લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪
જિલ્લા ચૂંટણી અધિકારી ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને વિનસ જ્વેલ્સ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો.
ડાયમંડ ફેક્ટરીના ૧૨૫૦ કર્મચારીઓને વધુમાં વધુ મતદાન માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા
સો ટકા મતદાનનો લક્ષ્યાંક હાંસલ થઈ શકે તે માટે ભારતીય ચૂંટણી પંચ અને જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા પણ સક્રિય પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છેઃ જિલ્લા ચૂંટણી અધિકારી ડો.સૌરભ પારધી
આગામી લોકસભા ચુંટણીમાંમાં મહત્તમ મતદારો મતદાન કરે અને લોકશાહીના આ અવસરમાં વધુમાં વધુ લોકો સહભાગી બની ‘ચુનાવ કા પર્વ’ ની ઉત્સાહભેર ઉજવણી કરે એ હેતુથી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને સુમુલ ડેરી રોડ, કતારગામ સ્થિત વિનસ જ્વેલ્સ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ડાયમંડ ફેક્ટરીના ૧૨૫૦ જેટલા કર્મચારીઓને વધુમાં વધુ મતદાન માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત સૌ કોઈએ ફરજિયાત મતદાનના સામૂહિક શપથ ગ્રહણ કર્યા હતા.
આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી ડો.સૌરભ પારધીએ જણાવ્યું હતું કે, ચૂંટણી એ લોકશાહીનું મહાપર્વ છે, જેમાં મહત્તમ મતદાન સાથે તમામ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીને મજબૂત બનાવવા સહભાગી થવું જોઇએ. ઘણા પરિવારો મતદાનના દિવસે રજા હોવાથી ફરવા નીકળી જતાં હોય છે અને મતદાન કરવાનું ટાળે છે, જે સભ્ય નાગરિક તરીકે આપણા માટે અયોગ્ય છે. મતદાન કરવું એ આપણી નૈતિક ફરજ છે, મતદાન કરી લોકશાહીના પર્વની ઉજવણી કરવી જોઇએ.
વધુમાં કલેકટરશ્રીએ જણાવ્યું કે, ચુંટણી કાર્ડ ન હોવાથી ગેરસમજના કારણે ઘણા મતદારો લોકો મતદાન કરતા નથી, પરંતુ જો મતદારયાદીમાં નામ હોય તો ચુંટણી કાર્ડ સિવાય પાસપોર્ટ, ડ્રાઇવીંગ લાયસન્સ, પાનકાર્ડ સહિત અન્ય નિયત ૧૨ જેટલા દસ્તાવેજોમાંથી કોઈ એક રજૂ કરી મતદાન કરી શકાય છે. મહત્તમ મતદાન થાય અને સો ટકા મતદાનનો લક્ષ્યાંક હાંસલ થઈ શકે એ માટે કેન્દ્રીય ચૂંટણી પંચ અને જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા સક્રિય પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યાં છે એમ જણાવી તેમણે ઉપસ્થિત સૌને સપરિવાર મતદાન કરીને રાષ્ટ્ર પ્રત્યેની નૈતિક ફરજ અદા કરવાની અપીલ કરી હતી.
આ પ્રસંગે વિનસ જ્વેલ્સના સેવંતીભાઈ સંઘવી, ડે.મ્યુનિસિપલ કમિશનરશ્રી આર.બી.ભોગાયતા, ૧૬૦-ઉતર વિધાનસભાના મદદનીશ ચૂંટણી અધિકારી અને નાયબ કલેકટરશ્રી ધર્મેશભાઈ બગસરીયા, સ્વીપ નોડલ અને વધારાના મદદનીશ ચુંટણી અધિકારી શ્રી આર.બી.પટેલ, ૧૬૦- સુરત ઉત્તર વિધાનસભાની સંપૂર્ણ સ્વિપ (sveep) ટીમ સહિત વિનસ જ્વેલ્સના કર્મચારીઓ અને આમંત્રિત અગ્રણી ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા.