ઉકા તરસાડી યુનિવર્સિટીમાં 24 વર્ષીય યુવક ત્રીજા માળેથી નીચે પડી જતા સારવાર દરમ્યાન મોત.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકાના તરસાડી ગામની સીમમાં આવેલ ઉકા તરસાડીયા યુનિવર્સીટીમાં કોમ્પ્યુટર એન્જીનયરિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી સુજલ નરેશ પલસાણા ( ઉ.વ.24 ) (રહે.નવધન લક્ષ્મી સોસાયટી, સીમાડા નાકા, વરાછા) સોમવારની બપોરે કોલેજમાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ બપોરના 3 વાગ્યાની આસપાસ અન્ય મિત્રો સાથે ત્રીજા માળે બેઠો હતો.બધા મિત્રો એક બીજા સાથે મજાક મસ્તી કરી રહ્યા હતા.આ સમયે સુજલ પલસાણાએ અચાનક પોતાનું સંતુલન ગુમાવતા તે કોલેજ બિલ્ડિંગના ત્રીજા માળેથી નીચે જમીન ઉપર પટકાયો હતો.આ અકસ્માતમાં તેના શરીર અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા ત્વરિત તેમને પ્રાથમિક સારવાર અર્થે બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.જ્યાં તેની હાલત નાજુક જણાતા તેને વધુ સારવાર માટે સુરતની એઇમ્સ હોસ્પિટલમાં લઈ જવાયો હતો.જ્યા સોમવારે ટૂંકી સારવાર દરમિયાન મોડી સાંજે તેનું કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતુ.યુવાન સુજલના મૃત્યુના સમાચાર સાંભળી પરિવારજનો તેમજ કોલેજ અને મિત્ર વર્તુળમાં શોકની લહેર ફેલાઈ ગઈ હતી.ઘટના અંગે મહુવા પોલીસને જાણ થતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.