સુરત જિલ્લાના કામરેજ તાલુકાના વાવ ગામની આકસ્મિક મુલાકાત લેતા જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધી.
ગામની પંચાયત, આંગણવાડી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સહિતની કચેરીની રોજિંદી કામગીરી-નાગરિકોને આપવાના થતા દાખલા- પ્રમાણપત્રો- ઈ–ધરા કેન્દ્ર કાર્યવાહીનું નિરીક્ષણ કરી લોક ઉપયોગી સૂચનો કર્યા
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારની કચેરીઓમાં થતી પ્રજાલક્ષી કામગીરીના નિરીક્ષણ અને વહીવટીતંત્રની કચેરીઓની ઓચિંતી મુલાકાત લેવાનો જનસંવેદનાલક્ષી અભિગમ અપનાવ્યો છે, જેને આગળ વધારતા રાજયના તમામ કલેકટરશ્રીઓ અને જિલ્લા વિકાસ અધિકારીઓને કોઈ ગામની ઓચિંતા મુલાકાત લેવાના નિર્દેશ આપ્યા હતા. જેના ભાગરૂપે જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીએ આજે કામરેજ તાલુકાના વાવ ગામની આકસ્મિક મુલાકાત લઈને જરૂરી સૂચનો કર્યા હતા.
કલેકટરશ્રીએ ગ્રામ પંચાયત, પ્રા.આરોગ્ય કેન્દ્ર, આંગણવાડી, પંડિત દીનદયાળ સસ્તા અનાજની દુકાન, એસ.આર.પી.ગ્રાઉન્ડ સ્થિત પ્રા. શાળા સહિતની કચેરીની મુલાકાત લીધી હતી. સસ્તા અનાજની દુકાનમાં લાભાર્થીઓ સાથે સંવાદ સાધી અનાજની ગુણવત્તા, જથ્થાની ચકાસણી કરી હતી. પ્રા.આરોગ્ય કેન્દ્ર ખાતે ઓ.પી.ડી., ઈન્ડોર અને લેબોરેટરીની તપાસ સુવિધાઓનું નિરીક્ષણ કરી દર્દીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. શાળાની મુલાકાત લઇને શાળાકીય પ્રવૃત્તિઓની વિગતો તથા આંગણવાડીની મુલાકાત લઈને બાળકોની હાજરી સહિતની પ્રવૃત્તિઓની માહિતી મેળવી હતી.
બપોર બાદ ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલી વિડીયો કોન્ફરન્સમાં પ્રાંત અધિકારી વી.કે.પીપળિયા, મામલતદારશ્રી, સરપંચશ્રી બાલુભાઈ પટેલ, તલાટી મંત્રી શ્રી ફુલાજી રબારી તથા અન્ય અધિકારીઓ જોડાયા હતા.
