લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪
ચૂંટણીમાં સમય અને કાગળ બચાવતું ઈ.વી.એમ. એટલે કે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન
પારદર્શક, ન્યાયી, મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી માટે ચૂંટણીપંચ દ્વારા વીવીપેટનો ઉપયોગ
મતદાતા દ્વારા ‘તમામ ઉમેદવારો’ને નકારવાનો અધિકાર આપતું નોટા
તા.૭મી મે એ ગુજરાત કરશે મતદાન
દેશભરમાં લોકસભા સામાન્ય ચૂંટણી તબક્કાવાર યોજાઈ રહી છે. ગુજરાતમાં મતદાન આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે મતદાન માટે ઉપયોગમાં લેવાતા ઈ.વી.એમ.(EVM) એટલે કે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન વિષે જાણવું જરૂરી છે. ઈ.વી.એમ.થી મતદાન શરૂ થયું એ પહેલા બેલેટ પેપરથી મતદાન કરવામાં આવતું હતું. અગાઉ બેલેટ પેપરથી મત ગણતરી કરવામાં ૪૦ કલાક જેટલો સમય લાગતો, પરંતુ ઈવીએમની મદદથી આ કામગીરી માત્ર ત્રણથી પાંચ કલાકમાં જ પૂર્ણ થઈ જાય છે. કાગળનો ઉપયોગ ન થતો હોવાથી તેને ‘ઈકો-ફ્રેન્ડલી’ વિકલ્પ માનવામાં આવે છે. આજના ડિજીટલ- આધુનિક સમયમાં ઈ.વી.એમ.થી ઝડપી મતદાન અને મતગણતરી કરવામાં સરળતા રહે છે.
ચાલો, ઈ.વી.એમ.ની પ્રાથમિક જાણકારી મેળવીએ. ઈ.વી.એમ.માં લગભગ બે હજાર મત નાખી શકાય છે. ફરજ પરના બૂથ લેવલ ઓફિસર કંટ્રોલ યુનિટ પરથી બટન દબાવે, તે પછી જ મતદાન થઈ શકે છે. બેટરીથી ચાલતા ઈવીએમ(ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન)ને આપાતકાલીન સંજોગોમાં તે મતદાનને અટકાવવા માટે લોક પણ કરી શકે છે. ઈ.વી.એમ.માં કુલ ૬૪ ઉમેદવારોનાં નામ (અને તસવીર પણ)ને સામેલ કરી શકાય છે. ભારત ઈલેક્ટ્રૉનિક્સ લિમિટેડ-BHEL (બેંગ્લુરુ) અને ઈલેક્ટ્રૉનિક્સ કૉર્પોરેશન ઑફ ઇંડિયા-ECI (હૈદરાબાદ) દ્વારા તેનું નિર્માણ કરવામાં આવે છે. ઈલેક્ટ્રૉનિક વોટિંગ મશીનને હેક કરી શકાય છે, તથા તેની સાથે ચેડાં થઈ શકે છે, તેવી અફવાઓની સામે ચૂંટણી પંચે સમયાંતરે ઈ.વી.એમ.ની વિશ્વસનીયતા પૂરવાર કરી છે.
ચૂંટણી પંચના નિર્દેશ મુજબ ઈવીએમના ડેટાની બહારની વ્યક્તિ સાથે ક્યારેય આપ-લે થઈ શકે નહિ. તમામ તબક્કાનું મતદાન પૂર્ણ ન થઈ જાય, ત્યાં સુધી ઈવીએમને સીસીટીવી, કેન્દ્રીય સુરક્ષાબળ અને બહુસ્તરીય સુરક્ષાની વચ્ચે સીલબંધ રૂમમાં સુરક્ષિત રીતે સાચવી રાખવામાં આવે છે. કેન્દ્રીય ચૂંટણી પંચના નિર્દેશ પ્રમાણે, અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થાય, તે પછી જ અખબારો અને ન્યુઝ ચેનલો એક્ઝીટ પોલ્સ બહાર પાડી શકે છે. અંતિમ તબક્કાના બેથી ત્રણ દિવસની અંદર મતગણતરી હાથ ધરવામાં આવે છે.
વીવીપેટ એટલે શું?
VVPAT એટલે વોટર વૅરિફાયેબલ પેપર ઑડિટ ટ્રેલ. ઈવીએમ મશીનની સાથે મતકુટીરમાં વીવીપેટ નામનું બોક્સ જેવું યુનિટ જોડેલું હોય છે. મતદાતા મત આપે તે પછી તેમાંથી કાગળની ચિઠ્ઠી નીકળે છે. એક રીતે તેને મત આપ્યો તેની ‘રસીદ કે પહોંચ’ ગણી શકાય. ઉમેદવારનું નામ તથા તેનું ચૂંટણી ચિહ્ન તેની ઉપર છપાયેલાં હોય છે. મતદાર આ રસીદને આધારે તેણે કોને મત આપ્યો એ જોઈ શકે છે. જ્યારે મતદાર પસંદગીના ઉમેદવારના નામ સામેનું બટન દબાવે ત્યારે વીવીપેટ મશીનની સ્ક્રીનમાં સફેદ લાઈટ થવાની સાથે એક કાપલીમાં એ ઉમેદવારનું નામ, નિશાન હોય છે. લગભગ સાત સેકન્ડ સુધી આ કાપલી જોઈ શકાય છે. વર્ષ ૨૦૧૪માં ૧૬મી લોકસભાની ચૂંટણી દરમિયાન ગાંધીનગરમાં પ્રથમ વખત VVPATનો ઉપયોગ થયો હતો. વર્ષ ૨૦૧૭ અને ૨૦૨૨માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં વીવીપેટનો ઉપયોગ કરાયો હતો. જેમાં દરેક વિધાનસભા બેઠકમાંથી એક મશીનમાંથી આવેલાં પરિણામ અને VVPAT માં જમા થયેલી પહોંચને સરખાવવામાં આવી હતી. પારદર્શક, ન્યાયી, મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી માટેનું આ ચૂંટણીપંચનું પગલું છે.
મત કોઈને પણ નહિ(નોટા) શું છે?
સપ્ટેમ્બર-૨૦૧૩માં સુપ્રિમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે મતદાતાને ‘તમામ ઉમેદવારો’ને નકારવાનો અધિકાર મળવો જોઈએ. જેના પગલે NOTA (None Of The Above)નો વિકલ્પ આપવામાં આવ્યો હતો. મતદારને કોઈ પણ ઉમેદવાર યોગ્ય લાગતો ના હોય તો તે નોટાનો ઉપયોગ કરી શકે છે.
બેલેટ પેપર દ્વારા મતદાન વખતે મતદાતા પ્રિસાઈડિંગ ઑફિસર પાસેથી ફોર્મ ૧૭–અ ભરીને ‘કોઈ નહીં’નો વિકલ્પ વાપરી શકતો હતો. નોટાનો લોગો અમદાવાદની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઈન દ્વારા ડિઝાઈન કરવામાં આવ્યો છે. ઈવીએમના નિશાનની ઉપર ‘X’નું નિશાન એ તેનો સિમ્બોલ છે. ફિનલૅન્ડ, સ્પેન, સ્વીડન, ચીલી, બેલ્જિયમ, ગ્રીસ અને ફ્રાન્સ જેવા દેશોમાં ચૂંટણીમાં મતદાતાને નોટાનો વિકલ્પ મળ્યો છે.