લોકસભાની સામાન્ય ચૂંટણી- ૨૦૨૪
ચૂંટણી પ્રચાર અંગેના સાહિત્યમાં મુદ્રક, પ્રકાશકની ઓળખ સહિતની બાબતો અંગેનું જાહેરનામું
ભારતના ચૂંટણી આયોગ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪નો કાર્યક્રમ જાહેર થયો છે. જે મુજબ તા.૭/૫/૨૦૨૪ના રોજ મતદાન યોજાનાર છે. જેને અનુલક્ષીને પોલીસ કમિશનરશ્રીએ એક જાહરનામા દ્વારા કેટલાક પ્રતિબંધો મૂક્યા છે. જે અનુસાર પોલીસ કમિશનરશ્રીની હદના વિસ્તારમાં કોઇપણ વ્યકિત કે સંસ્થા દ્વારા મુદ્રક અને પ્રકાશકના નામ-સરનામા વગરના ચોપાનીયા, ભીંતપત્રો છાપવા/છપાવવા કે પ્રસિધ્ધ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. ચુંટણીને લગતા ચોપનીયા,ભીંતપત્રો પ્રિન્ટ કરતા પહેલા પ્રકાશક પાસેથી તેની તેમજ તેને અંગત રીતે ઓળખતી બે વ્યકિતઓની સહી કરેલા પ્રકાશકની ઓળખ અંગેના એકરારની બે નકલ મેળવ્યા બાદ જ ચુંટણી સાહિત્ય છાપવાના રહેશે. અને પ્રિન્ટીંગ કરેલ સાહિત્ય ઉપર મુદ્રક તથા પ્રકાશકના પુરેપુરા નામ, સરનામા, નકલના નંગ, ફોન તથા મોબાઇલ નંબર, દર્શાવવાના રહેશે. હાથે નકલો કરવા સિવાય લખાણની વધુ નકલો કાઢવાની કોઇપણ પ્રક્રિયા મુદ્રણ ગણાશે અને મુદ્રકનો અર્થ તે પ્રમાણે થશે. મુદ્રકે છાપેલા સાહિત્યની ચાર નકલો તથા પ્રકાશક પાસેથી મેળવેલ એકરારનામાં ‘”એપેન્ડીક્ષ-એ” અને “એપેન્ડીક્ષ-બી” ની એક-એક નકલ છાપકામ કર્યાના ત્રણ દિવસની અંદર સંબંધિત ચુંટણી અધિકારીશ્રીને રજુ કરવાની રહેશે. આ જાહેરનામું તા.૮/૫/૨૦૨૪ સુધી અમલમાં રહેશે. અને તેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર ગણાશે.
