પહેલા મને રોજગારીની ચિંતા થતી હતી હવે નવ વ્યક્તિઓને રોજગાર આપું છું :- અનિતાબેન ચૌધરી
ગુજરાત આદિજાતિ વિકાસ નિગમની યોજનાથી ઉચ્ચ શિક્ષિત આદિવાસી મહિલા બની આર્થિક રીતે આત્મનિર્ભર
માત્ર ચાર ટકાના નજીવા દરે રૂપિયા પાંચ લાખની લોન મેળવી અનિતાબેને શરૂ કર્યો હોટલનો વ્યવસાય
એમ.એ બી.એડ થયા પછી મને રોજગારીની ચિંતા સતાવતી હતી. પરંતુ હવે નાહરી હોટલ ચલાવી હું નવ વ્યકિતને રોજગારી આપું છું એમ સુરત જિલ્લાના માંડવી તાલુકાના સઠવાવ ગામના અનિતાબેન ચૌધરીએ જણાવ્યું હતું.
દરેક વાતમાં આપણને રોંદણા રોવાની ટેવ પડી ગઇ છે. કયારે આપણે રોજગારીના, કયારેક નોકરીના રોંદણા સતત રોયા જ કરીએ છીએ છીએ. પરંતુ કયારેય આપણે આપણી આ સમસ્યાઓના સમાધાન અંગે વિચાર કરતા જ નથી. જો શાંતિથી વિચાર કરીએ તો દરેક સમસ્યાનું સમાધાન શક્ય જ છે.
મિત્રો, મન હોય તો માળવે જવાય એ કહેવત તો તમે સાંભળી જ હશે. જો માણસ મકકમ નિર્ધાર કરી લે તો કોઇ પણ તકલીફ તેને ડગાવી શકતી નથી. જેનું ઉદાહરણ છે સઠવાવ ગામના અનિતાબેન ચૌધરી કે જેમણે ઉચ્ચ અભ્યાસ પછી તેમને નડેલી રોજગારની સમસ્યાનો અડગતાથી સામનો કરી કરી આજે આર્થિક રીતે આત્મનિર્ભર બન્યા છે.
માંડવી-ઝંખવાવ રોડ પર આવેલા સઠવાવ ગામે અનિતાબેન ચૌધરી પોતાની નાહરી હોટલ ચલાવે છે. જયાં તેઓ પરંપરાગત આદિવાસી વ્યંજનો બનાવી ગ્રાહકોને આંગળા ચાટતા કરી દે છે.
માહિતી ખાતાની ટીમ સાથે વાત કરતા અનિતાબેન જણાવ્યું કે, આદિજાતિ વિકાસ નિગમમાં નોકરી કરતી મારી બહેનપણી તરૂબેન ચૌધરીએ મને નિગમમાંથી મળતી લોન વિશે જાણકારી આપી માત્ર ચાર ટકાના નજીવા દરે લોન મળતી હોવાનું જણાવતા મને લોન મેળવી સ્વરોજગાર કરવાનો વિચાર આવ્યો.
આદિજાતિ વિકાસ નિગમમાંથી લોન મેળવવાની તમામ પ્રક્રિયા ઓનલાઇન કર્યા બાદ મને રૂા. પાંચ લાખની લોન આપવામાં આવી હતી. જેનાથી મેં મારા પતિ ઉમેશભાઇની મદદથી નાહરી આદિવાસી હોટલ શરૂ કરીને આજે હું નાહરી આદિવાસી હોટલ ચલાવી આર્થિક રીતે આત્મનિર્ભર બની છું એમ તેમણે ઉમેર્યું હતું.
હોટલ શરૂ કરવાનો વિચાર તેમને કઇ રીતે આવ્યો એ અંગે વાત કરતા તેમણે કહ્યું હતું કે, ડાંગ જિલ્લામાં આ પ્રકારની હોટલ સખી મંડળની બહેનો ચલાવે છે તેની મને ખબર હતી. મને પણ પહેલેથી રસોઇનો શોખ હોવાથી મેં આ હોટલના વ્યવસાયમાં ઝંપલાવવાનું નકકી કર્યું હતું.
મારી હોટેલમાં હાલ નવ વ્યક્તિઓ કામ કરે છે. જેમાં હેલ્પર તરીકે નોકરી કરનારને માસિક રૂા.૯૦૦૦/-, અને રસોયણને માસિક રૂા.૧૨૦૦૦/-નો પગાર ચૂકવવામાં આવતો હોવાનું તેઓ કહે છે.
હોટલથી થતી આવક અંગે વાત કરતા તેઓ જણાવે છે કે, મને મહિને બે થી ત્રણની લાખની આવક થાય છે. તમામ ખર્ચો બાદ કરતા મને મહિને ૨૫ થી ૩૦ હજારનો નફો મળી રહે છે. હવે હું કોઇની ઓશિયાળી રહી નથી. મારા બાળકોને સારૂં શિક્ષણ અપાવી શકું છું અને મારા પરિવારને આર્થિક રીતે મદદરૂપ પણ થઇ શકું છું.
આદિજાતિ વિકાસ નિગમમાંથી મળેલી લોન અંગે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, મેં રૂપિયા પાંચ લાખની લોન લીધી છે. રૂા.૨૭૨૫૬ના ત્રિમાસિક હપ્તા પ્રમાણે પાંચ વર્ષમાં લોન ભરપાઇ કરવાની થઇ જશે. ગુજરાત આદિજાતિ વિકાસ નિગમની આ યોજના ખૂબ જ સારી યોજના છે. આદિવાસી સમાજના જે લોકો લોન લઇ પોતે સ્વરોજગાર કરી આત્મનિર્ભર બનવા માંગતા હોય તેમણે આ યોજનાનો લાભ અવશ્ય લેવો જોઇએ એમ તેમણે જણાવ્યું હતું.
બોક્ષ
સઠવાવ ખાતે આવેલી આ નાહરી હોટલમાં આદિવાસી સમાજના પરંપરાગત વ્યંજનો બનાવવામાં આવે છે. જેમાં જુવાર, બાજરી, મકાઇ, નાગલી સહિત સાત પ્રકારના રોટલા, તુવેર અને અડદની દાળ, કાંદા બટાકાનું શાક, ખાટી ભાજી, અન્ય પરંપરાગત રીતે ખવાતી ભાજીઓનું શાક તેમજ ઢેકળા અહીંની સૌથી લોકપ્રિય અને સ્પેશિયલ વાનગી છે. જો તમારે પરંપરાગત વાનગીઓનો સ્વાદ માણવો હોય તો રોટલા, દાળ ભાત અને શાકના રૂા. ૧૨૦ અને અહીંની સ્પેશિયલ ડિશ ઢેકળા, કાંદા-બટાકાનું શાક, દાળ અને ભાતના રૂા. ૧૪૦ ચૂકવવા પડશે.
અહીં બનતી પરંપરાગત વાનગીઓનો સ્વાદ માણવા માટે બારડોલી, સુરત, વ્યારા, માંડવી ઝંખવાવ તેમજ અન્ય જગ્યાએથી પણ ગ્રાહકો ઉમટી પડે છે.
બોક્ષ
હું છેલ્લા ઘણા સમયથી નાહરી હોટલમાં જમવા માટે આવું છું. અહીં બનતી વાનગીઓ બહુ જ સ્વાદિષ્ટ હોય છે. આજે આદિવાસી સમાજના લોકો સમયના પ્રવાહની સાથે આદિવાસી વાનગીઓથી વિમુખ થતા જાય છે ત્યારે અહીં બનતી વાનગીઓ લોકોમાં ખૂબ લોકપ્રિય થઇ રહી છે.
મને અહીંની બીજી વાનગીઓ તો ગમે જ છે પરંતુ અહીંના ઢેકળા ખૂબ સારા લાગે છે. આમ પણ આદિવાસી સમાજના વારે તહેવારે ઢેકળા બનાવવાનો રિવાજ છે. આ પરંપરાગત વાનગી અહીંની ખાસ વાનગી તરીકે લોકપ્રિય થઇ રહી છે
. લીલાબેન ચૌધરી: ગ્રાહક
બોક્ષ:
અનિતાબેન ચૌધરી પોતે સખીમંડળ સાથે પણ જોડાયેલા છે. સખીમંડળથી તેમને અને મંડળના બહેનોમાં આવેલા પરિવર્તન અંગે આશ્ચર્ય વ્યકત કરતા જણાવ્યું હતું કે, જે બહેનો પહેલા બોલી શકતા ન હતા, બહાર નિકળવા માટે શરમાતા હતા, સરકારી ઓફિસોમાં જવા માટે ડરતા હતા. તેઓ હવે બેધડક વાતો કરતા થયા છે. બેંકનો વ્યવહાર કરતા થયા છે. મારા વ્યક્તિત્વ ઘડતરમાં મિશન મંગલમ યોજનાનો બહુ મોટો ફાળો છે એમ તેમણે કહ્યું હતું.