ગુણસવેલ તળાવમાં ડૂબી જનાર પથરડીયાના યુવાનનો મૃતદેહ મળ્યો
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકાના ગુણસવેલ ગામે આવેલ સતરિયા તળાવના પાણીમાં તા-10/05/2024ને શુક્રવારે સાંજના સમયે એક અજાણ્યો યુવાન પડ્યો હોવાનુ દૂર થી એક મહિલાને નજરે પડયુ હતુ.જે અંગે મહિલા દ્વારા ગ્રામજનોને જાણ કરાતા ગ્રામજનો દ્વારા ત્વરિત ઘટના અંગે બારડોલી ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.જેથી ફાયરની ટીમ દ્વારા ઘટના સ્થળે આવી તળાવમાં પડનાર અજાણ્યા યુવાનની શોધખોળ હાથ ધરી હતી.ફાયરની ટીમ દ્વારા તળાવમાં બે કલાકની ભારે જહેમત ઉઠાવી શોધખોળ હાથ ધરવા છતા પણ કોઈ ભાળ મળી ન હતી.શોધખોળ દરમિયાન અંધારું થઈ જતા તળાવમાં ડૂબનાર અજાણ્યા શખ્સની રાત્રી દરમિયાન શોધખોળ ની કામગીરી ફાયર વિભાગ દ્વારા બંધ કરવામાં આવી હતી.ત્યારબાદ બીજા દિવસે શનિવારે સવારે તળાવના પાણીમાં સ્થાનિકોને મૃતદેહ નજરે પડતા ઘટના અંગે મહુવા પોલીસને જાણ કરી હતી.મહુવા પોલીસે ઘટના સ્થળે આવી તળાવના પણીમાંથી મૃતદેહ બહાર કાઢી તપાસ કરતા મૃત યુવાન બારડોલી તાલુકાના પથરાડીયા ગામે માતા ફળિયામા રહેતો 31 વર્ષીય અજયભાઈ ભંગડભાઈ હળપતિ હોવાનુ બહાર આવ્યુ હતુ.જે ગુણસવેલ સતરિયા તળાવમા નાહવા જતા આકસ્મિક રીતે ડૂબી ગયો હોવાનુ પોલીસ તપાસમાં બહાર આવ્યુ હતુ.