ડુમસ ખાતે નર્સિંગ એસોસિએશન અને અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ‘અંગદાન મહાદાન જનજાગૃતિ રેલી’ યોજાઈ
રેલીમાં અંગદાનના પ્લે કાર્ડ થકી પ્રવાસીઓ-સહેલાણીઓને અંગદાન વિશે જાગૃત્ત કરાયા
રક્તદાન, નેત્રદાન, દેહદાન જેવા અનેક દાનની સાથોસાથ અંગદાનનું મહત્વ વધી રહ્યું છે, ત્યારે અંગદાન વિષે વધુમાં વધુ લોકો જાગૃત્ત બને એવા આશયથી સુરત નર્સિંગ એસોસિએશન અને અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ડુમસ ખાતે અંગદાન મહાન જનજાગૃતિ રેલી યોજાઈ હતી. અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ પ્રણેતા દિલીપદાદા દેશમુખની વિશેષ ઉપસ્થિતિમાં ડુમસ દરિયાકિનારાથી સાંઈ ભજીયા હાઉસ સુધી આયોજિત આ મહારેલીમાં અંગદાનના પ્લે કાર્ડસ થકી પ્રવાસીઓ-સહેલાણીઓને અંગદાન વિશે જાગૃત્ત કરાયા હતી.
આ પ્રસંગે નર્સિંગ કાઉન્સિલના શ્રી ઈકબાલ કડીવાલાએ જણાવ્યું હતું કે, અંગદાન રેલીમાં નર્સિંગના વિદ્યાર્થીઓ સહિત શહેરીજનોએ જોડાઈને લોકજાગૃત્તિ લાવવા તેમજ અંગદાન વિષે બહોળી સમજ ફેલાવવાનો અમારો પ્રયાસ છે. વધુમાં તેમણે કહ્યું હતું કે, ઓર્ગન ડોનેશન કરીને પાંચથી છ જણાને નવુ જીવન આપી શકાય છે, આવું પૂણ્ય માત્ર અંગદાન કરનાર વ્યક્તિ અને એના પરિવારને જ મળી શકે છે. એટલે જ અંગદાન પણ મહાદાન છે. સુરતીઓમાં અને રોજગારીની શોધમાં અન્ય રાજ્યોથી અહીં આવ્યા બાદ સ્થાયી થયેલા લોકોમાં હવે જાગૃતતા આવી રહી છે.
નર્સિગના સ્ટાફને અંગદાનના શપથ લેવડાવાયા હતા જેનો હેતુ શપથ લેનાર પરિવાર અને સમાજમાં લોકોને અંગદાનનું મહત્વ સમજાવે અને અનેક લોકોને નવું જીવન આપવામાં મદદરૂપ બને એવો છે.
અંતે તમેણ કહ્યું હતું કે, અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ પ્રણેતા દિલીપદાદા દેશમુખે સમગ્ર ગુજરાતમાં અંગદાન મહાદાનનું અભિયાનને વેગવંતુ બનાવ્યું છે.એમના થકી અનેક પરિવારના જીવનમાં રોશની પ્રગત થઇ છે.
આ રેલીમાં નર્સિગ કાઉન્સિલના ઈકબાલ કડીવાલા, અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના સ્વયંસેવક મકરંદ જોશી, નર્સિંગ એસો.હોદ્દેદારો સહિત નર્સિંગ સ્ટાફ, જાગૃત્ત શહેરીજનો ઉપસ્થિત રહ્યાં હતા.
અંગદાન શું છે? તેના માટે જાગૃતિ કેમ જરૂરી?
અકસ્માત કે બ્રેઈન સ્ટ્રોકને કારણે ઘણા ઈજાગ્રસ્તો બ્રેઈનડેડ બની જતા હોય છે. બ્રેઈન ડેડ થયા બાદ આવી વ્યકિતની જિંદગી ૬ થી ૧૨ કલાકની હોય છે. જેના કિડની, લીવર, હાર્ટ, આંતરડા, ફેફસા, વગેરે અંગો સર્જરી દ્વારા મેળવી જરૂરિયાતમંદ લોકોમાં પ્રત્યારોપણ કરવામાં આવે તો અનેક લોકોની જિંદગી બચી શકે છે. લોકોમાં અંગદાન વિશે જાગૃતિ ન હોવાથી હજારો લોકો અંગદાન કર્યા સિવાય જ મૃત્યુ પામે છે, માટે અંગદાન વિશે સજાગ બનવું અનિવાર્ય છે.