મહુવા સુગરના સ્થાપક પ્રમુખ ઘેલાભાઈનું અવસાન થતાં અંતિમ દર્શન માટે પાર્થિવ દેહને મહુવા સુગર ખાતે લાવવામાં આવ્યો
સુરત જિલ્લાના લેઉઆ પાટીદાર સમાજના તત્કાલિન પ્રમુખ અને હજારો આદીવાસી ખેડૂત સભાસદોની જીવાદોરી સમી મહુવા સુગર ફેકટરી ના સ્થાપક પ્રમુખ અનેક શૈક્ષણિક સેવાકીય ક્ષેત્રમાં પોતાનું જીવન ખપાવી દેનાર મહુવા તાલુકાના ઝેરવાવરા ગામના ખેડૂત આગેવાન ઘેલાભાઈ નાગરજીભાઈ પટેલનું 102 વર્ષની જૈફ વયે 23.03.2024 ના રોજ અવસાન થતાં જિલ્લા ભરના ખેડૂત સહકારી અને સામાજિક આગેવાનો સહિત મહુવા પ્રદેશના ખેડૂત પશુપાલક લોકોમાં શોકની લાગણી વ્યાપી જવા પામી હતી.મહુવા સુગર ચાલુ કરવામાં ઘેલાભાઈ પટેલ પાયાનો પથ્થર બન્યા હતા.વર્ષો સુધી મહુવા સુગરની ઓફિસ પોતાના ઘરમાં ચલાવી ને ગામડાઓ ખુંદી તે જમાનામાં ખેડૂતોને સમજાવી શેરીફાળો ઉઘરાવી મહુવા સુગર ફેકટરી ચાલુ કરી હતી તે સમયે વડાપ્રધાન મોરારજી દેસાઈને મળી ઘેલાભાઈએ દિલ્હીના ફેરા મારીને મહુવા સુગર ફેકટરીના બાંધકામ માટે સિમેન્ટનો ક્વોટો મંજુર કરાવ્યો હતો ત્યારબાદ સુગર ફેક્ટરીનું બાંધકામ થયું હતું.આ ઉપરાંત ઘેલાભાઈ પટેલ સર્વોદય કેળવણી મંડળ કરચેલીયાના પ્રમુખ, સુરત જિલ્લા લેઉવા પાટીદાર સમાજના તત્કાલિન પ્રમુખ, મહુવા તાલુકા પંચાયતના સભ્ય, સુરત જિલ્લા ખરીદ વેચાણ સંઘના સભ્ય, ઝેરવાવરા ગામના તત્કાલિન પોલીસ પટેલ, ઝેરવાવરા સહકારી મંડળીના સ્થાપક તરીકે ખૂબ જ ઉમદા સેવા તેમણે આપી છે.જેમના પાર્થિવદેહને અંતિમ દર્શન માટે તારીખ 27 માર્ચના રોજ મહુવા સુગરમિલ ખાતે લવાયા હતા જ્યાં મહુવા સુગરના ચેરમેન માનસિંહ પટેલ તેમજ ડીરેકટરો અને કર્મચારીઓ એ અંતિમ દર્શન કર્યા હતા.ત્યારબાદ પાર્થિવ દેહના અંતિમ દર્શન માટે કરચેલીયા હાઈસ્કૂલ ખાતે લઈ જવામાં આવ્યો હતો.