લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪
૨૪-સુરત સંસદીય મતદાર વિભાગની ચૂંટણી માટે નોટિસ
તા.૧૯ એપ્રિલ સુધીમાં સવારના ૧૧-૦૦ થી બપોરના ૩-૦૦ કલાક દરમિયાન ઉમેદવારો નામાંકનપત્રો પહોંચાડી શકશે
૨૪-સુરત સંસદીય મતદાર વિભાગની યોજાનાર ચૂંટણી સંદર્ભે ૨૪-સુરત સંસદીય મતદાર વિભાગના ચૂંટણી અધિકારીશ્રી ડો.સૌરભ પારધીએ જાહેર નોટીસ પ્રસિદ્ધ કરી છે, જે મુજબ ૨૪-સુરત સંસદીય મતદાર વિભાગના સભ્યની ચૂંટણી માટેના ઉમેદવાર કે તેમના નામની દરખાસ્ત મૂકનાર પૈકી કોઈ એક વ્યક્તિ ચૂંટણી અધિકારી, ૨૪-સુરત સંસદીય મતદાર વિભાગ અને કલેક્ટરશ્રી સુરતને કલેક્ટરશ્રીની ચેમ્બર, કલેક્ટર કચેરી, ૫મો માળ, જિલ્લા સેવા સદન-૨, બી-બ્લોક, અઠવાલાઈન્સ, સુરત અથવા મદદનીશ ચૂંટણી અધિકારી, ૨૪- સુરત સંસદીય મતદાર વિભાગ અને પ્રાંત અધિકારીશ્રી, સિટી સબ ડિવીઝન, જિલ્લા સુરતને પ્રાંત અધિકારીશ્રીની ચેમ્બર, એ-૩. ત્રીજો માળ, જિલ્લા સેવા સદન-૨, અઠવાલાઈન્સ, સુરત ખાતે મોડામાં મોડું તા.૧૯/૦૪/૨૦૨૪(શુક્રવાર) સુધીમાં કોઈપણ દિવસે (જાહેર રજાના દિવસ સિવાય) સવારના ૧૧-૦૦ થી બપોરના ૩-૦૦ કલાક દરમિયાન નામાંકનપત્રો પહોંચાડી શકશે. નામાંકનપત્રોના ફોર્મ ઉપર દર્શાવેલ સ્થળે અને સમયે મળી શકશે. નામાંકન પત્રોની ચકાસણી કલેક્ટરશ્રીની કચેરી કોન્ફરન્સ રૂમ, ૫મો માળ, જિલ્લા સેવા સદન-૨, બી-બ્લોક, અઠવાલાઈન્સ, સુરત ખાતે તા.૨૦/૦૪/૨૦૨૪(શનિવાર) ના રોજ સવારના ૧૧-૦૦ કલાકે હાથ ધરવામાં આવશે.
ઉમેદવાર કે તેના નામની દરખાસ્ત મૂકનાર પૈકીની કોઈ એક વ્યક્તિ કે તેના ચૂંટણી એજન્ટ પૈકી જેઓને આ નોટિસ પહોંચતી કરવા ઉમેદવારે લિખિતરૂપે અધિકૃત કર્યા હોય તેઓ ઉમેદવારી પાછી ખેંચવા અંગેની નોટીસ ઉપરોક્ત અધિકારીઓમાંથી કોઈ પણ એક અધિકારીને તેમની કચેરીમાં તા.૨૨/૦૪/૨૦૨૪(સોમવાર) ના રોજ બપોરના ૩-૦૦ કલાક પહેલાં પહોંચાડવાની રહેશે. ચૂંટણી લડાશે તો મતદાન તા.૦૭/૦૫/૨૦૨૪(મંગળવાર) ના રોજ સવારના ૭-૦૦ થી સાંજના ૬-૦૦ કલાક વચ્ચે યોજાશે એમ ચૂંટણી અધિકારી ૨૪-સુરત સંસદીય મતદાર વિભાગ અને કલેકટર, સુરતની યાદીમાં જણાવાયું છે.
