સુરત મહાનગરપાલીકા દ્વારા તા.૧૬ અને ૧૭મી ઓગષ્ટના વિજ્ઞાન મેળાનું આયોજન
શહેરની શાળાઓને ભાગ લેવા અનુરોધ
સુરત મહાનગરપાલિકા સંચાલિત સાયન્સ સેન્ટર સુરત ખાતે આગામી ૧૬ અને ૧૭ ઓગષ્ટ, ર૦ર૪ ના રોજ ”વિજ્ઞાન મેળા”નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સુરત શહેરની શાળાના વિદ્યાર્થીઓ સંશોધનાત્મક વિચારો સહિતના પ્રોજેકટસ સાથે વિજ્ઞાન મેળામાં ભાગ લઈ શકે છે. ”વિજ્ઞાન મેળા”ની થીમ ”વિકસીત ભારત માટેની સ્વદેશી તકનીકો” રાખવામાં આવી છે. જેમાં (૧) માનવજાતના ઉત્થાન માટેની સ્વદેશી તકનીકો (૨) કૃષિ માટેની સ્વદેશી તકનીકો (૩) પુન:ઉપયોગી ઊર્જાસ્ત્રોતો માટેની સ્વદેશી તકનીકો (૪) આરોગ્ય સંભાળના નવીનીકરણ માટેની સ્વદેશી તકનીકો (૫) લુપ્ત થતી કળાને પુન:જાગૃત કરવા માટેની સ્વદેશી તકનીકો પાંચ વિષયોને અનુલક્ષીને પ્રોજેકટ તૈયાર કરવાના રહેશે.
વિજ્ઞાન મેળાના બે ગ્રુપ રહેશે. એક ગ્રુપમાં ધોરણ ૮,૯ અને ૧૦ના વિદ્યાર્થીઓ અને બીજા ગ્રુપમાં ધોરણ ૧૧ અને ૧રના વિદ્યાર્થીઓ. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવનાર પ્રત્યેક પ્રોજેકટમાં ઓછામાં ઓછા ર (બે) અને વધુમાં વધુ ૪ (ચાર) વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે. પ્રોજેકટ તૈયાર કરવાનો ખર્ચ જે તે શાળાએ ભોગવવાનો રહેશે. વિજ્ઞાન મેળામાં ભાગ લેવા માટેનું રજીસ્ટ્રેશન ફોર્મ સાયન્સ સેન્ટર સુરત ખાતેથી તેમજ સુરત મહાનગરપાલિકાની વેબ સાઈટ પરથી વિના મૂલ્યે મેળવી શકાશે. ફોર્મ ભરી ઓનલાઈન તથા સાયન્સ સેન્ટર સુરત ખાતે તા.૦૧/૦૮/ર૦ર૪ સુધી મોકલવાના રહેશે. વધુ માહિતી માટે sciencecentre@suratmunicipal.org / divyesh_gameti@hotmail.com પર ઇ-મેઇલ કરી શકાશે.
