પ્રધાનમંત્રી આવાસ યોજના થકી બારડોલીના તેન ગામના ખેતમજૂર વિલાસભાઈને મળ્યું સપનાનું ઘર
ઘરમાં જ શૌચાલયની સુવિધા સહિત પાકું ઘર મળવાથી અમે ખૂબ ખુશ છીએ: લાભાર્થી વિલાસભાઈની દીકરી નિશા વળવી
રોટી,કપડા અને મકાન માણસની પ્રાથમિક જરૂરિયાત છે, પોતાના સપનાનું ઘર બનાવવા માટે માણસ પોતાની જાતને ઘસી નાંખે છે ત્યારે જઈને પોતાના માટે એક ઘર બનાવે છે. પણ સરકાર જ જો આપણ સપનાંને સાકાર કરવાનું બીડું ઝડપે તો એ આખી વાત જ નિરાલી છે. સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના એક એવી જ નિરાળી યોજના છે. જેનાથી દેશના લાખો ગરીબોના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થયું છે.
મિત્રો, આપણે વાત કરવી છે એવાજ એક પરિવારની જેના ઘરના ઘરનું સપનું પ્રધાનમંત્રી આવાસે સાકર કર્યું છે. બારડોલી તાલુકાના તેન ગામે રહેતા વિલાસભાઈના પરિવારમાં તેમની પત્ની અને ૨ સંતાન રહે છે. તેઓ પત્ની સાથે ખેતમજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. વિલાસભાઈનો દીકરો શોરૂમમાં નોકરી કરે છે. દીકરી નિશા એમ.બી.એ.નો ઉચ્ચ અભ્યાસ કરે છે. વર્ષ ૨૦૨૨-૨૩મા પીએમ આવાસ યોજના હેઠળ વિલાસભાઈને મકાન બનવા માટે સહાય મળી અને તેમના ઘરના ઘરનું સ્વપ્ન સાકર થયું.
આવાસ યોજનાના લાભ થકી પાકા અને સુવિધાસભર ઘરનું સ્વપ્ન પૂરું થતા વિલાસભાઈની દીકરી નિશા પોતાના અનુભવો જણાવતા કહે છે કે, પહેલા કાચા મકાનમાં શૌચાલયની સગવડ ન હતી. પી.એમ આવાસ યોજનાની જાણ થતા મારા પિતાજી ફોર્મ ભર્યું અને અમારી અરજી મંજૂર થઈ. પહેલા હપ્તા પેઠે રૂ.૩૦ હજાર, બીજા હપ્તા પેઠે રૂ.૮૦ હજાર અને ત્રીજા હપ્તા પેઠે રૂ.૧૦ હજાર મળી અમને કુલ રૂ.૧.૨૦ લાખની સહાય મળી હતી. આ સહાય થકી અમને પાકુ મકાન મળ્યું અને ઘરમાં જ શૌચાલયની સુવિધા મળી છે.
ખેતમજુરી કરી માંડ ગુજરાન ચલાવતો વળવી પરિવાર સરકાર દ્વારા મળેલી સહાય માટે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરતા કહે છે કે, પી. એમ આવાસ યોજના ગરીબો માટે આશીર્વાદ સમાન છે. જેને કારણે અમારા જેવા લાખો ગરીબ પરિવારોનું પોતાના ઘરનું સ્વપ્ન શક્ય બન્યું છે