શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૪: સુરત
ઓલપાડ તાલુકાના સાયણ, કોબા-પારડી અને ઓલપાડની પ્રાથમિક શાળાઓમાં આંગણવાડી-બાલવાટિકા અને ધો.-૧ના ૧૪૨ ભૂલકાઓને શાળા પ્રવેશ કરાવતા વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ
મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત ઓલપાડ મુખ્ય પ્રા.શાળાના પરિસરમાં રૂ.૨.૧૪ કરોડના ખર્ચે નવનિર્મિત નવા સ્કુલ બિલ્ડીંગનું વનમંત્રીના હસ્તે લોકાર્પણ
મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સના માધ્યમથી બાળકો આધુનિક-ડિજીટલ શિક્ષણ મેળવી રહ્યા છે: વનમંત્રી મુકેશભાઈ પટેલ
ઓલપાડ તાલુકાની સાયણ, કોબા-પારડી અને ઓલપાડ મુખ્ય પ્રા. શાળામાં ૭૭ કુમાર અને ૬૫ કન્યા મળીને કુલ ૧૪૨ બાળકોએ આંગણવાડી-બાલવાટિકા અને ધો.૧માં વનમંત્રીએ પ્રવેશ કરાવ્યો
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સાયણ, કોબા-પારડી અને ઓલપાડની પ્રાથમિક શાળા ખાતે આયોજિત કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪ અંતર્ગત વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે આંગણવાડી-બાલવાટિકા તેમજ ધો.૧ ના ૭૭ કુમાર અને ૬૫ કન્યા મળીને કુલ ૧૪૨ બાળકોને કુમકુમ તિલક, મોં મીઠું કરાવી શાળા પ્રવેશ કરાવ્યો હતો. આ વેળાએ મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત ઓલપાડ મુખ્ય પ્રા.શાળાના પરિસરમાં રૂ.૨.૧૪ કરોડના ખર્ચે નવનિર્મિત નવા સ્કુલ બિલ્ડીંગનું વનમંત્રીશ્રીએ લોકાર્પણ કર્યું હતું. મંત્રીશ્રીએ બાળકોને સ્કુલબેગ, નોટબુક, વોટરબેગ, ફળોની ટોપલી, યુનિફોર્મ, રમકડા, ચોકલેટ સહિતની શૈક્ષણિક કીટની ભેટ આપી હતી.
મંત્રીશ્રીએ સાયણ પ્રાથમિક શાળાની આંગણવાડીમાં એક કુમાર, બાલવાટિકામાં ૩૩ કુમાર અને ૨૯ કન્યા મળીને કૂલ ૬૨ બાળકો અને ધો-૧માં ૧૧ કુમાર અને ૯ કન્યા મળીને કુલ ૨૦ બાળકોને પ્રવેશ અપાવ્યો હતો, જ્યારે કોબા-પારડી પ્રાથમિક શાળા ખાતે આંગણવાડીમાં ૨ કુમાર, બાલવાટિકામાં ૨ કુમાર અને ૩ કન્યા મળીને કુલ ૫ બાળકો જ્યારે ધો-૧માં ૬ કુમાર અને ૩ કન્યા મળીને કુલ ૯ બાળકોને પ્રવેશ અપાવ્યો હતો. ઓલપાડ મુખ્ય પ્રાથમિક શાળા ખાતે આંગણવાડીમાં ૬ કુમાર અને ૨ કન્યા મળીને કૂલ ૮ બાળકો, બાલવાટિકામાં ૧૧ કુમાર અને ૧૪ કન્યા મળીને કુલ ૨૫ બાળકો અને ધો.૧માં ૫ કુમાર અને ૫ કન્યા મળીને કુલ ૧૦ બાળકોને મંત્રીશ્રી સાથે મહાનુભાવોએ ઉત્સાહભેર પ્રવેશ કરાવી નામાંકન કરાવ્યું હતું.
આ પ્રસંગે વનમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, મિશન સ્કૂલ ઓફ એક્સલન્સના રાજ્યના બાળકો માધ્યમથી ડિજીટલ-આધુનિક શિક્ષણ મેળવી રહ્યા છે. શિક્ષણ ક્ષેત્રે ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં અભૂતપૂર્વ પરિવર્તન આવ્યું છે. કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવના અભિયાનના પરિણામે સાથે શાળાઓમાં વિદ્યાર્થીઓનો નામાંકન રેશિયો ખૂબ જ ઊંચો આવ્યો છે. રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થામાં આવેલ બદલાવના કારણે દીકરા-દીકરીઓ ઉચ્ચ અભ્યાસ કરી ઉજ્જવળ કારકિર્દી ઘડી રહ્યા છે.
મંત્રીશ્રીએ વધુ કહ્યું કે, રાજ્યના છેવાડાનાં બાળકો સુધી શ્રેષ્ઠ અને આધુનિક શિક્ષણ મળતું થયું છે. આંગણવાડીથી લઈ કરિયર ગાઈડન્સ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીની જરૂરિયાતો સ્કૂલ ઓફ એક્સલન્સના માધ્યમથી પૂરી થઈ રહી છે. શાળામાં બાળકો સરકારી શાળા ભણીને ઉચ્ચ જીવન ઘડતર સાથે દેશની વિકાસયાત્રામાં પોતાનું યથાયોગ્ય યોગદાન આપે એ માટે બાળકોને તેમણે પ્રેરિત કર્યા હતા.
રાજ્ય સરકારની વિવિધ શિક્ષણલક્ષી યોજનાઓનો ચિતાર આપતા મંત્રીશ્રીએ કહ્યું કે, વિદ્યાર્થી હિતલક્ષી યોજનાઓના લાભ લઈ પછાત વર્ગ, આદિવાસી વિદ્યાર્થીઓ પાયલોટ બનીને વિમાન ઉડાડતા થયા છે. સરકારી શાળામાં ઉચ્ચ શિક્ષણ સુવિધાઓ વધતા પ્રાઈવેટ શાળાને બદલે સરકારી શાળામાં બાળકોનું નામાંકન વધ્યું છે. આ ઉપરાંત મંત્રીશ્રીએ વાલીઓને ટકોર કરતા કહ્યું કે, બાળકોના વાલીઓએ સમાયંતરે શાળા મુલાકાત લઈ બાળકોના શિક્ષણની કાળજી લેવી જોઈએ.
શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે ટ્રોફી-શિલ્ડ એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. નોટબુક, સ્કુલબેગ સહિતની શૈક્ષણિક કીટના દાતાઓનું પણ બહુમાન કરાયું હતું.
આ પ્રસંગે સાયણ ખાતે જિલ્લા પ્રા.શિક્ષણાધિકારી જયેશ પટેલ, શિક્ષણ અધિકારી નગીનભાઈ પટેલ, જિલ્લા પ્રા.શિક્ષણ સંઘના કિરીટભાઈ પટેલ, જિ.પંચાયતની સામાજિક ન્યાય સમિતિના ચેરમેન લાલુભાઈ પાઠક, CDPO ભારતીબેન, BRC કોર્ડીનેટર બ્રિજેશ પટેલ, આચાર્ય સેજલબેન, સરપંચ, અગ્રણીઓ, દાતાઓ, શિક્ષકગણ સહિત શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ઓલપાડ ખાતે તા.પંચાયત પ્રમુખ નીતાબેન પટેલ, તા.ઉપપ્રમુખ કિરણભાઈ પટેલ, અગ્રણી જયેશભાઈ, અગ્રણીઓ, નાગરિક બેન્કના પ્રમુખ પરિમલભાઈ મોદી, મહામંત્રી કુલદિપભાઈ સહિત શાળાના કર્મચારી/શિક્ષકો સહિત મોટી સંખ્યામાં વાલીઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા.
