સુરત જિલ્લાના આદિવાસી વિદ્યાર્થીઓના ઉચ્ચ ગુણવત્તાયુક્ત શૈક્ષણિક વિકાસનું ‘આદર્શ’ ઉદાહરણ એટલે બારડોલીની ‘આદર્શ નિવાસી કુમાર શાળા’
સુરત જિલ્લાની કુલ ૮ આદર્શ નિવાસી શાળામાં ૯૮0 વિદ્યાર્થીઓ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ લઈ રહ્યા છે
છેવાડાના પછાત વિસ્તારોમાંથી આવતા ધો.૯થી ૧૨ના આદિવાસી બાળકોના શિક્ષણ, નિવાસ અને ભોજનની નિ:શુલ્ક વ્યવસ્થા
આદિવાસી વિદ્યાર્થીઓને પ્રાથમિક કક્ષા પછીનું શિક્ષણ લેવા પ્રોત્સાહન આપતી રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ વિભાગની ‘આદર્શ નિવાસી શાળા’
આદર્શ નિવાસી શાળાને કારણે હવે આદિવાસી વિસ્તારના બાળકો ઉચ્ચ શિક્ષણ મેળવી ઉજ્જવળ ભાવિ ઘડી રહ્યા છે
બાળકોને પુસ્તકો-નોટ્સ સાથે પેન-પેન્સિલ, ગણવેશ સહિત દરેક વસ્તુ રાજ્ય સરકારની સહાય હેઠળ વિનામૂલ્યે અપાય છે: આર્થિક રીતે નબળા પરિવારોના બાળકો ચિંતામુક્ત બની ભણે છે
:- આચાર્ય રેખાબેન પટેલ
આદિજાતિ સમાજનો સર્વાંગી વિકાસ થાય તેમજ સમાજના અન્ય વર્ગો સમકક્ષ સામાજિક, આર્થિક અને શૈક્ષણિક સમાનતા કેળવવા સક્ષમ બને તે હેતુથી રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા વિવિધ યોજનાઓ અમલી બનાવાઈ છે. જેમાં પછાત આદિવાસી વિસ્તારમાંથી આવતા બાળકો પ્રાથમિક શિક્ષણ પછી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ મેળવી શકે એ હેતુથી રાજ્ય સરકારે દરેક જિલ્લામાં ‘આદર્શ નિવાસી શાળા’ઓ શરૂ કરી છે. છેવાડાના પછાત વિસ્તારોમાંથી આવતા વિદ્યાર્થીઓને શિક્ષણનો સમાન હક પ્રદાન કરતી આ યોજનામાં બાળકોને ધો.૯થી ૧૨નું શિક્ષણ, રહેવા-જમવાની નિ:શુલ્ક સગવડ આપવામાં આવે છે.
સુરતના બારડોલી તાલુકા મથકે આવેલી કુમારો માટેની આદર્શ નિવાસી શાળાનું વિશાળ પ્રાંગણ અને સુવિધાસભર અદ્યતન બિલ્ડિંગ, ગુણવત્તાયુક્ત શહેરી શાળાઓ સાથેની તુલના કરી શકાય તેવું છે. શાળાના પ્રાંગણમાં આચાર્ય અને શિક્ષકો માટે અલગ ક્વાર્ટર્સ, બોયઝ હોસ્ટેલ તેમજ રમતનું મોટું મેદાન છે. ધો.૯ થી ૧૧(સાયન્સ)નું ઉચ્ચ શિક્ષણ આપતી ૪ માળની શાળામાં ૮ વર્ગખંડ સહિત કેમેસ્ટ્રી, ફિઝિક્સ અને બાયોલોજી વિષયની પ્રેક્ટિકલ લેબ છે. તેમજ આખી શાળાને કવર કરતા ૩૬ કેમેરા, ફાયર સેફટી, કમ્પ્યુટર લેબ, અભ્યાસેત્તર પ્રવૃત્તિઓ માટે હોલ, લાયબ્રેરી, વોટર રૂમની પણ સુવિધાઓ છે. શાળાના મેદાનમાં કિચન ગાર્ડન તેમજ ૨૪ કલાક નિયમિત પાણી ઉપલબ્ધ બને એ માટે વોટર સ્ટોરેજ ટેન્ક રૂમ છે.
શાળાના આચાર્ય રેખાબેન પટેલ જણાવે છે કે, અહીં બાળકોને પુસ્તકો-નોટબુકસ સાથે પેન- પેન્સિલ, ગણવેશ સહિત જરૂરી ચીજવસ્તુઓ રાજ્ય સરકારની સહાય હેઠળ વિનામૂલ્યે આપવામાં આવે છે. જેથી આર્થિક રીતે નબળા પરિવારોમાંથી આવતા બાળકો ચિંતામુક્ત ભણી શકે છે. હાલ બારડોલી નિવાસી શાળામાં ધો.૯થી ૧૧માં ૧૬૭ બાળકો ભણે છે, અને આવતા વર્ષથી ધો.૧૨ પણ શરૂ કરવામાં આવશે. અહીં બાળકો માટે સ્માર્ટ ક્લાસરૂમ તેમજ રમવા માટે વિશાળ મેદાન પણ છે.
વધુમાં તેમણે કહ્યું કે, આ શાળામાં ઉચ્છલ, નિઝર, સૌરાષ્ટ્રના સાસણ ગીરના ખૂબ પછાત ગામડાઓમાંથી પણ બાળકો ભણવા આવે છે. અંતરિયાળ ગામોના ઘણા પરિવારો પોતાના બાળકોને અપૂરતી શિક્ષણ સુવિધા અને આર્થિક તંગીને કારણે અભ્યાસમાંથી ઉઠાડી લે છે અથવા શિક્ષણ આપવામાં ઉદાસીન વલણ ધરાવે છે. પણ આદર્શ નિવાસી શાળાને કારણે હવે આદિવાસી બાળકો ઉચ્ચ શિક્ષણ મેળવી ઉજ્જવળ ભાવિ ઘડી શકે છે. અભ્યાસ, નિવાસ, ભોજન સહિતની નિ:શુલ્ક સુવિધાઓને કારણે બાળકોના માતા-પિતા પણ નિશ્ચિંત રહે છે. અમારા પ્રાંગણમાં જ સ્ટાફ ક્વાર્ટર્સ હોવાને કારણે બાળકો ઘરથી દૂર છતાં ઘર જેવો જ માહોલનો અનુભવ કરે છે. જે અભ્યાસમાં ઉત્કૃષ્ટ દેખાવ માટે સકારાત્મક અસર ઊભી કરે છે.
બાળકોની દિનચર્યા વિષે જણાવતા તેમણે કહ્યું કે, બાળકોને વહેલી સવારે દૂધ, ત્યારબાદ નાસ્તો, બપોરે અને રાત્રે ગરમ ભોજનની સાથે સાંજે હળવો નાસ્તો આપીએ છીએ. શાળાના સમય બાદ સાંજે ૨ કલાક નિ:શુલ્ક ક્લાસીસ તેમજ રાત્રે શિક્ષકો દ્વારા વાંચનની પ્રવૃત્તિ પણ કરાવીએ છીએ.
આ શાળાના ૫૪ રૂમ સાથે ૫ માળની હોસ્ટેલના ગ્રાઉન્ડ ફ્લોર પર વિશાળ ડાઈનિંગ હૉલ અને કિચન છે. તેમજ લિફ્ટ, ફાયર સેફટી, સોલાર વોટર હીટર સહિતની સુવિધા સાથે અહીં રહેતા બાળકોને ૪ જોડી કપડાં તેમજ બ્રશ, ટુસુથપેસ્ટ, હેરઓઈલ, સાબુ જેવી દૈનિક જરૂરિયાતની ચીજવસ્તુઓ પણ વિનામૂલ્યે અપાય છે.
શાળાના પ્રાંગણમાં જ શિક્ષકો અને આચાર્ય માટે અલગ સ્ટાફ ક્વાર્ટર્સની સુવિધા છે. જેથી ૨૪ કલાક બાળકોની સાથે રહેતા શિક્ષકો તેમના પર પૂરતું ધ્યાન આપી શકે અને બાળકો નિ:સંકોચપણે તેમની સમસ્યાઓ શિક્ષકને જણાવી શકે છે.
આદિવાસી વિસ્તારો અને જિલ્લાના અન્ય વિસ્તારો વચ્ચે રહેલું શૈક્ષણિક અને સામાજિક અંતર દૂર કરવા આદર્શ નિવાસી શાળા સેતુરૂપ બની છે.
સુરત જિલ્લામાં ઉમરપાડા, મહુવા, તરસાડી અને બારડોલી મળી કુલ ૮ આદર્શ નિવાસી શાળાઓ કાર્યરત:
સુરત જિલ્લામાં ઉમરપાડા, મહુવા, તરસાડી અને બારડોલી મળી કુલ ૮ આદર્શ નિવાસી શાળાઓ કાર્યરત છે. જેમાં ચાલુ વર્ષે અંદાજે ૯૮૦ કુમાર અને કન્યાઓ ઉચ્ચ શિક્ષણ લઈ રહ્યા છે. આ સિવાય, સુરત જિલ્લામાં અન્ય ૧૭ સરકારી છાત્રાલયો આવેલા છે, જેમાં ૩૪૫૦ છાત્રોને રહેવાની તથા જમવાની સુવિધા મળે છે. સુરતમાં ૧ સમરસ કુમાર અને ૧ કન્યા છાત્રાલય, ૬૬ ગ્રાન્ટ ઈન એઇડ છાત્રાલયો તેમજ કુલ ૬૬ આશ્રમ/ઉત્તર બુનિયાદી આશ્રમ/ઉચ્ચતર ઉત્તર બુનિયાદી આશ્રમ શાળાઓ આવેલી છે.
આદિવાસી બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટેની સરકારની આ પહેલને કારણે હવે પછાત વિસ્તારના બાળકો પણ આગળ અભ્યાસ કરી સમાજમાં પોતાનું સ્થાન એકસમાન તક મેળવવા સમર્થ બની શકે છે. શિક્ષણનો વ્યાપ વધતાં તેઓ સારી રોજગારી મેળવી ગૌરવપૂર્ણ જીવન નિર્વાહ કરી સ્વનિર્ભર બની શકે છે.
બોક્સ:
રાજ્ય સરકારની સહાયથી શિક્ષણથી લઈ રહેવા-જમવાની સુવિધાઓ વિના મૂલ્યે મળી રહે છે: લાભાર્થી રાઠોડ સ્નેહલ
ધો.૧૧ સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી રાઠોડ સ્નેહલ જણાવે છે કે, રાજ્ય સરકારની સહાયથી અમને શિક્ષણથી લઈ રહેવા-જમવાની સુવિધાઓ વિના મૂલ્યે મળી રહે છે. રમવા માટે વિશાળ મેદાન છે, અને જમવામાં રોજેય ત્રણેય ટંકનું પૌષ્ટિક અને તાજું ભોજન મળે છે.
આદર્શ નિવાસી શાળાના કારણે અમારા જેવા સામાન્ય પરિવારોના બાળકોને ઉચ્ચ શિક્ષણની તક મળી છે: લાભાર્થી વસાવા રિતિક
ઉમરપાડા તાલુકાના નાનકડા ગામમાંથી આવતા વિદ્યાર્થી વસાવા રિતિક આદર્શ નિવાસી શાળાના કારણે અમારા જેવા સામાન્ય પરિવારોના બાળકોને ઉચ્ચ શિક્ષણની તક મળી છે એમ જણાવી રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરે છે. તે કહે છે કે, અમારા ગામમાં આગળ ભણવાની સુવિધા ન હોવાથી મારા જેવા અનેક વિદ્યાર્થીઓ માટે આદર્શ નિવાસી શાળા આશીર્વાદ સમાન છે. જે અમારા ઉજ્જવળ ભવિષ્યને સુનિશ્ચિત કરશે.