ગુજરાતના હાથશાળ-હસ્તકલા ક્ષેત્રે સિધ્ધિ પ્રાપ્ત કરનાર કારીગરોને પુરસ્કૃત કરાશે
રાજ્યના વિવિધ જિલ્લાના ઉત્કૃષ્ટ કામગીરી કરનારા 11 જેટલા કારીગરોને એવોર્ડથી સન્માનવામાં આવશે
રાજ્યના ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ-૨૦૧૬ અન્વયે હાથશાળ-હસ્તકલાના કારીગરોને પ્રોત્સાહન મળી રહે તે હેતુસર ગુજરાતના હાથશાળ-હસ્તકલા ક્ષેત્રે સિધ્ધિ પ્રાપ્ત કરનાર કારીગરોને ક્રાફટવાઇઝ એવોર્ડ આપવામાં આવનાર છે. ગુજરાત સરકાર દ્વારા અંદાજીત ૨૫ લાખ રૂપિયાના ખર્ચે રાજ્યના વિવિધ જિલ્લાના ઉત્કૃષ્ટ કામગીરી કરનારા કુલ 11 જેટલા કારીગરોને પુરસ્કાર એનાયત કરવામાં આવશે.
ઉદ્યોગ અને ખાણ વિભાગ ગાંધીનગરની યાદીમાં જણાવ્યા અનુસાર હાથશાળ-હસ્તકલા ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા મહિલા અને યુવા કારીગરો સહિત ઔધોગિક સહકારી મંડળીઓ, એન.જી.ઓ. તથા સંસ્થાઓ સાથે સંકળાયેલા વ્યક્તિગત કારીગરોને પુરસ્કાર આપવામાં આવશે. આ પુરસ્કાર આપવા માટે રાજ્ય કક્ષાની પસંદગી સમિતિ દ્વારા વર્ષ-૨૦૨૩ દરમિયાન વિવિધ સેક્ટરવાઇઝ કેટેગરી જેવી કે ટેક્ષટાઇલ, ભરતકામ, મોતીકામ/ચર્મકામ/અર્થન/લાકડું તથા વાંસકામ/મેટલ, અન્ય ક્રાફ્ટ જેવા વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરતા કારીગરોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
રાજ્ય કક્ષાની પસંદગી સમિતિ દ્વારા પસંદગી કરવામાં આવેલ કારીગરો પૈકી ટેક્ષટાઇલ કેટેગરી માટે ક્રમશ: પ્રથમ અને દ્વિતીય ક્રમે કચ્છ જિલ્લાના સીજુ લીન્સી ચમનભાઈને દુપટ્ટા તથા સુરેન્દ્રનગરના વાઘેલા નરશીભાઈ વશરામભાઈને ડબલ ઇક્કત પટોળા સાડી તેવી જ રીતે ભરતકામ કેટેગરીમાં પ્રથમ ક્રમે કચ્છના રાઠોડ કંચનબેન સુખલાલને વોલપીસ અને દ્વિતીય ક્રમે બનાસકાંઠાના સુથાર વિષ્ણુભાઈ ગેનાજીને ચોપાટ, મોતીકામ/ચર્મકામ/અર્થન/લાકડું તથા વાંસકામ/મેટલ કેટેગરીમાં પ્રથમ ક્રમે સુરતના પેટીગરા પીનલ રાકેશકુમારને અષ્ટકોણ જવેલરી-કાસ્કેટ બોક્ષ તથા દ્વિતીય ક્રમે ભાવનગરના સોલંકી સોનલબેન વિપુલભાઈને મોતીકામ માટે એવોર્ડ આપવામાં આવશે. તદઉપરાંત અન્ય ક્રાફ્ટમાં અમદાવાદના ચિતારા કિરણકુમાર ભુલાભાઈને માં શેરાવાલીના દરબારની પછેડી માટે પ્રથમ ક્રમે અને દ્વિતીય ક્રમે પંચાલ નયનાબેન દિપકભાઈને વોલપીસ, કચ્છના ખત્રી માજવીન અબ્દુલહમીદને કેપ સિલ્ક શિકારી દુપટ્ટો અને બોચિયા દામા મંગુને વોલ હેંગીંગ ખરડ માટે ક્રમશ: પ્રથમ અને દ્વિતીય ક્રમે તથા લુપ્ત થતી કલા માટે પાટણના પનાગર મોહોમંદ જુબેરને સાડી માટે પુરસ્કાર આપવામાં આવશે, એમ વધુમાં જણાવાયું છે.