૧૮મી મે: ‘આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ’:
અતિતનો આયનો અને સુરતવાસીઓની કલારસિકતાના પ્રતીકસમું સરદાર વલ્લભભાઈ પટેલ મ્યુઝિયમ
સરદાર પટેલ મ્યુઝીયમમાં કાષ્ઠકળા, ચીનાઈમાટી, તાંબા અને કાંસા, કાપડ, સિકકા, ચિત્રો અને લઘુચિત્રો, હસ્તપ્રતો અને શિલ્પોની નમૂનેદાર ચીજવસ્તુઓ
૧૮મી મે એટલે ‘આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ’. આપણી વર્ષો પુરાણી પ્રાચીન સંસ્કૃતિને સાચવીને રાખતું સ્થળ એટલે મ્યુઝિયમ. જેમાં દેશની સંસ્કૃતિ અને પ્રાચીન વારસાની સાથે ધર્મો તેમજ તે સમયના જીવનની ઝાંખી જોવા મળે છે. આપણા અમૂલ્ય વારસાને સાચવી રાખવો અને આવનારી પેઢી સુધી પહોંચાડવો ખૂબ જ જરૂરી છે. ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ મ્યુઝિયમ નામની સંસ્થાએ વર્ષ ૧૯૭૭માં મ્યુઝિયમને મહત્વ આપવા માટે આ દિવસની શરૂઆત કરી હતી. ભારતમાં ૧૪ હજારથી પણ વધારે મ્યુઝિયમ આવેલા છે, જેમાં સૌથી જૂનું મ્યુઝિયમ કલકત્તામાં આવેલું છે, જ્યારે ગુજરાતમાં સૌથી જૂનું મ્યુઝિયમ કચ્છમાં આવેલું છે.
સુરતના સરદાર પટેલ મ્યુઝિયમની સ્થાપના અને વિકાસનો ઈતિહાસ લાંબો પણ રસમય છે. નાના પાયેથી શરૂઆત કરી વ્યવસ્થિત મ્યુઝિયમનું રૂપ ધારણ કરનાર આ સંગ્રહસ્થાનની સ્થાપનાની શરૂઆત ઈ.સ. ૧૮૯૦ ના ફેબ્રુઆરીથી થઈ હતી. તે સમયના સુરતના સમાહર્તા (કલેકટર) વિન્ચેસ્ટરના નામ પરથી આ સંગ્રહાલય વિન્ચેસ્ટર મ્યુઝિયમ તરીકે જાણીતું હતું. આઝાદી પછી તેનું નામ સરદાર પટેલ મ્યુઝિયમ કરવામાં આવ્યું. જે સરદાર સંગ્રહાલય તરીકે પણ ઓળખાય છે.
સુરતના મક્કાઈ પુલ તરફના છેડે એક ઓરડાના મકાનમાં એ સમયના વિકસિત વિવિધ ઉદ્યોગો જેવા કે, જરીકામ, સુખડકામ, કાષ્ઠ કોતરણી અને ધાતુકામના ૧૦૦૦ જેટલા નમૂનાઓ રાખવામાં આવ્યા હતાં અને તે સમયના પ્રજાવત્સલ ઉચ્ચાધિકારી સમાહર્તા (કલેકટર)ના નામ પરથી એને ‘વિન્ચેસ્ટર મ્યુઝિયમ’નું નામ આપવામાં આવ્યું હતું. સન ૬ મે-૧૯પ૬ના રોજ તત્કાલીન કેન્દ્રીય રેલ્વે પ્રધાન કે જેઓ પાછળથી દેશના વડાપ્રધાન બન્યા એવા સ્વ. લાલબહાદુર શાસ્ત્રીના વરદહસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યુ અને તા.ર૪/૧ર/૧૯પ૭થી ‘વિન્ચેસ્ટર’નું નામ બદલીને લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની સ્મૃતિમાં સરદાર પટેલ મ્યુઝિયમ એવું નામકરણ કરાયું હતું.
હાલ સાયન્સ સેન્ટર પરિસરમાં આવેલા સુરત મનપા હસ્તકના સરદાર વલ્લભભાઈ પટેલ મ્યુઝિયમમાં આશરે ૮,૪૦૦ પુરાતન કલાકૃતિઓ છે, જેમાં કાષ્ઠકળા, ચીનાઈમાટી, તાંબા અને કાંસા, કાપડ, સિકકા, ચિત્રો અને લઘુચિત્રો, હસ્તપ્રતો અને શિલ્પોની નમૂનેદાર ચીજવસ્તુઓ સામેલ છે. આ સંગ્રહાલયમાં ટેક્ષટાઈલ્સથી માંડીને પોર્સિલીન, કાચકામ, ધાતુકામ, ચિત્રકામ, પ્રાચીન પુસ્તકો, કાષ્ઠ-કોતરણી, સ્ટફડ પશુ-પક્ષીઓ, દરિયાઈ નમૂનાઓ- જેવા કે છીપકામ, વૈવિધ્યસભર શંખો, પરવાળાના ખડકો(અં.કોરલ્સ) ઉપરાંત નૈસર્ગિક અકીકના કિંમતી પથ્થરોમાં ચંદ્રની કળા તથા ગ્રહણના દર્શન, આવી કંઈ કેટલીય નમૂનેદાર ચીજો અહીં સંગ્રહાઈ છે. મોટી સંખ્યામાં નાગરિકો, મહાવિદ્યાલયો તેમજ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ સુરતના વારસાને જાણે છે, ઓળખે છે. વિદ્યાર્થીઓ માટે સંગ્રહસ્થાન સંશોધનનું કેન્દ્ર બન્યું છે.
અગાઉ ‘સંગ્રહસ્થાન એટલે અજાયબઘર’ એવો વિચાર પ્રચલિત હતો, પણ પ્રર્વતમાન સમયમાં આ મ્યુઝિયમ પ્રવૃત્તિના ફલક અને સીમા ખૂબ વિસ્તર્યા છે, અને એટલે જ આજે સંગ્રહાલયો કલા, સંસ્કૃતિ અને શિક્ષણના સમન્વયક સંસ્કારધામ તરીકે પ્રગતિશીલ રાષ્ટ્રોમાં ઉદય પામ્યા છે.
