કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાશે
નવસારી લોકસભાનાં સચિન, કનકપુર, ચોર્યાસી, ડુમસ અને ભીમપોરમાં શેરી નાટક, મૌખિક સંદેશ દ્વારા મતદારોને જાગૃત કરાશે
લોકસભાની સામાન્ય ચૂંટણીમાં મતદારોની ભાગીદારી વધે તેમજ લોકશાહીના આ પર્વમાં વધુને વધુ મતદાતાઓ મતદાન કરે તે માટે ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય અને સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નવસારી લોકસભા વિસ્તારમાં મતદારોને એકત્રિત કરી ૧૦૦% મતદાન થાય એવા આશયથી વિવિધ સ્થળોએ મતદાન જાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
તા.26 થી 28 એમ ત્રણ દિવસીય આ કાર્યક્રમ સચિન ખાતેથી શરૂ કરવામાં આવશે. જેમાં મતદાતાઓને મતદાનના મહત્વ વિશે શેરી નાટક દ્વારા માહિતી અપાશે. તેમજ કાર્યક્રમ દરમિયાન મતદાન શપથ, મૌખિક સંદેશ, સ્પર્ધા અને ઈનામ વિતરણ પણ કરવામાં આવશે. તા. 27 ના રોજ વી આર મોલ અને તા.28ના ડુમસ બીચ અને ભીમપોર વિસ્તારમાં કાર્યક્ર્મ યોજાશે.
આ કાર્યક્રમનાં સફળ આયોજન માટે કેન્દ્રીય સંચાર બ્યુરો, જિલ્લા વહીવટી તંત્ર અને નેહરુ યુવા કેન્દ્ર કાર્યરત છે એવું કેન્દ્રીય સંચાર બ્યુરોનાં ક્ષેત્રિય પ્રચાર અધિકારી ઈન્દ્રવદનસિંહ ઝાલાએ જણાવ્યું હતું.