૭૮માં સ્વાતંત્ર પર્વની ઉજવણી
સુરત જિલ્લા કક્ષાના સ્વાતંત્ર પર્વની બારડોલીની ઇસરોલી આર. એન. જી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ખાતે દબ દબાભેર ઉજવણી.
દેશને વિકસિત બનાવવા માટે વિકસિત ગુજરાતના નિર્માણના સંકલ્પ સાથે આગળ વધીએ
આઝાદી કા અમૃત મહોત્સવ, મેરી મિટ્ટી મેરા દેશ અને હર ઘર તિરંગા જેવા અભિયાનોથી નેશન ફર્સ્ટની ભાવના જન જનમાં પ્રબળ બની છે
ગુજરાત આજે ગ્લોબલ ડેસ્ટીનેશન ફોર સેમી કંડકટર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ તરીકે સ્થાપિત થયું છે
:- મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ
૭૮માં સ્વાતંત્ર્ય પર્વ ૧૫મી ઓગષ્ટની સુરત જિલ્લાકક્ષાની ઉજવણી બારડોલી તાલુકા મથકે નાણા અને ઉર્જામંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ ધ્વજવંદન કરતા જણાવ્યું હતું કે, ડૉ. બાબાસાહેબ આંબેડકર દ્વારા રચાયેલ સંવિધાન અને ગાંધી બાપુની અહિંસા અને સત્યાગ્રહની વિચારધારા આજે સ્વતંત્ર ભારતના વિકાસનો પાયો બની છે. આપણે સૌ દેશને વિકસિત બનાવવા માટે વિકસિત ગુજરાતના નિર્માણના સંકલ્પ સાથે આગળ વધીએ એમ રાજ્યના નાણાં ઊર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી અને સુરત જિલ્લાના પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું.
બારડોલી તાલુકાના આર. એન. જી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી, ઇસરોલી ખાતે જીલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દરમિયાન પ્રજાજોગ સંબોધન કરતા મંત્રીએ આઝાદીની ચળવળમાં પોતાના પ્રાણોની આહુતિ આપી દેનારા શહીદોને શ્રધ્ધાસુમન અર્પણ કરી વિદેશમાં રહી રાષ્ટ્રધ્વજની ડિઝાઇન કરી સૌપ્રથમ તિરંગો ફરકાવનાર મેડમ કામાનું સ્મરણ કરી શ્રધ્ધાંજલિ અર્પી હતી.દેશમાં થઇ રહેલા વિકાસની ઝાંખી કરાવતા જણાવ્યું હતું કે, રાજ્ય અને કેન્દ્ર સરકાર ગરીબ, વંચિત અને શોષિતોના પડખે ઊભી છે એમ કહી તેમણે આવાસવિહોણા જરૂરિયાતમંદ ત્રણ કરોડ લોકોને પાકા મકાનો આપવા સરકાર પ્રતિબદ્ધ હોવાનું ઉમેરી તેમણે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશની અર્થવ્યવસ્થા પાચમા ક્રમની સૌથી મોટી અર્થવ્યસ્થા બની છે જે નજીકના ભવિષ્યમાં ત્રીજા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે એમ કહી તેમણે છેલ્લા દસ વર્ષમાં ૨૫ કરોડ લોકો ગરીબી રેખાથી ઉપર આવ્યા છે એમ કહ્યું હતું.
દેશના નાગરિકોમાં દેશભક્તિની ભાવના બળવત્તર બને એ માટે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ઉપાડેલા આઝાદી કા અમૃત મહોત્સવ, મેરી મિટ્ટી મેરા દેશ અને હર ઘર તિરંગા જેવા અભિયાન થકી દેશના જન જનમાં નેશન ફર્સ્ટની ભાવના પ્રબળ બની છે એમ તેમણે ઉમેર્યું હતું.
રાજ્ય સરકાર દ્વારા તમામ સમાજના સર્વાંગી વિકાસ માટે લેવામાં આવી રહેલા પગલાઓ અંગે વિગતે છણાવટ કરી મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં ગુજરાત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે જે અંતર્ગત ગરીબ, વંચિત અને શોશિતોની આર્થીક અને સામાજીક સ્થિતિ મજબૂત બને એ માટે અનેક યોજનાઓ અમલી બનાવી છે એમ કહી તેમણે આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે રૂ. એક લાખ કરોડની આદિવાસી કલ્યાણ યોજના અમલમાં મુકવામાં આવી છે એમ ઉમેર્યું હતું.
તેમણે યુવા વિકાસ અંગે વાત કરતા યુવા કૌશલ વિકાસ યોજના અને સ્ટાર્ટ અપ યોજના અંગે વાત કરી આજે દેશના યુવાનો રોજગાર આજે નોકરીદાતા બન્યા છે એમ કહી તેમણે મહિલા સશક્તિકરણ માટે સરકાર હરહંમેશ ચિંતા કરી રહી છે એમ કહી મિશન મંગલમ યોજનાથી બહેનો આજે આર્થિક રીતે પગભર બની છે એમ કહ્યું હતું. તેમણે નારી વંદન અધિનિયમ થકી રાજયની વિધાનસભા એન્ડ દેશની સંસદમાં મહિલાઓની ભાગીદારી સુનિશ્ચિત કરવામાં આવી છે એમ કહ્યું હતું.
ગુજરાતની ઔધોગિક વિકાસ માટેની ઇકો સિસ્ટમ સુદ્રઢ બનતા રાજ્ય વિકાસની હરણફાળ ભરી રહ્યું છે એમ કહી તેમણે ગુજરાત આજે ગ્લોબલ ડેસ્ટીનેશન ફોર સેમી કંડકટર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેકચરિંગ સ્થાપિત થયું છે એમ કહી ગુજરાતમાં આ ક્ષેત્રમાં રૂ. એક લાખ કરોડથી વધુનું રોકાણ થયું છે એમ જણાવ્યું હતું.
બોક્ષ:- ૧
રમત ગમત ક્ષેત્રમાં રોહન.એમ.ચાસિયા જેઓ જન્મથી જ બન્ને પગે ૯૦% દિવ્યાંગ છે. સ્વિમિંગ માટે નેશનલ ગોલ્ડ મેડલ તથા સરદાર પટેલ એવોર્ડ મળેલ છે. તેમજ વર્ષ ૨૦૧૬-૧૭ માં ગુજરાત સરકાર દ્વારા ખેલ પ્રતિભા પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો છે. વર્ષ ૨૦૨૧-૨૨ માં દિવ્યાંગો માટેના કોસ્ટલ કાયકિગ કે જેમાં પોરબંદર થી સોમનાથની કુલ ૧૧૭.૨૩ કિલોમીટરની દરિયાઈ સફર માત્ર ૬ દિવસ માં પૂર્ણ કરી ને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. જેમને મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે પ્રશસ્વિપત્ર આપી સન્માનિત કરાયા હતા.
બોક્ષ – ૨
નવી સિવિલ હોસ્પિટલના ડૉ.કેતન નાયક અને ઇકબાલ કડીવલાનું મંત્રીશ્રીના હસ્તે સન્માન કરાયું
અંગદાન કરનાર મૃતકના પરિવારનું સન્માન કરાયુ
નવી સિવિલ હોસ્પિટલ સુરતમાં કુલ ૫૯ અંગદાતાઓ પોતાના અંગો ડોનેટ કર્યા છે. જેમાં કુલ ૨૦૦ જેટલા અંગોનું દાન પ્રાપ્ત કરાવી ટ્રાન્સપ્લાન્ટ કો-ઓર્ડિનેટર તરીકે ડૉ. કેતન નાયક એ પ્રશંસનીય કામગીરી કરેલ છે. ભારતીય અંગદાન |દિવસ-૨૦૨૪ ના રોજ નવી દિલ્હી ખાતે તેમને રાજ્યકક્ષાનાં આરોગ્ય મંત્રીશ્રી દ્વારા બેસ્ટ ટ્રાન્સપ્લાન્ટ કોર્ડિનેટર તરીકેનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. નવી સિવિલ હોસ્પિટલ સુરતના ઓર્થોપેડીક ઓપીડી પાસે અચાનક એક સગર્ભા મહિલાને પ્રસવ પીડા થતા ઈમરજન્સી વોર્ડનાં ઇન્ચાર્જશ્રી ઇક્બાલ કડીવાલાએ સમયસર સુજબુઝ વાપરી મહિલા સફાઈ કર્મચારીઓની મદદથી ડિલિવરી કરાવી હતી સાથે અંગદાન કરેલ મૃતકના પરિવારનું પણ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે પ્રશસ્વિપત્ર આપી સન્માનિત કરાયા હતા.
આ પ્રસંગે સુરત જિલ્લાના પોલીસ, આરોગ્ય, રમતગમત ઉત્કૃષ્ઠ સેવા કરનારા અધિકારી-કર્મચારીઓને મંત્રીશ્રીના હસ્તે સીસન્માનિત કરાયા હતા. બારડોલીની શાળાના બાળકોએ રંગારંગ દેશભકિત ગીતો સાથે વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજુ કરીને સૌના મન મોહી લીધા હતા.
આ પ્રસંગે બારડોલી સાંસદ પ્રભુભાઈ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભાવિનીબેન પટેલ, ધારાસભ્યશ્રીઓ મોહનભાઈ ઢોડિયા, ઈશ્વરભાઈ પરમાર, જિલ્લા કલેકટરશ્રી ડૉ. સૌરભ પારધી, જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિતેશ જોયસર, પૂર્વ જી.પંચાયત પ્રમુખ ભાવેશભાઈ પટેલ, જિલ્લા સંગઠન પ્રમુખ ભરતભાઇ રાઠોડ, નિવાસી અધિક કલેકટરશ્રી વિજય રબારી, પ્રાંત અધિકારીશ્રી જીજ્ઞાબેન પરમાર, વિવિધ વિભાગના અધિકારીઓ, પોલીસ જવાનો, શિક્ષકો, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.