તા.૨૦ મે: વિશ્વ મધમાખી દિવસ
સુરતના કામરેજ તાલુકાના ઉંભેળ ગામે મધમાખી ઉછેર કેન્દ્ર બન્યું આત્મનિર્ભરતાનું મોડેલ
સુરતના ડભોલી વિસ્તારના વિનોદભાઈ નકુમે હીરાનો વ્યવસાય છોડીને મધમાખી ઉછેરથી મેળવી નવી ઓળખ
શ્રી અર્પીત ઓર્ગેનિક કંપની શરૂ કરીને ૧૧૦૦ બોક્સ, ૩૫ ટન મધનું ઉત્પાદન અને વાર્ષિક રૂ.૩૦ લાખની આવક સાથે ૧૦ લોકોને રોજગારી પૂરી પાડે છે વિનોદભાઇ નકુમ
મધમાખી જેવી નાની જીવાત માનવ જીવન માટે અમૂલ્ય છે, તેમાંજ ખેડૂતોનું ભવિષ્ય છૂપાયું છેઃ
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, બાગાયતી વિભાગ અને ખાદીગામ ઉદ્યોગ સાથે મળીને સુરત, ભરૂચ સહિત નવ થી વધુ જિલ્લાઓમાં ૧૫૦૦થી વધુ ખેડૂત અને મહિલાઓને મધમાખી ઉછેરની તાલીમ આપી:
– મધમાખી ઉછેરનો વ્યવસાય કરતાં વિનોદભાઈ નકુમ
મધમાખીઓ જૈવવિવિધતાના સંરક્ષણ, પ્રકૃતિમાં પર્યાવરણીય સંતુલન અને પ્રદૂષણ ઘટાડવામાં ખૂબ જ ઉપયોગી ભૂમિકા ભજવે છે. પર્યાવરણીય પ્રણાલીમાં મધમાખીના મહત્વ અને તેમના સંરક્ષણ વિશે લોકોને જાગૃત કરવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે ૨૦મેના રોજ વિશ્વ મધમાખી દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો પ્રસ્તાવ યુનાઈટેડ નેશન્સ સમક્ષ ૨૦ મે ૨૦૧૭ના રોજ મધમાખી ઉછેર કરનારા એસોસિએશન ઑફ સ્લોવેનિયાના નેતૃત્વ હેઠળ મૂકવામાં આવતા સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશોએ ડિસેમ્બર ૨૦૧૭માં આ દિવસની ઉજવણી કરવાની મંજૂરી આપી હતી. પ્રથમ વિશ્વ મધમાખી દિવસ ૨૦ મે ૨૦૧૮ના રોજ મનાવવામાં આવ્યો હતો. આ વિશેષ દિવસ ૨૦ મેના રોજ એન્ટોન જાન્સાના જન્મદિવસની યાદમાં ઉજવવામાં આવે છે, જેને આધુનિક મધમાખી ઉછેર તકનીકના પિતા કહેવામાં આવે છે. એન્ટોન જાન્સાનો જન્મ ૨૦ મે ૧૭૩૪ના રોજ સ્લોવેનિયામાં થયો હતો.
મુળ ભાવનગર જિલ્લાના નાના-આસરાણા ગામના અને વર્ષોથી સુરતના ડભોલી વિસ્તારમાં સ્થાયી થયેલા તથા સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ઉંભેળ ગામે મધમાખીનો ઉછેર વ્યવસાય કરતાં ૪૫ વર્ષીય વિનોદભાઈ રામજીભાઈ નકુમે ગુજરાતમાં મધમાખી ઉછેર ક્ષેત્રે પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત કરી નવી ઓળખ ઉભી કરી છે.
વિનોદભાઈ પહેલાં ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા હતા, પરંતુ વર્ષ ૨૦૧૧માં હરિયાણાની સફર દરમિયાન મધમાખી ઉછેર કેન્દ્રની મુલાકાતે જતાં તેમનું જીવન બદલાઈ ગયું. માત્ર ૨૫ બોક્સથી શરૂ કરીને આજે તેઓ ૧૧૦૦થી વધુ બોક્સનું સંચાલન કરે છે. જેના થકી વર્ષે ૩૦ થી ૩૫ ટન જેટલું શુદ્ધ મધ ઉત્પન્ન થાય છે, જેના વેચાણથી થકી સારી એવી આવક પ્રાપ્ત કરી રહ્યાં છે.
વિનોદભાઈ નકુમ પોતાની સફળતા વિશે વાત કરતા કહે છે કે, જ્યારે હીરાનો વ્યવસાય છોડયો અને માત્ર ૨૫ બોક્સથી મધમાખી ઉછેરની શરૂઆત કરી, ત્યારે ઘણા લોકો શંકા વ્યક્ત કરતા કહેતા કે, મુર્ખામી ભર્યું કામ કરી રહ્યો છે, પરંતુ એના ઉપર ધ્યાન નહિ આપી પોતાના કામ પર ધ્યાન આપ્યું. ૨૦૧૧માં ૨૫ બોક્સથી મધમાખી ઉછેરની શરૂઆત કરી ધીમે ધીમે બોકસ વધારતા ગયા. ૨૦૧૯ના વર્ષમાં નર્મદા-સુરત હની પ્રોડયુસર કંપની લિ.નો એફ.પી.ઓ. શરૂ કર્યો. અમે ત્રણ મિત્રોએ ભેગા મળીને શ્રી અર્પીત ઓર્ગેનિક કંપની શરૂ કરીને મધમાખી ઉછેરનો ૧,૧૦૦થી વધુ બોક્સે પહોચ્યો છે. વર્ષે દહાડે ૩૫ ટન મધનું ઉત્પાદન થાય છે. જેમાંથી અલગ અલગ ફેલેવરનું મધ બનાવી માર્કેટ વેચાણ કરીએ છીએ. ઉંભેળના મધ ઉછેર કેન્દ્રથી વેચાણ કરી અમારી કંપનીને વાર્ષિક રૂ.૩૦ લાખની આવક થાય છે.
વધુમાં તેમણે કહ્યું કે, છેલ્લા ૧૪ વર્ષથી મધમાખી ઉછેર સાથે સંકળાયેલો છું. સાથે સાથે સરકારના વિવિધ વિભાગો સાથે મળી સખી મંડળની બહેનો અને ખેડુતોને તાલીમ આપું છું. જેનાથી મધમાખી ઉછેરમાં લોકોનો રસ વધે એવા પ્રયત્ન છે. મધમાખી જેવું નાનો જીવ આપણા પર્યાવરણ અને કૃષિ માટે કેટલુ મહત્વ ધરાવે છે, તે માત્ર મધ તૈયાર કરતી નથી, પરંતુ કૃષિ ઉત્પાદનને મજબૂત બનાવતી, કુદરતી સંતુલન જાળવતી એક પ્રકૃતિની અજબ કડી છે.
વિનોદભાઈએ નવસારી, તાપી અને સુરત જિલ્લાની ૧૮૦ સખીમંડળોની બહેનો અને નવથી વધુ જિલ્લાઓમાં ૧૫૦૦ ખેડૂતોને મધમાખી ઉછેરની તાલીમ આપીઃ
વિનોદભાઈએ DRDO સાથે MoU કરીને નવસારી, તાપી અને સુરત જિલ્લામાં ૧૮૦ સખી મંડળોની બહેનોને તાલીમ આપી છે. સાથે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, બાગાયતી વિભાગ અને ખાદીગામ ઉદ્યોગ સાથે મળીને સુરત, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, પાટણ, કચ્છ, ભાવનગર સહિત નવથી વધુ જિલ્લાઓમાં ૧૫૦૦થી વધુ ખેડૂત અને મહિલાઓને તાલીમ આપી છે. ઉપરાંત વિવિધ સરકારી યોજનાઓ હેઠળ બોક્સ ખરીદી, સ્ટાર્ટઅપ સહાય વિશે માર્ગદર્શન પણ પુરૂ પાડે છે. ઉપરાંત કેટલાક લોકોને સરકારની સહાય અપાવી મધમાખી ઉછેરનો વ્યવસાય શરૂ કરાવ્યો છે.
ઋતુ પ્રમાણે અલગ-અલગ ફ્લેવર્સનાં મધ બનાવી વેચાણ કરે છે
વિનોદભાઇ કહે છે કે, જમીનમાં ઋતુ પ્રમાણે અલગ-અલગ પાકો લેવામાં આવે છે, જેમનો રસ લેતી મધમાખીઓ દ્વારા તે અનુસાર અલગ-અલગ ફલેવરનાં મધ બનાવી શકાય છે. જેમકે, અજમાં, વરિયાળી, તલ વગેરે. સામાન્યતઃ મધમાખીથી ભરેલી પેટી જમીન પર મૂકવામાં આવે છે. ઇટાલિયન મધમાખી દ્વારા અંદાજિત ૨૦થી ૨૨ દિવસમાં મધ તૈયાર થઈ જાય છે. મધ તૈયાર થતા તેને ફિલ્ટર અને પેકિંગ કરી ઉંભેળ મધ કેન્દ્રથી વેચાણ કરવામાં આવે છે.
મધની ખેતીથી થતા ફાયદાઓ
મધની પેટી મુકવાથી ત્યાં મધમાખીની અવર જવર ખુબ વધે છે. આથી મધમાખીઓ પાકોના ફૂલો પર બેસે છે. તથા તે પાકોમાં પરાગરજનું વહન થવાના કારણોસર પાકનો વિકાસ વધુ થાય છે. ઓર્ગેનિક જમીન પર મધની પેટી રાખવામાં આવે છે. તથા અજમા,વરિયાળી તલ વગેરે ઋતુ પ્રમાણે મધનું ઉત્પાદન લેવામાં આવે છે.
મધમાખી ઉછેર શું છે?
મધમાખી ઉછેર એ એગ્રીકલ્ચરલ એપિકલ્ચરનો એક ભાગ છે જેમાં ખાસ બોક્સમાં માખી અને કામદારો દ્વારા પુષ્પોથી રસ એકત્ર કરી મધ ઉત્પન્ન થાય છે. બોક્સમાં ૧૦ ફ્રેમ હોય છે અને દરેક ફ્રેમ મધથી ભરાઈ જાય ત્યારે તેને ફિલ્ટર કરીને પેકિંગ કરાય છે. અલગ અલગ ઋતુ અને વિસ્તારમાં ખસેડવામાં આવે છે. મહત્વનું એ છે કે, આ પ્રકૃતિસર્જિત છે અને કોઈ રાસાયણિક પ્રક્રિયા વગર પોષણ ધરાવે છે.
