નસારપોર ગામના ઉચ્ચ શિક્ષિત આદિવાસી યુવાન આધુનિક ખેતી દ્વારા થયો આત્મનિર્ભર
તરબૂચની ખેતી કરી નસારપોરનો નિતેશભાઇ વસાવા કરે છે લાખોની કમાણી
આધુનિક પદ્ધતિથી ખેતી કરવામાં આવે તો સારૂં વળતર મેળવી શકાય છે:
ખેડૂત: નિતેશભાઇ વસાવા
વ્હાઇટ કોલર જોબની લ્હાયમાં દેશનું યુવાધન ખેતીથી વિમુખ થતું જાય છે. પણ નિતેશભાઇ વસાવા જેવા નવયુવાનો ખેતી કરી આર્થિક રીતે આત્મનિર્ભર થઇ અન્ય યુવાઓ માટે પ્રેરણાસ્રોત સમાન છે.
વડીલોના મુખે એક વાત સાંભળવા મળતી હતી કે, ઉત્તમ ખેતી, મધ્યમ વ્યાપાર અને નિમ્ન નોકરી પરંતુ આજ કાલના યુવાનોએ નોકરીની આંધળી દોટમાં ખેતીને સાવ વિસારે પાડી દીધી છે. કૃષિક્ષેત્રે આવેલા આમૂલ પરિવર્તનથી ખેતી પણ હવે નફાકારક વ્યવસાય બની રહ્યો છે એ વાત નિતેશભાઇ જેવા યુવા ખેડૂતોએ સાબિત કરી છે.
સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં આવેલ નસારપોર ગામ આમ તો અંતરિયાળ વિસ્તારમાં આવેલું ગામ છે. ગામના ધાન્ય પાકોની સાથે સાથે શાકભાજી, તરબૂચ, શકકરટેટી જેવા પાકોનું સારા એવા પ્રમાણમાં વાવેતર કરે છે. ગામના ખેતરે થયેલી શાકભાજી સીધી સુરતના માર્કેટમાં પહોંચી સુરતીલાલાઓની રસોઇની શાન વધારી રહી છે.
આદિવાસી વસતિ ધરાવતા નસારપોર ગામના યુવા ખેડૂત નિતેશભાઇના ખેતરની મુલાકાત દરમિયાન અહેસાસ થયો કે, કેમ વડીલો ખેતીને ઉત્તમ વ્યવસાય તરીકે જોતા હતા. માત્ર અઢી એકરમાં તરબૂચની ખેતી માત્ર સિત્તેર દિવસમાં સાડા ત્રણ લાખનો નફો રળી આપતી હોય તો પછી કહેવાઇ જ ને ઉત્તમ ખેતી.
નિતેશભાઇ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, મેં સ્નાતક સુધીનો ઉચ્ચ અભ્યાસ કર્યો છે. છેલ્લા દસ વર્ષથી ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલો છું. પહેલા અમે મકાઇ, કપાસ તેમજ કઠોળ પાકોની ખેતી કરતા હતા. બાદમાં અમારા ખેતરમાં ટપક સિંચાઇની સુવિધા કરી અને હવે છેલ્લા કેટલાક સમયથી હું તરબૂચની ખેતી કરૂં છું. સરકારની બાગાયત વિભાગની પ્લાસ્ટિક મલ્ચીંગની યોજના અંતર્ગત મને રૂપિયા પંદર હજારની સહાય પણ મળી છે.
ટપક સિંચાઇ અને પ્લાસ્ટિક મલ્ચીંગના ફાયદાઓ અંગે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, ટપક સિંચાઇ પદ્ધતિના કારણે પાણીની ખૂબ સારી બચત થાય છે. મર્યાદિત પાણીના ઉપયોગથી નિંદામણની સમસ્યા રહેતી નથી. પ્લાસ્ટિક મલ્ચીંગ કરવાથી છોડમાં રોગ જીવાત આવતી નથી તેમજ છોડની તંદુરસ્તી પણ સારી રહે છે.
માર્કેટિંગ અંગે વાત કરતા તેમણે કહ્યું હતું કે, સુરત, બારડોલી, મહુવા, અનાવલથી વેપારીઓ ખેતરે આવીને તેમની જરૂરિયાત મુજબનો માલ લઇ જાય છે. અમારે વેચવા માટે કયાંય જવાની જરૂર પડતી નથી.
આવક અંગે ફોડ પાડતા નિતેશએ કહ્યું હતું કે, મેં અઢી એકરમાં તરબૂચની ખેતી કરી છે. આ ખેતીમાં લગભગ દોઢેક લાખ જેટલો ખર્ચ થાય છે. ખર્ચ બાદ કરતા મને ચોખ્ખા રૂપિયા સાડા ત્રણ લાખનો નફો થશે એમ તેમણે જણાવ્યું હતું.
આગળ વાત કરતા તેમણે કીધું હતું કે, તરબૂચની ખેતી માત્ર સિત્તેર દિવસની ખેતી છે. ડ્રિપ ઇરિગેશન અને પ્લાસ્ટિક મલ્ચીંગ કરેલું હોવાનું કારણે નિંદામણની પળોજણ રહેતી નથી. પ્લાસ્ટિક મલ્ચીંગના કારણે વેલાઓમાં રોગનું પ્રમાણ પણ જૂજ માત્રામાં જોવા મળે છે જેથી રાસાયણિક દવાઓનો ઉપયોગ પણ જવલ્લે જ કરવાનો થાય એમ કહી તેમણે વાતનો દોર સાંધતા કહ્યું હતું કે, નોકરી કરતા ખેતીમાં સારૂં વળતર મળે છે, શરત માત્ર એટલી છે કે, અદ્યતન કૃષિ તકનિકી અને સાંપ્રત સમય માંગ અનુસાર ખેતી કરવામાં આવે.
કૃષિપ્રધાન ભારત દેશમાં નિતેશભાઇ જેવા નવલોહિયા ખેડૂતો સાચા અર્થમાં કૃષિના ઋષિ બની ખેતી અને ખેડૂતને ગૌરવવંતા બનાવી રહ્યા છે એ વાતમાં કોઇ મીનમેખ નથી.
