સુરતના લિંબાયતની નગર પ્રાથમિક શાળામાં સૈયદ પરિવારના મુસ્લિમ દંપતિએ સજોડે મતદાન કર્યું
સૌએ મતદાનને પવિત્ર ફરજ સમજી અચૂક અને મહત્તમ મતદાન કરવું જોઈએ: સૈયદ આબિદ અલી
સુરત:મંગળવાર: લોકસભા સામાન્ય ચૂંટણીમાં યુવાથી માંડીને વયોવૃધ્ધ, અશક્ત મતદારોએ પણ મતદાનમાં ઉત્સાહપૂર્વક મતદાન કરીને એક જાગૃત નાગરિક તરીકેની ફરજ અદા કરી હતી. શહેરના લિંબાયત વિસ્તારની નગર પ્રાથમિક શાળામાં સૈયદ પરિવારના મુસ્લિમ દંપતિએ સજોડે મતદાન કર્યું હતું.
લિંબાયતની પદમા સોસાયટીમાં રહેતા સૈયદ આબિદ અલી રિક્ષાચાલક છે. આજે મતદાનના દિવસે પત્ની રુબિના સૈયદ સાથે તેમણે ઉત્સાહથી મતદાન કર્યું હતું. તેમણે જણાવ્યું કે, પ્રત્યેક ચૂંટણીમાં મને મારી પત્ની અચૂક મતદાન માટે પ્રેરણા આપે છે. કોઈ પણ કામ હોય, પહેલા મતદાન પછી અન્ય કામ એવું જણાવી મતદાનને પ્રાધાન્ય આપે છે. અમારી જેમાં સૌએ મતદાનને પવિત્ર ફરજ સમજી ફરજિયાત મતદાન કરવું જ જોઈએ. અમે મતાધિકાર મેળવ્યા બાદ વિધાનસભા-લોકસભા-પાલિકાની તમામ ચૂંટણીઓમાં અચૂક મતદાન કરીએ છીએ એમ તેમણે ગર્વભેર કહ્યું હતું.