લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪
નવસારી અને બારડોલી સંસદીય બેઠકોમાં સમાવિષ્ટ વિધાનસભાની બેઠકોના મતદાન માટે ૯ રિસિવીંગ-ડિસ્પેચીંગ સેન્ટરો ખાતેથી ઇ.વી.એમ. વીવીપેટ સાથે સજ્જ થઇ ચૂંટણી સ્ટાફ મતદાન મથકે જવા રવાના
સુરત-૨૪ લોકસભા સંસદીય બેઠક બિનહરિફ થઈ છે, ત્યારે નવસારી સંસદીય મતદાર વિસ્તારમાં સમાવિષ્ટ-લિંબાયત, ઉધના, મજુરા, ચોર્યાસી, અને બારડોલી સંસદીય બેઠકમાં સમાવિષ્ટ માંગરોળ, માંડવી, કામરેજ, બારડોલી અને મહુવામાં તા.૭મી મે ના રોજ ચૂંટણી યોજાનાર છે, ત્યારે નવસારી અને બારડોલી સંસદીય બેઠકોમાં સમાવિષ્ટ વિધાનસભાની બેઠકોના મતદાન માટે ૯ રિસિવીંગ-ડિસ્પેચીંગ સેન્ટરો ખાતેથી ચૂંટણી ફરજ પરના પ્રિસાઈડીંગ ઓફિસરો, પોલીંગ ઓફિસરો મતદાન માટેની ઈ.વી.એમ. વીવીપેટ, સ્ટેશનરી સહિતની સાધન-સામગ્રી લઈને પોતપોતાના ફરજના મતદાન મથકે જવા રવાના થયા હતા.
આજરોજ જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર ડો.સૌરભ પારધી માર્ગદર્શન હેઠળ માંગરોળની એસ.પી.મદ્રેસા હાઈસ્કૂલ, માંડવીની આર્ટસ એન્ડ કોર્મસ કોલેજ, કામરેજની આર્ટસ એન્ડ કોર્મસ કોલેજ, બારડોલીની ગંગાધરા હાઇસ્કુલ, મહુવાની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ,કાછલ, લિંબાયતની એમ.પી.લીલીયાવાલા વિદ્યાભવન, ઉધનાની સિટીઝન કોમર્સ કોલેજ, મજુરા વિધાનસભાની સેન્ટ ઝેવિયર્સ અને ચોર્યાસીની ડી.આર.બી.કોલેજ ખાતેના રિસિવીંગ-ડિસ્પેચીંગ સેન્ટરો ખાતેથી ચૂંટણી ફરજ પરના પ્રિસાઈડીંગ ઓફિસરો, પોલીંગ ઓફિસરોને મતદાન માટેની ઈ.વી.એમ. વીવીપેટ, સ્ટેશનરી સહિતની સાધન-સામગ્રી આપવામાં આવી હતી. દરેક મતદાન મથકે પોલીસતંત્ર દ્વારા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મતદારો સવારે ૭.૦૦ થી સાંજના ૬.૦૦ વાગ્યા સુધી મતદાન યોજાશે. જેમાં સૌને મોટી સંખ્યામાં મતદાન કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.