સચિન જી.આઈ.ડી.સી. ખાતે મતદાન જાગૃતિ અંગે ઉદ્યોગકારો, કંપનીઓના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ
વધુમાં વધુ મતદારો “ચુનાવ કા પર્વ”ની ઉત્સાહભેર ઉજવણી કરે, મતદાન પ્રત્યે જાગૃત બને એવા પ્રયાસો સાથે ઉદ્યોગકારો લોકજાગૃતિ ફેલાવશે
આગામી લોકસભા ચુંટણીમાં મહત્તમ મતદારો મતદાન કરે અને લોકશાહીના આ અવસરમાં વધુમાં વધુ લોકો સહભાગી બની ‘ચુનાવ કા પર્વ’ ની ઉત્સાહભેર ઉજવણી કરે એ હેતુથી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ૧૬૮-ચોર્યાસી વિધાનસભા મતવિસ્તારમાં આવતા સચિન GIDC, સચિન ઇન્ડસ્ટ્રીયલ કો-ઓપ.સોસા. લિ.ના સભ્યો, કંપનીઓના ચેરમેનશ્રી-પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી.
બેઠકમાં ટર્નઆઉટ ઈમ્પ્લીમેન્ટેશન પ્લાન(TIP)ના નોડલ ઓફિસરશ્રી અને ડે.મ્યુ. કમિશનર ડૉ.રાજેન્દ્ર પટેલ(IAS)ના માર્ગદર્શન હેઠળ આસી. મ્યુનિ. કમિશનરશ્રી અને નોડલ ઓફિસર(સ્વિપ) અજય ભટ્ટ, સચિન નોટિફાઈડ એરિયાના ચેરમેન મયુર ગોળવાલા, સચિન નોટિફાઈડના ચીફ ઓફિસર પી.એચ.મેનત, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જયેશ પટેલ, સચિન ઇન્ડસ્ટ્રીયલ કો-ઓપ.સોસા. લિ.ના નિલેશ લિંબાચીયા, કારોબારીના સભ્યોની ઉપસ્થિતિમાં ૨૦ જેટલા જુદી જુદી સંસ્થાઓ/કંપનીઓ/પેઢીઓના આગેવાનોની ઉપસ્થિતિમાં મતદાન વધારવાના પ્રયાસો, મતદાન પ્રત્યે જાગૃત બને એવા પ્રયાસો સાથે ઉદ્યોગકારો લોકજાગૃતિ ફેલાવે એ અંગે વિચાર વિમર્શ કરાયો હતો.
આસિ.મ્યુનિ.કમિશનર અને નોડલ ઓફિસરે(સ્વિપ) દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમમાં પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા કામદારોને વધુમાં વધુ મતદાન કરવા માટે પ્રેરિત કરવા અપીલ કરી હતી. સાથે જ ચૂંટણીના દિવસે સવેતન જાહેર કરવા અંગેની કાનૂની જોગવાઈઓનું માર્ગદર્શન અપાયું હતું.
સાથે જ ભૂતકાળમાં ઓછું મતદાન નોંધાયું હોય તેવા અને સ્ત્રી-પુરૂષ મતદારોની મતદાનની ટકાવારીમાં વધુ તફાવત હોય તેવા મતદાન મથકો પર જનજાગૃતિ લાવવા તેમજ મતદારો વધુમાં વધુ મતદાન કરે તે સુનિશ્ચિત કરવા માટે સહિયારા પ્રયાસો કરવા અનુરોધ કરાયો હતો. સાથે જ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ કોઈએ ફરજિયાત મતદાનના સામૂહિક શપથ ગ્રહણ કર્યા હતા.
