૦૨૪ થી જૂન-૨૦૨૪ માટે રાજ્યની કુલ ૫૮૪ ગૌશાળા અને પાંજરાપોળને પશુ નિભાવ માટે સહાય ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલી આ ગૌશાળા અને પાંજરાપોળના આશરે ૨.૬૧ લાખથી વધુ પશુઓ માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૭૧.૨૬ કરોડની સહાય ચૂકવવામાં આવી છે.
આટલું જ નહિ, વર્ષ ૨૦૨૪-૨૫ના બીજા તબક્કા માટે એટલે કે, જુલાઈ-૨૦૨૪ થી સપ્ટેમ્બર-૨૦૨૪ માટે સહાય મેળવવા ઈચ્છુક ગૌશાળા અને પાંજરાપોળ ઓનલાઇન અરજી કરી શકે તેવા આશય સાથે આગામી તા. ૧૫ ઓક્ટોબર સુધી આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલી રાજ્યની તમામ ગૌશાળા અને પાંજરાપોળને પશુઓના નિભાવ માટેની સહાય મેળવવા આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવા પશુપાલન વિભાગ હેઠળના ગૌસેવા આયોગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
નોંધનીય છે કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાદર્શક નેતૃત્વ તેમજ પશુપાલન મંત્રી શ્રી રાઘવજી પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં રૂ. ૫૦૦ કરોડના પ્રાવધાન સાથે ‘મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના’ શરુ કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત રાજ્યની ગૌશાળા કે પાંજરાપોળ દ્વારા ગાય અને ભેંસ વર્ગના પશુઓનો નિભાવ કરવામાં આવતો હોય, તેવી સેવાભાવી સંસ્થાઓને ગૌવંશના પોષણ અને નિભાવ માટે દૈનિક પશુદીઠ રૂ. ૩૦ લેખે આર્થિક સહાય આપવામાં આવે છે.
આ યોજના અંતર્ગત રાજ્ય સરકારે વર્ષ ૨૦૨૪-૨૫ના પ્રથમ તબક્કામાં રૂ. ૭૧.૨૬ કરોડની સહાયનું DBTના માધ્યમથી સીધું સેવાભાવી સંસ્થાઓના ખાતામાં ચૂકવણું કર્યું છે. જેના પરિણામે રાજ્યની તમામ ગૌશાળા અને પાંજરાપોળને પશુ નિભાવ માટે સહાય આપી, આર્થિક રીતે મદદરૂપ થવાનો રાજ્ય સરકારનો ઉદ્દેશ ખરા અર્થમાં ચરિતાર્થ થઈ રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત પશુપાલન વિભાગના સચિવશ્રી, પશુપાલન ખાતાના નિયામકશ્રી, પશુપાલન વિભાગના નાયબ સચિવશ્રી, નાયબ સચિવશ્રી-નાણા સલાહકાર, પશુપાલન તેમજ ગૌસેવા આયોગના સભ્ય સચિવશ્રી સહિતના સભ્યો ધરાવતી એક રાજ્ય સમિતિ રચવામાં આવી છે. જે સમિતિની બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે