ઓપરેશન સિંદૂર પછી આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર
સિવિલ હોસ્પિટલ દ્વારા રક્તદાન માટે સામાજિક સંસ્થાઓને અપીલ,તાત્કાલિક વ્યવસ્થાઓ શરૂ
‘ઓપરેશન સિંદૂર’ પછી ગુજરાત આરોગ્ય વિભાગે તાત્કાલિક અસરથી પગલાં લેવાનું શરૂ કર્યું છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા મોટા આદેશ અનુસાર તમામ સરકારી હોસ્પિટલોમાં વિજળી માટે અન્ય સ્ત્રોતની વ્યવસ્થા, બ્લડ ડોનેશન માટે કેમ્પ યોજવા અને જરૂરી દવાઓનો સ્ટોક ઉપલબ્ધ રાખવા માટેનો નિર્દેશ આપ્યો છે. ઉપરાંત ખાનગી હોસ્પિટલોના તબીબો સાથે સંપર્ક સાધવા અને તમામ તાત્કાલિક જરૂરિયાતો માટે સજ્જ રહેવા સૂચના આપવામાં આવી છે.
સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. ધારિત્રી પરમારે જણાવ્યું હતું કે,જનરેટરની સુવિધા સહિત દવાઓ,સાધન સામગ્રીનો પુરતો જથ્થો ઉપલબ્ધ છે તથા મેડિકલની તમામ ટીમો કોઇ પણ પરિસ્થિતિને પહોંચી વળવા સુસજ્જ છે.
સુરતની સિવિલ હોસ્પિટલમાં પણ આદેશનો તાત્કાલિક અમલ થતાં તબીબી અધિક્ષક ડો. ધારિત્રી પરમાર, આર.એમ.ઓ. ડો. કેતન નાયક, નર્સિંગ કાઉન્સિલના ઇકબાલ કડીવાલા, બ્લડ બેંકના વડા ડો. જીતેન્દ્ર પટેલ અને ડો. ચિરાગ પટેલ દ્વારા વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે.
હાલ સિવિલ હોસ્પિટલની બ્લડ બેન્કમાં ૩ હજાર યુનિટની ક્ષમતા છે, જેમાં માત્ર ૫૦૦ યુનિટનું સ્ટોરેજ છે. આ મામલે આગોતરા આયોજન હેઠળ રક્તદાતા સંસ્થાઓ, સ્વયંસેવકો, યુવાનો અને એનજીઓને રક્તદાન માટે અપીલ કરવામાં આવી છે જેના પ્રતિસાદ રૂપે સ્વયંસેવકોએ તત્કાલ રક્તદાન કર્યું છે.
સ્વેચ્છિક રક્તદાન કરવા માટે બ્લડ બેંકના કાઉન્સેલર કાજલબેન (મો.૯૯૧૩૩-૨૬૫૦૨), આર.એમ.ઓ ડો.કેતન નાયક (મો.૯૮૨૫૩-૨૭૦૦૪),નર્સિંગ કાઉન્સિલના ઇકબાલ કડીવાલા (મો.૯૮૨૫૫-૦૪૭૬૬)નો સંપર્ક કરવો.
