જિલ્લા વિકાસ અધિકારીશ્રી શિવાની ગોયલના અધ્યક્ષ સ્થાને શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા જિલ્લાની પ્રાથમિક શાળાના શિક્ષકો સાથે ‘કૉફી વીથ ડીડીઓ’- સંવાદ કાર્યક્રમ યોજાયો
જિલ્લા કે રાજ્ય કક્ષાએ કબડ્ડી અને ખો-ખોની રમતમાં શ્રેષ્ઠ દેખાવ કરનારી જિલ્લાની ૪ શાળાઓને પ્રોત્સાહન રૂપે જિલ્લા વિકાસ અધિકારીની ગ્રાન્ટમાંથી નાણાંની ફાળવણી
શિક્ષક દિવસ અંતર્ગત શિક્ષકોને પુસ્તક આપી સન્માનિત કરાયા
સુરત:મંગળવાર: જિલ્લા વિકાસ અધિકારીશ્રી શિવાની ગોયલના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત ભવન ખાતે શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા જિલ્લા પંચાયત પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો સાથે ‘કૉફી વીથ ડીડીઓ’- સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સુરત જિલ્લાના માંડવી, માંગરોળ, મહુવા, કામરેજ, ચોર્યાસી, પલસાણા, ઓલપાડ, ઉમરપાડા અને બારડોલી સહિતના દરેક તાલુકામાંથી કુલ ૩૦ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. આગામી તા.૫મી સપ્ટે.-શિક્ષક દિવસ અંતર્ગત શિક્ષકોને પુસ્તક આપી સન્માનિત કરાયા હતા.
વિદ્યાર્થીઓના શૈક્ષણિક અને વ્યક્તિગત વિકાસ માટે ઉત્કૃષ્ટ કામગીરી બદલ પસંદગી પામેલા દરેક શિક્ષકોએ ડીડીઓશ્રી સાથે શાળાના વિકાસ, પોતાની વિશિષ્ટ શૈક્ષણિક કામગીરી, ખાસ ઉપલબ્ધિઓ તેમજ શાળામાં ચાલતી શિક્ષણ કે અન્ય પ્રવૃત્તિઓ વિષે ચર્ચા કરી હતી. સાથે જ શિક્ષકોએ શાળાના બિલ્ડિંગ, ભૌતિક સુવિધાઓ, અને રમત-ગમતની પ્રવૃત્તિઓને લગતી કેટલીક સમસ્યાઓ વિષે પણ જણાવ્યું હતું, જે અંગે જિલ્લા વિકાસ અધિકારીએ તેઓને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું.
આ પ્રસંગે ડીડીઓશ્રીએ સમાજમાં શિક્ષક અને શિક્ષણનું મહત્વ જણાવી ઉપસ્થિત દરેક શિક્ષકોની શાળા અને બાળકો પ્રત્યેની તેઓની ઉત્તમ કામગીરી માટે સરાહના કરી હતી. વિવિધ તાલુકાના અંતરિયાળ ગામડાઓમાં રહીને ગરીબ/પછાત/આદિવાસી સમાજના બાળકોને નિયમિત શાળાએ બોલાવવા અને સારામાં સારૂ શિક્ષણ પ્રદાન કરવાના તેમના નિ:સ્વાર્થ જુસ્સાને બિરદાવ્યો હતો. સાથે જ શિક્ષકોના શિક્ષણ, શાળા કે અન્ય પ્રશ્નોને સાંભળી તેના નિવારણની ખાતરી આપી હતી.
તેમણે દરેક તાલુકામાં વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભાવિ માટે જરૂરી એવા શૈક્ષણિક કાર્યને વધુ સુગમ બનાવવાના હેતુસર શિક્ષકો પાસે સૂચનો માંગી તેના પર યોગ્ય કાર્યવાહી કરવા અને ભવિષ્યમાં બાળકોના શિક્ષણ કે તેને લગતી કોઈ પણ સમસ્યા માટે હરહંમેશ શિક્ષકોની પડખે ઊભા રહી પર્યાપ્ત મદદ કરવાનું આશ્વાસન આપ્યું હતું.
વધુમાં જિલ્લાની પ્રા. શાળાઓમાં ભણતરની સાથે રમત-ગમત ક્ષેત્રને પ્રોત્સાહન આપવા ડીડીઓશ્રીએ તેમની DDO ગ્રાન્ટમાંથી નાણાની ફાળવણી કરી હતી. જે અંતર્ગત જિલ્લા કે રાજ્ય કક્ષાએ કબડ્ડી અને ખો-ખોની રમતમાં શ્રેષ્ઠ દેખાવ કરનારી સુરત જિલ્લાની ૪ પ્રાથમિક શાળાઓમાં કબડ્ડી મેટ, ખો-ખો પોલ, ટી શર્ટ અને શૂઝ સહિતની વસ્તુઓની વિદ્યાર્થીઓને આપવામાં આવશે.