રાજ્ય શિક્ષણ મંત્રી સુભાષ સરકારે રાજ્ય સભામાં એક પ્રશ્નના જવાબમાં વિદેશ મંત્રાલય(MEA) તરફથી મેળવેલો વિદેશી યુનિવર્સિટીઝ અને કૉલેજોમાં એડમિશન મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યાનો ડેટા શેર કર્યો.
રાજ્ય શિક્ષણ મંત્રી સરકારે લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, “વિદેશ મંત્રાલય મુજબ, વર્ષ 2022માં આશરે 1.3 મિલિયન ભારતીય વિદ્યાર્થીઓ વિદેશમાં વિવિધ અભ્યાસક્રમો અંતર્ગત અભ્યાસ કરી રહ્યા છે. પરંતુ શિક્ષણ મંત્રાલય વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ દ્વારા કરેલા ખર્ચ અંગે કોઈ વિગતો જાળવી રાખતું નથી.”
વિદેશ મંત્રાલયના ડેટા અનુસાર, ગત વર્ષે ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જતા કુલ વિદ્યાર્થીઓમાંથી સૌથી વધુ 1,83,310 વિદ્યાર્થીઓ કેનેડા ગયા હતા. જે બાદ ક્રમશઃ ઓસ્ટ્રેલિયામાં 1,00,009 લાખ વિદ્યાર્થીઓ, જર્મનીમાં 34,864 વિદ્યાર્થીઓ, જ્યોર્જિયામાં 14,000 વિદ્યાર્થીઓ, ફ્રાન્સમાં 10,003 વિદ્યાર્થીઓ, બાંગ્લાદેશમાં 9,308 વિદ્યાર્થીઓ, આર્મેનિયામાં 8,015 વિદ્યાર્થીઓ, ચીન ખાતે 6,436 વિદ્યાર્થીઓ અને ઈરાનમાં 2,050 વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવવા ગયા હતા.
આ પણ વાંચો –IELTS કે TOEFLમાં સારો સ્કોર મેળવવો છે? તો આ ટિપ્સ કરશે જાદૂ, વિદેશ જવાનું સપનું થશે પૂર્ણ
આ અંગે રાજ્યસભામાં ડીએમકેના સાંસદ આર ગિરિરાજને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓની સંખ્યા અંગે અને દેશમાં જ ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવવા તેમજ વિદ્યાર્થીઓની જરૂરિયાતોને પૂર્ણ કરવા અંગે પ્રશ્ન પૂછ્યો હતો.
જેના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે, “ગત વર્ષના બજેટમાં જાહેર કર્યા મુજબ, વિદેશી યુનિવર્સિટીઓ અને સંસ્થાઓને ગિફ્ટ સિટી, ગુજરાત (Gujarat International Finance Tec-City)માં સ્થાનિક નિયમો અનુસાર ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, ફિનટેક, સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને ગણિતના અભ્યાસક્રમો ફ્રીમાં પૂરા પાડવાની મંજૂરી આપવામાં આવી છે. જોકે, તેમાંથી ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર્સ ઓથોરિટી (IFSCA)ના ફાઇનાન્શિયલ સર્વિસીસ અને ટેક્નોલોજી માટે માટે હ્યુમન રિસોર્સને બાકાત રાખવામાં આવ્યા છે.”
રાજ્ય શિક્ષણ મંત્રીએ ઉમેર્યું હતું કે, ભારતમાં ઉચ્ચ શિક્ષણનું નિયમન કરતું યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને (UGC) ટ્વીનિંગ પ્રોગ્રામ, જોઈન્ટ ડિગ્રી અને ડ્યુઅલ ડિગ્રી એન્ડ રેગ્યુલેશન્સ, 2022 ઓફર કરવા માટે ભારતીય અને વિદેશી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ વચ્ચે UGC એકેડમિક કોલબ્રેશન કરવા માટે સૂચના આપી છે. જે વિદેશી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ (FHEIs) સાથે આંતરરાષ્ટ્રીય સહયોગની સુવિધા પ્રદાન કરશે.
ઉલ્લેખનીય છે કે, દેશમાં વર્લ્ડ ક્લાસ શિક્ષણ અને રિસર્ચ ફેસિલિટી મળી રહે તે માટે વર્ષ 2017માં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ શરુ કરવા માટે વર્લ્ડ ક્લાસ ઇન્સ્ટિટયૂશન્સ સ્કીમ શરૂ કરવામાં આવી હતી. આ યોજનાના નિયમનકારી માળખા અનુસાર, દેશમાં જાહેર અને ખાનગી શ્રેણીમાંથી 10-10 સંસ્થાઓને ‘ઈન્સ્ટિટ્યુશન ઑફ એમિનન્સ’ (IoE)નો દરજ્જો આપવામાં આવશે.
આ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં દેશમાંથી 12 એવી શૈક્ષણિક સંસ્થાઓને IoEનો દરજ્જો આપવામાં આવ્યો છે. જેમાં જાહેર શ્રેણીની 8 અને ખાનગી શ્રેણીની 4 સંસ્થાઓનો સમાવેશ થાય છે. રાજ્ય શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે, “સરકાર દેશની શૈક્ષણિક સંસ્થાઓમાંથી પાસ આઉટ થયેલા વિદ્યાર્થીઓને જાળવી રાખવા ઉપરાંત દેશના બિન-નિવાસી ભારતીયોને શૈક્ષણિક અને રિસર્ચની તકો પણ પૂરી પાડે છે. અમે રિસર્ચ ઇકોસિસ્ટમને આગળ લઇ જવા માટે મદ્રાસ, બોમ્બે, ખડગપુર, કાનપુર, દિલ્હી, ગુવાહાટી, હૈદરાબાદ, ગાંધીનગરની IIT, તેમજ બેંગલુરુની IISમાં રિસર્ચ પાર્કની સ્થાપનાને પણ મંજૂરી આપી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર