લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪
સુરત જિલ્લામાં ચૂંટણી પ્રચાર માટે વપરાતા વાહનો અંગેનું જાહેરનામું
ભારતના ચૂંટણી આયોગ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪નો કાર્યક્રમ જાહેર થયો છે. જે મુજબ તા.૭/૫/૨૦૨૪ના રોજ મતદાન યોજાનાર છે. જેને અનુલક્ષીને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ-સુરત શ્રી વિજય રબારીએ એક જાહરનામા દ્વારા કેટલાક પ્રતિબંધો મૂક્યા છે. જે અનુસાર જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીની હદના વિસ્તારમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકીય પક્ષો કે ઉમેદવાર દ્વારા ચુંટણી પ્રચાર માટે પરવાનગી મેળવી માત્ર બે/ત્રણ કે ચાર ચક્રીય વાહનોનો ઉપયોગ કરી શકાશે. જાહેર રસ્તાઓ ઉપર એક સાથે દસથી વધુ વાહનોના કાફલામાં સાથે જવા પર પ્રતિબંધ મુકાયો છે. તેમજ દસથી વધુ વાહનોના કાફલામાં દસથી વધુ વાહન ન થાય તે રીતે વિભાજિત કરી બે કાફલા વચ્ચે ઓછામાં ઓછુ ર૦૦ મીટરનું અંતર રાખવાનું રહેશે.
આ જાહેરનામું લોક પ્રતિનિધિત્વ ધારા હેઠળ મુકિત મળેલ રાજકીય નેતાઓને લાગુ પડશે નહીં. ‘વાહનો’માં ટ્રક, ટેમ્પો, કાર, ટેક્ષી, વાન, ત્રણ પૈંડાવાળા વાહનો, સ્કુટરો, રીક્ષા, મીની બસ, ટ્રેલર કે તે વિનાનું ટ્રેકટર, સ્ટેશન વેગન તેમજ યાંત્રિક શકિતથી ચાલતા અન્ય વાહનોનો સમાવેશ થશે. આ જાહેરનામું તા.૧૪/૫/૨૦૨૪ સુધી અમલમાં રહેશે. અને તેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર ગણાશે.
