મહુવા પોલીસમથકે આમજનતાની ફરિયાદ અરજીના નીકાલ નહિ થતી હોવાની બૂમ
ઝેરવાવરા બીટના જમાદાર તો ખો આપવામાં ફોજદાર કરતા બે ડગલાં આગળ
મહુવા તાલુકામાં કાયદો અને વ્યવસ્થા કથળી રહ્યો હોવાના આક્ષેપો આમજનતામાં ઉઠવા પામ્યા છે.તાલુકાની જનતાના અનેક અરજીઓનો નિકાલ જ નહિ કરવામાં આવી રહ્યા હોવાની રાવ ઉઠવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મહુવા પોલીસ મથકમાં પીએસઆઈ પટેલ ના જમાદારોની ફોજ કાયદો અને સમયમર્યાદામાં અરજીના નિકાલ ભૂલી મનસ્વીપણે વહીવટ કરતા હોવાની જાગૃત જનતામાં રાવ ઉઠવા પામી છે.પ્રોહિબિશન રોકવામાં સફળ નહિ રહેલ મહુવા પોલીસના કર્મીઓ અરજીના નિકાલ માટે ફરિયાદી સાથે પણ આરોપી જેવો વ્યવહાર કરી ચપ્પલ ઘસવા મજબૂર કરી દેતા હોવાની બુમ ઉઠવા પામી છે.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે તાલુકામાં ઝેરવાવરા બીટના જમાદાર તો ફોજદાર કરતાં પણ બે ડગલાં આગળ ચાલતા હોય તેમ એક ફરિયાદીએ જ્યારે તેમના વિસ્તારમાં ઝઘડો ચાલતો હોવાનું જણાવ્યું તો અરજી આપો પછી સમય મળ્યે જોઈ લઈશું નો ઉડાઉ જવાબ આપ્યો.હદ તો ત્યારે થઈ કે ન્યાય ની આશા એ ખર્ચ કરી વકીલ મારફતે અરજી અપાવી તો પણ જમાદાર મહાશય ટસના મસ ના થયા અને ખો આપી ઉડાઉ જવાબ આપવાનું ચાલુ જ રાખ્યું.
મહુવા તાલુકામાં અનેક અરજદારો ની અરજીઓ હજી પણ ધૂળ જ ખાઇ રહી છે.અને મહુવા ફોજદાર તેમના જમાદારો પર રહેમનજર રાખી ખુલ્લું પ્રોત્સાહન આપી રહ્યા છે.ત્યારે મહુવા તાલુકામાં અરજીના નિકાલ નહિ થવા બાબતે જિલ્લા પોલીસ વડા તપાસ કરે તો આમજનતા ને કેટલું હદે ન્યાય મળે એ બહાર આવશે.