જિલ્લા પંચાયત ઉપપ્રમુખ રોહિતભાઈ પટેલે મહુવા તાલુકાના કોસ અને અનાવલ ગામની ૩ શાળાઓ મળી કુલ ૩૩૫ બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો
મહુવા તાલુકાના કોસ ગામે ભૂલકાઓના કંકુ પગલાથી આંગણવાડી પાવન બની
‘રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે છેલ્લા બે દાયકામાં અભૂતપૂર્વ પરિવર્તન આવ્યા છે’ :જિલ્લા પંચાયત ઉપપ્રમુખ રોહિતભાઈ પટેલ
સમગ્ર રાજ્યભરમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ શિક્ષાનો એક અનન્ય અવસર બની રહ્યો છે. શાળાના શિક્ષકો તેમજ બાલવાટિકાના બહેનો હોંશે હોંશે બાળકોને શાળા, આંગણવાડીના પટાંગણમાં આવકારી રહ્યા છે. ત્યારે સુરત જિલ્લાના મહુવા તાલુકાના કોસ અને અનાવલ ખાતે સુરત જિલ્લા પંચાયત ઉપપ્રમુખ રોહિતભાઈ પટેલના હસ્તે નાના-નાના ભૂલકાઓને આંગળી પકડી આંગણવાડીમાં પ્રવેશ કરાવી નામાંકન કરાવ્યું હતું.
મહુવા તાલુકાની કોસ મુખ્ય પ્રાથમિક શાળા ખાતે આંગણવાડીમાં ૩ અને બાલવાટિકામાં ૧૯ ભૂલકાઓ, કાનજી ફળિયા કોસ પ્રાથમિક શાળા ખાતે બાલવાટિકામાં ૩ જ્યારે અનાવલ ગામની કે.એલ.પટેલ હાઈસ્કૂલ ખાતે ધો. ૯ના ૨૦૦ અને ધો. ૧૧ના ૧૧૦ બાળકો મળીને કુલ ૩૩૫ બાળકોને વાજતે ગાજતે મહાનુભાવોના હસ્તે શાળા પ્રવેશ અપાવ્યો હતો.
આ પ્રસંગે ઉપપ્રમુખ રોહિતભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના વર્તમાન અને ભાવિને ઉજ્જવળ બનાવવા માટે શિક્ષણને પ્રાધાન્ય આપવું અનિવાર્ય છે. ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં શિક્ષણ ક્ષેત્રે અભૂતપૂર્વ પરિવર્તન આવ્યા છે. વર્ષ ૨૦૦૩માં વડાપ્રધાનશ્રીએ શરૂ કરેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવને કારણે દિકરીઓના શિક્ષણનું પ્રમાણ સતત વધી રહ્યું છે. વાલીઓને ટકોર કરતા કહ્યું કે, સરકારી શાળામાં ભણતા વિદ્યાર્થીના વાલીઓ જો પૂરતી કાળજી લેશે તો ચોક્કસ ધાર્યું પરિણામ મેળવશે.
વર્ષ દરમિયાન શાળામાં વિશેષ સિધ્ધિ મેળવેલા બાળકોને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્રો અર્પણ કરીને સન્માનિત કરાયા હતા. આ સાથે જ્ઞાનસેતુ, જ્ઞાનસાધના અને એનએનએમએસ તેમજ શાળામાં ૧૦૦ ટકા હાજર રહેલ વિદ્યાર્થીઓના વાલીઓનું તેમજ દાતાઓનું વિશેષ સન્માન કરાયું હતું.
આ અવસરે જિલ્લા પંચાયત સભ્ય સંગીતાબેન આહિર, તા.પ્રાથમિક શિક્ષણ અઘિકારી કે.કે. ચૌધરી, BRC કોર્ડિનેટર હિતેન્દ્રકુમાર પટેલ, કોસ ગામ સરપંચ મહેશભાઈ પટેલ, અનાવલ ગામ સરપંચ મંજુલાબેન પટેલ, લાઈઝનર વિરલભાઈ ગૌસાય, સામાજિક કાર્યકર્તા જગદિશભાઈ આહિર સહિત ગ્રામજનો, વાલીઓ, શિક્ષણગણ તેમજ શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
