વાંસકુઈ નહેર નજીક બે મોટર સાયકલ વચ્ચે અકસ્માત બે વર્ષીય બાળક હવામાં ફંગોળાઈને નીચે પટકાતા મોતને ભેટયું.જ્યારે પલ્સર ચાલકને પણ સુરત ખસેડવામાં આવ્યા હતા જ્યાં મોત.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકાના વેલણપુર ગામે રહેતા હિતેશભાઈ ચંદુભાઈ નાયકા પોતાની મોટરસાયકલ (GJ-19-AR-2334) લઈ પોતાની પત્ની વૈશાલીબેન અને બે વર્ષના બાળક અંશ સાથે પોતાની બહેનના ઘરે ગયા હતા.જ્યાં કામ પતાવી સાંજે કરચેલીયા તરફથી વાંસકુઈ થઈ ઘરે વેલણપુર જઈ રહ્યા હતા.તે દરમિયાન મોટરસાયકલ (GJ-21-BD-4537) નો ચાલક પોતાના કબ્જાની મોટરસાયકલ લઈ વાંસકુઈ થી કરચેલીયા તરફ જઈ રહ્યો હતો.તે દરમિયાન ચાલકે પોતાના કબ્જાની મોટરસાયકલ પુર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી સામેથી આવતી હિતેશભાઈ નાયકાની મોટરસાયકલને ટક્કર મારી ગંભીર અકસ્માત સર્જ્યો હતો.આ અકસ્માતમાં મોટરસાયકલ પર સવાર બે વર્ષનું બાળક અંશ નાયકા હવામાં દસ ફૂટ ફંગોળાઈ રોડ પર પટકાતા ગંભીર રીતે ઘવાયુ હતુ અને મોટરસાયકલ ચાલક હિતેશભાઈ નાયકા પણ ગંભીર ઈજાગ્રસ્ત બનતા તેમને ઘટના સ્થળે દોડી આવેલ સ્થાનિકો દ્વારા 108મા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.મહુવા સામૂહિક આરોગ્ય કેન્દ્રના તબીબ દ્વારા અકસ્માતમાં ઈજાગ્રસ્ત બે વર્ષના બાળક અંશને મૃત જાહેર કરતા હોસ્પિટલમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો હતો.જ્યારે ગંભીર ઈજાગ્રસ્ત હિતેશભાઈને વધુ સારવાર માટે બારડોલી ખસેડવામાં આવ્યા હતા.જ્યારે અકસ્માત સર્જનાર પલ્સર ચાલકને પણ ગંભીર ઇજાઓ થતાં સુરત ખસેડવામાં આવ્યા હતા જ્યાં મોત નીપજ્યું હતું.ઘટના અંગે મહુવા પોલીસને જાણ થતા પોલીસે ઘટના સ્થળે આવી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.