શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૪
વેસુ, કનસાડ અને સચીનની પ્રાથમિક શાળાઓમાં ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈએ ધો.૧ અને બાળવાટિકામાં ૧૦૯ ભૂલકાઓને શાળાપ્રવેશ કરાવ્યો.
બાળકો આપણા દેશનું ભવિષ્ય છે જેને શિક્ષકોએ શિક્ષણની સાથે સાથે સુસંસ્કારિત કરવાની જવાબદારી નિભાવવાની છેઃ સંદિપભાઈ દેસાઈ
શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવના પ્રથમ દિવસે ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈએ સુરતના વેસુની શ્રી ગુરૂવિજય વલ્લભસુરી પ્રા.શાળા નં.૧૨૧, હૈદરગંજ પ્રા.શાળા નં.૩૬૬, સચીન પ્રા.શાળા અને કનસાડ પ્રાથમિક શાળા નં. ૩૭૧માં ધો.૧ અને બાળવાટિકામાં કુલ ૧૦૯ ભૂલકાઓને કુમકુમ તિલક, મોં મીઠું કરાવી ઉત્સાહભેર શાળા પ્રવેશ કરાવ્યો હતો. ધારાસભ્યશ્રીએ પ્રથમ વખત શાળાનું પગથિયું ચઢતા ભૂલકાઓને નોટબુક, સ્કુલબેગ, વૉટરબોટલ, રમકડા, ચોકલેટ સહિતની કીટ આપી પ્રોત્સાહિત કર્યા હતા.
શ્રી ગુરૂવિજય વલ્લભસુરી પ્રા.શાળા-વેસુમાં બાલવાટિકામાં ૨૦, ધો.૧ માં ૮ મળી કુલ ૨૮, હૈદરગંજ પ્રા. શાળામાં બાલવાટિકામાં ૪૯, ધો.૧ માં ૧૮, કનસાડ પ્રા.શાળામાં બાલવાટિકામાં ૧૪ મળી કુલ બાળકોને ધારાસભ્યશ્રીએ શાળામાં પ્રવેશ સહ નામાંકન કરાવ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્યશ્રીએ જણાવ્યું કે, શાળા પ્રવેશોત્સવ માત્ર શિક્ષણનો ઉત્સવ નથી.. એ એક વિદ્યાર્થીના, એક પરિવારના, એક રાજ્ય અને દેશના ઉજ્જવળ ભવિષ્યનો પણ ઉત્સવ છે. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ શાળા પ્રવેશોત્સવની પ્રણાલી શરૂ કરી હતી, જેના કારણે આજે બાળકો હસતાં હસતાં શાળાએ આવે છે, અને અધિકારીઓ અને પદાધિકારીઓ પણ શાળાના આ ઉત્સવમાં બાળકોનું સ્વહસ્તે નામાંકન કરાવે છે. આજનું બાળકો આપણા દેશનું ભવિષ્ય છે જેને શિક્ષકોએ શિક્ષણની સાથે સાથે સંસ્કારોનું સિંચન થાય તે માટે કાર્ય કરવાનો અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમમાં શૈક્ષણિક કીટ અને શાળામાં દાન આપનાર દાતાઓ અને તેજસ્વી, સિદ્ધિપ્રાપ્ત બાળકોનું ધારાસભ્યશ્રીએ સન્માન કર્યું હતું. સાથે સાથે તેમણે શાળામાં વૃક્ષારોપણકરી પ્રકૃત્તિ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો.
આ પ્રસંગે શાળાના સ્ટાફ, દાતાઓ, અગ્રણીઓ, વાલીઓ, ભુલકાઓ ઉપસ્થિત રહ્યા હતા.
