મહારાષ્ટ્રની ‘શક્તિ મલ્ટીપર્પઝ કો.ઓ.સોસાયટી’ની લોભામણી સ્કીમોમાં નાણાકીય છેતરપિંડીનો ભોગ બનનાર નાગરિકોને સી.આઈ.ડી.ક્રાઈમનો સંપર્ક કરવા અનુરોધ
સુરત શહેર તથા નવસારી જિલ્લાના બિલીમોરા, અમલસાડ, ચીખલી, ખેરગામ, નવસારી તેમજ આસપાસના ગ્રામજનો પોન્ઝી સ્કીમોનો ભોગ બન્યા છે
સુરત: ‘શક્તિ મલ્ટીપર્પઝ કો.-ઓ.સોસાયટી લિ. નામની સંસ્થાએ લોભામણી સ્કીમોથી રોકાણ કરાવી સુરત શહેર તથા નવસારી જિલ્લાના બિલીમોરા, અમલસાડ, ચીખલી, ખેરગામ, નવસારી તેમજ આસપાસના ગામોનાં રહેવાસીઓને પોન્ઝી સ્કીમોમાં ફસાવી નાણાકીય છેતરપિંડી આચરી હોવાથી ભોગ બનનાર નાગરિકોને સી.આઈ.ડી.ક્રાઈમનો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.
વિગતો મુજબ ‘શક્તિ મલ્ટીપર્પઝ કો.-ઓ.સોસાયટી લિ.’એ શરૂઆતમાં મહારાષ્ટ્ર રાજ્યમાં રજિસ્ટ્રેશન કરાવી લોકોને તથા એજન્ટોને અલગ અલગ ‘રિફન્ડેબલ પ્લાન્સ’માં રોકાણ કરવાથી ઉંચા વળતરનાં પ્રલોભનો આપી રોકાણ કરાવ્યુ હતું, જેમાં મહારાષ્ટ્રમાં સફળ થતા આરોપીઓએ વર્ષ ૨૦૧૫ થી ૨૦૧૯ દરમ્યાન નવસારી તથા સુરત ખાતે અલગ-અલગ જગ્યાએ ઓફિસો શરૂ કરી હતી અને ગુજરાતમાં ડિરેક્ટર તેમજ મેનેજમેન્ટ કમિટી મેમ્બર્સ, બ્રાંચ મેનેજરો તરીકેની નિમણુંકો આપી પદ્ધતિસરની છેતરપિંડી આચરી હતી, તેઓએ એકબીજાની મદદગારી કરી ગુન્હાહિત કાવતરૂ રચી “શક્તિ મલ્ટીપર્પઝ કો.ઓ.સો.લિ.” નામની સોસાયટીના ૧ વર્ષથી ૬ વર્ષ સુધીના અલગ-અલગ રિફન્ડેબલ પ્લાનોમા રોકાણ કરવાથી ૧.૫% થી ૧૪.૫% સુધીનું વ્યાજ તથા એજન્ટને ૦.૨૫% થી ૧૦% સુધીનુ કમિશન તેમજ ગિફ્ટ, ગોવા ટુર પેકેજ, કેશ પ્રાઈઝ, સોનુ, ચાંદી વગેરે લોભામણી અને લલચામણી સ્કીમોમાં ફસાવ્યા હતા. તેમજ મુડી રોકાણ કરાવી વધુ કમિશન/વ્યાજ આપવાનો વિશ્વાસ તથા ભરોસો આપતા સેંકડો રોકાણકારોએ નાણા ગુમાવ્યા હતા.
આ સંદર્ભે આ સંસ્થાની છેતરપિંડીનો ભોગ બનનાર એક જાગૃત્ત ફરિયાદીએ આ સંસ્થા સામે ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેમણે નોકરીની બચત અને ખેતીની આવકના કુલ રૂ.૨૯,૬૨,૦૦૦/- અને અન્ય સગાસંબંધીઓ મળી ૨૨ રોકાણકારોનાં રૂ.૧૮,૨૪,૦૦૦/- નું કંપનીમાં રોકાણ કરાવ્યું હતું, જે પાકતી મુદ્દતની રકમ રૂ.૬૯,૫૬,૨૩૪/- ની છેતરપિંડી આચરી હોવાથી પોલીસ ફરિયાદ કરી હતી.
ભોગ બનનારાઓની સંખ્યા હજુ વધી શકે છે, ત્યારે આવા પીડિત રોકાણકારો સુધી માહિતી સરળતાથી પહોંચી રહે અને ન્યાય મેળવી શકે એ માટે ભોગ બનનાર જરૂરી આધાર પુરાવાઓ સાથે ડિટેક્ટીવ પોલીસ ઇન્સ્પેકટરની કચેરી, સી.આઇ.ડી. ક્રાઇમ, નવસારી તપાસ એકમ., એ-બ્લોક, બીજો માળ, બહુમાળી ભવન, નાનપુરા, અઠવાલાઇન્સ, સુરતના સરનામે રૂબરૂ સંપર્ક સાધવા અથવા મો.નં. ૯૮૨૫૩૦૬૬૧૭ ઉપર સંપર્ક સાધવા એમ.વી.બત્તુલ ડિટેક્ટિવ પી.આઈ. (સી.આઈ.ડી.ક્રાઇમ-નવસારી) તપાસ એકમની યાદીમાં જણાવાયું છે.