રાજ્યના આદિજાતિ યુવક-યુવતીઓ માટે ‘વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે લોન સહાય યોજના’: વાર્ષિક ૪%ના વ્યાજ દરે મળશે રૂ।.૧૫.૦૦ લાખની લોન
ધોરણ-૧૨ અથવા ઇન્ડિયન સ્કુલ સર્ટીફિકેટ કે તેની સમકક્ષ પરીક્ષામાં વિશેષ યોગ્યતા ધરાવતા યુવક-યુવતીઓ લાભ લઈ શકે છે
રાજ્યભરના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરી પગભર બને તેમજ આર્થિક રીતે સદ્ધર બની સમાજમાં ગૌરવભેર જીવન વ્યતિત કરી શકે તે હેતુથી રાજ્ય સરકારના વિકસતી જાતિ કલ્યાણ વિભાગ દ્વારા વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે લોન સહાય યોજના અમલમાં મૂકી છે.
રાજ્યના આદિજાતિ શિક્ષિત યુવક-યુવતીઓને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે રૂ।.૧૫.૦૦ લાખની મર્યાદામાં વાર્ષિક ૪%ના વ્યાજ દરે ધિરાણ આપવાની યોજના અમલમાં છે. ધોરણ-૧૨ અથવા ઇન્ડિયન સ્કુલ સર્ટીફિકેટ કે તેની સમકક્ષ પરીક્ષામાં વિશેષ યોગ્યતા ધરાવતા વિદ્યાર્થીઓ વિદેશમાં ડિપ્લોમા, સ્નાતક (ગ્રેજ્યુએટ), અનુસ્નાતક (પોષ્ટ ગ્રેજ્યુએટ), પોષ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા, પી. એચ. ડી. તેમજ ઉચ્ચ કક્ષાના તમામ ક્ષેત્રના ૧(એક) શૈક્ષણિક વર્ષ કે તેથી વધુ સમયના અથવા ઓછામાં ઓછા બે સેમેસ્ટરના અભ્યાસક્રમો માટે આ યોજના હેઠળ લોન લઈ શકે છે. જેમાં આવક મર્યાદા ધ્યાનમાં લેવામાં આવતી નથી. આ માટે વિદ્યાર્થીએ અરજી વિદેશ જતા પહેલા અથવા વિદેશ ગયાના છ માસ સુધીમાં કરી શકશે.
લોન લેવા માટે જરૂરી દસ્તાવેજોમાં આર્થિક પછાત વર્ગનો દાખલો, કુટુંબની આવકનો દાખલો, આઇ. ટી. રીટર્ન, ફોર્મ -૧૬, અભ્યાસની માર્કશીટ, ડિગ્રી સર્ટિફિકેટ અને ટકાવારીના આધારો, વિદેશના અભ્યાસનો ઓફરલેટર/I–20/Letter of Acceptance, વિદ્યાર્થીના પાસપોર્ટની નકલ, વિદ્યાર્થીના જે તે દેશના વીઝાની નકલ, એર ટીકીટની નકલ, વિદ્યાર્થીના પિતા/વાલીની મિલકતના આધારો તથા વેલ્યુએશન રીપોર્ટ રજૂ કરવાના હોય છે.
લોનની ભરપાઈ વિદ્યાર્થીના અભ્યાસ પૂર્ણ થયાના એક વર્ષ બાદ માસિક/ત્રિમાસિક હપ્તાઓમાં કરવામાં આવશે. લોનની રકમ મહત્તમ ૧૦ વર્ષમાં અને વ્યાજની રકમ મહત્તમ ૨ વર્ષમાં પૂર્ણ કરવાની રહેશે.
