સુરત જિલ્લાની વિવિધ ૭ વિધાનસભાઓમાં ૧૯૦૦થી વધુ લોકોએ બાઇક રેલીના માધ્યમથી મતદાન જાગૃતિનો સંદેશ આપ્યો
કામરેજ, બારડોલી, પલસાણા, ચોર્યાસી, માંડવી, માંગરોળ અને મહુવામાં શિક્ષકો, BLO અને ઝોનલ ઓફિસરોએ પોસ્ટર અને સૂત્રોચ્ચાર થકી મહત્તમ મતદાનનો કર્યો અનુરોધ
લોકસભાની સામાન્ય ચૂંટણીમાં મતદારોની ભાગીદારી વધારવા જિલ્લા ચૂંટણી અધિકારી ડૉ. સૌરભ પારધીના નેતૃત્વ હેઠળ મતદાન જાગૃત્તિના વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. જે અંતર્ગત કામરેજ, બારડોલી, પલસાણા, ચોર્યાસી, માંડવી, માંગરોળ અને મહુવા સહિતની ૭ વિધાનસભા મત વિસ્તારમાં ભવ્ય બાઇક રેલીના માધ્યમથી સુરત જિલ્લાના મતદારોને મતદાન માટે જાગૃત કરવામાં આવ્યા હતા. આશરે ૮૦૦થી વધુ બાઇક સવારો સાથે ૧૯૦૦થી વધુ શિક્ષક કર્મચારીઓ, BLO અને ઝોનલ ઓફિસરોએ મતદાન જાગૃતિના વિવિધ પોસ્ટરો અને સૂત્રોચ્ચાર દ્વારા નાગરિકોને અચૂક મતદાનનો અનુરોધ કર્યો હતો. સાથે જ ફરજિયાત મતદાનના શપથ ગ્રહણ કર્યા હતા.