કાદિયા પાસે આદિવાસી દિને સર્જાયેલ અકસ્માતમાં ઘવાયેલા યુવકે દમ તોડયો.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ મહુવા અનાવલ સ્ટેટ હાઈવે પર તા-9 ઓગસ્ટને શુક્રવારના રોજ બપોરે કાદિયા ગામની સીમમાં નહેર નજીક બે મોટરસાયકલ (GJ-19-BC-7023) અને (GJ-05-DC-7920) વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.બે મોટરસાયકલ સામ સામે અથડાતા મોટરસાયકલ ચાલક કાદિયા ગામના 32 વર્ષીય ભરતભાઈ રમણભાઈ નાયકા અને પાછળ બેસેલ વિરેશ અશોકભાઈ પટેલ ગંભીર રીતે ઘવાયા હતા.જ્યારે અન્ય એક મોટરસાયકલ ચાલક યુવાન વંશકુમાર સુરેશભાઈ પટેલ (રહે-દેદવાસણ) પણ ગંભીર ઘવાયો હતો.આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત બનેલ ત્રણેય યુવાનોને સ્થાનિકો દ્વારા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.જેમાં ગંભીર રીતે ઘવાયેલ કાદિયા ગામના 32 વર્ષીય ભરતભાઈ નાયકાને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હોવાથી વધુ સારવાર માટે નવસારી બાદ સુરત ખાતે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમિયાન ગંભીર રીતે ઘવાયેલ યુવાનનું તા-11 ઓગસ્ટને રવિવારના રોજ કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતુ.