નવી સિવિલ હોસ્પિટલને સેવાર્થે ભેટ મળેલા ૫૦ લાખના સોનોગ્રાફી મશીનથી દર્દીઓને મળી રહી છે ફિટલ મેડિસીનની સુપર સ્પેશિયાલિટી સુવિધા
૨૦૧૮થી નવી સિવિલના ફીટલ મેડિસીન વિભાગમાં કુલ ૩૬,૯૫૪ દર્દીઓ પૈકી ૩૭૫૯ સગર્ભા બહેનોમાં ખોડ-ખાંપણની ઓળખ થઈ
ડો. બિનોદિની એમ.ચૌહાણ (ફીટલ મેડિસીન સ્પેશ્યાલિસ્ટ)ના માર્ગદર્શનમાં ફિટલ મેડિસીનમાં ૧૧ રિસર્ચ પેપર પબ્લિકેશન અને ૭ કોન્ફોરન્સમાં પેપર રજૂ થયા
દર્દીનારાયણની સેવા-સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં અનેકવિધ આરોગ્ય સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. સિવિલમાં સેવાર્થે શરૂ કરાયેલ ફિટલ મેડિસીનની સુપર સ્પેશિયાલિટી સુવિધા હેઠળ રૂ.૫૦ લાખના સોનોગ્રાફી મશીનનો સગર્ભા બહેનોને વિનામુલ્યે લાભ મળી રહ્યો છે. નવી સિવિલ હોસ્પિટલ ખાતે દરરોજ ૩૦થી ૪૦ સગર્ભા બહેનોની તપાસ સાથે સોનોગ્રાફી કરવામાં આવી રહી છે.
ફીટલ મેડિસીન એ એક પ્રકારની સુપર સ્પેશિયાલિટી છે કે, જેમાં ગર્ભાવસ્થા દરમિયાન વિશિષ્ટ મશીન દ્વારા સોનોગ્રાફી કરવામાં આવે છે. અને તે થકી આવનાર બાળકમાં કોઇ ખોડ-ખાંપણ હોય તો ગર્ભાવસ્થા દરમ્યાન જ તેનુ સચોટ નિદાન કરી તેને અનુરૂપ સારવાર શરૂ કરી શકાય છે. જેથી આવનાર બાળક ક્ષતિરહિત, તંદુરસ્ત જ જન્મે એવુ આ પહેલેથી જાણીને ગર્ભસ્થ બાળકોની વિવિધ ખોડ-ખાંપણો સમયસર ઓળખીને રોકી શકાય છે.
ડો.બિનોદિની મહેન્દ્રસિંહ ચૌહાણે ફીટલ મેડિસીન સ્પેશિયાલિસ્ટનો કોર્સ ચેન્નાઇ અને લંડનથી પૂર્ણ કર્યા બાદ નવી સિવિલ હોસ્પિટલ ખાતે રોગી કલ્યાણ સમિતિ યોજના અંતર્ગત ફીટલ મેડિસીનના તજજ્ઞ તરીકે ૨૦૦૮થી રેડીયોલોજી વિભાગમાં પોતાની સેવા આપી રહ્યા છે. રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની મંજૂરીથી Fellowship in Fetal Medicine અને Fellowship in Basic Fetal Medicine & Advanced Obstetric Ultrasonographyના ટીચર્સ ગાઇડ તરીકે ડો.બિનોદિની એમ. ચૌહાણ Fetal Medicine Specialist તરીકે સેવા આપી રહ્યા છે.
ફિટલ મેડિસીનમાં ખોડ-ખાંપણના રિપોર્ટથી હ્રદયયમાં કાણું, લોહીની ઉણપ સહિત અન્ય બિમારીની તપાસ થઈ શકે છે. તેમજ તદુંરસ્ત બાળકનો જન્મ ન થયો હોય ત્યારે બાયોપ્સી કે બ્લડ ચઢાવવા પ્રાઈવેટ લેબમાં હજારો રૂપિયા ખર્ચ કરવા પડે છે. ડો.બિનોદિની ચૌહાણના સફળ પ્રયત્નોથી ૨૦૨૨-૨૩માં કલરટેક્ષના સહયોગથી ગરીબ દર્દીઓ માટે વિનામૂલ્યે આ કાર્ય થઈ રહ્યું છે. સિવિલની સેવાકામગીરીથી પ્રભાવિત થઈને માઈન્ડ્રે કંપનીએ ૫૦ લાખનું મશીન વિનામુલ્યે ગરીબ દર્દીઓની સેવા માટે સમર્પિત કર્યું છે. નવી સિવિલ હોસ્પિટલ ખાતે દરરોજ ૩૦થી ૪૦ સગર્ભા બહેનોની તપાસ સાથે સોનોગ્રાફી કરવામાં આવી રહી છે.
અમુક કિસ્સાઓ સોનોગ્રાફી કર્યા બાદ માતાના ગર્ભમાં રહેલ બાળકમાં રહેલ ખોડ-ખાંપણને કન્ફર્મ કરવા માટે જીનેટીક ટેસ્ટીંગ કરાવવું ખૂબ જ જરૂરી હોય છે. જેનાથી યોગ્ય જરૂરી સારવાર માટે નિર્ણય લઇ શકાય. નવી સિવિલ હોસ્પિટલ, સુરત ખાતે L&T કંપનીના CSR – કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સિબિલિટી એક્ટિવિટી અંતર્ગત રૂ. ૬૦ લાખના વિપ્રો કંપનીના અદ્યતન મશીનથી જીનેટીક ટેસ્ટીંગની સુવિધા વિનામૂલ્યે દર્દીને ઉપલબ્ધ થઈ છે, જે થકી ગરીબ દર્દીઓને વિનામૂલ્યે જીનેટીક ટેસ્ટીંગની સગવડ પણ મળી રહી છે.
નોંધનીય છે કે, ૨૦૧૮થી ફીટલ મેડિસીન વિભાગમાં કુલ ૩૬,૯૫૪ દર્દીઓ પૈકી ૩૭૫૯ જેટલી સગર્ભા બહેનોના ગર્ભમાં રહેલા બાળકોમાં ખોડ-ખાંપણની ઓળખ થઈ છે અને હાલમાં પણ એ સેવા કાર્યરત છે. નવી સિવિલ ખાતે Fellowship in Fetal Medicine અને Fellowship in Basic Fetal Medicine & Advanced Obstetric Ultrasonographyનો કોર્ષ ફીટલ મેડિસીન અંતર્ગત રેડીયોલોજી વિભાગમાં કાર્યરત છે. જેમાં અત્યાર સુધી અનુક્રમે ૧૨ અને ૩ વિદ્યાર્થીઓ ઉપરોક્ત કોર્ષ પૂર્ણ કરીને સેવા આપી રહ્યા છે. અત્યાર સુધીમાં ફીટલ મેડિસીનમાં ૧૧ રિસર્ચ પેપર પબ્લિકેશન થયા છે, અને ૭ કોન્ફોરન્સમાં રિસર્ચ પેપર રજૂ થયા છે.