રાજ્ય સરકારની પર્વતારોહણ તાલીમ સંસ્થા માઉન્ટ આબુ ખાતે સરકારી ખર્ચે ‘પર્વતારોહણની તાલીમ શિબિરો’માં તાલીમ મેળવવાની યુવાનોને સુવર્ણતક
રાજ્યના ૮ થી ૧૩ વર્ષના યુવક યુવતીઓ માટે સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા, માઉન્ટ આબુ ખાતે વિવિધ ‘પર્વતારોહણ તાલીમ શિબિર’નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત એડવેન્ચર કોર્ષ તાલીમ શિબિરમાં ભાગ લેવા ઈચ્છતા ઈચ્છુક ઉમેદવારોએ તારીખ ૧૧ એપ્રિલ ૨૦૨૫ સુધીમાં અરજી કરવાની રહેશે.
આ ઉપરાંત એડવાન્સ રોક ક્લાઈમ્બીંગ કોર્ષ શિબિરમાં ભાગ લેવા ઈચ્છતા યુવક યુવતીઓએ તારીખ ૩૦ એપ્રિલ ૨૦૨૫ સુધીમાં અરજી કરવાની રહેશે આ માટે પર્વતારોહણ તાલીમ સંસ્થા તથા તેના પેટા કેન્દ્રો ખાતે બેઝિક ખડક ચઢાણ કોર્ષ કરેલ હોય તેનું પ્રમાણપત્ર જોડવાનું રહેશે, આ કોર્ષ માટે યુવક યુવતીઓની વય મર્યાદા ૧૫ થી ૪૫ વર્ષ નિયત કરવામાં આવી છે. આ કોર્ષનો સમયગાળો ૦૫ જૂન થી ૧૯ જૂન ૨૦૨૫ સુધીનો રહેશે.
કોચિંગ રોક ક્લામ્બીંગ કોર્ષ કરવા માટે ઈચ્છુક ઉમેદવારોએ પર્વતારોહણ તાલીમ સંસ્થા ખાતે એડવાન્સ કોર્ષ પૂર્ણ કરેલું હોય તેનું પ્રમાણપત્ર અરજીની સાથે જોડવું ફરજીયાત છે. આ કોર્ષમાં અરજી કરવાની છેલ્લી તારીખ ૧૫ એપ્રિલ ૨૦૨૫ છે.
આ શિબિરમાં જોડાવા માંગતા યુવક યુવતીઓ ગુજરાતના વતની હોવા જોઈએ. અરજી કરતી વખતે યુવક યુવતીઓએ પોતાનું નામ, સરનામું, ટેલિફોન નંબર, મોબાઇલ નંબર સહિતની માહિતી દર્શાવતી અરજી નિયત ફોર્મનો નમુનો સંસ્થાના ફેસબુક પેજ https://www.facebook.com/svimadmin/ પરથી મેળવવાની રહેશે, જેમાં તેઓ ગુજરાતના વતની હોવાનો આધાર દાખલો, શારિરીક યોગ્યાતાનું તબીબી પ્રમાણપત્ર, જન્મ તારીખનો પુરાવો, ઉમેદવાર અકસ્માત ઈજા વગેરે જોખમ અંગે વાલીનું સંમતિપત્ર તથા પર્વતારોહણ તાલીમ કોર્ષમાં ભાગ લીધો હોય તો તે અંગેના પ્રમાણપત્રની ખરી નકલ અવશ્ય જોડવાની રહેશે.
તાલીમાર્થી જે કોર્ષમાં જોડાવા માંગે છે, તે કોર્ષનું નામ અરજીના મથાણે સ્પષ્ટ જણાવવું અધુરી વિગતવાળી અરજી તથા નિયત સમય મર્યાદા બાદ મળેલ અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહી. પસંદગી પામનાર ઉમેદવારોના ભોજન, નિવાસ અને તાલીમની વ્યવસ્થા સરકાર દ્વારા જે તે સ્થળે વિના મૂલ્યે કરવામાં આવશે. તદઉપરાંત તાલીમાર્થીઓને વતનથી તાલીમી સંસ્થાના સ્થળે તથા પરત જવાનું પ્રવાસ સામાન્ય એસ.ટી.બસ, અને રેલ્વેનું સેકન્ડ કલાસ સુધીનું ભાડું મળવા પાત્ર રહેશે.
તાલીમ કોર્ષમાં જોડાવા માંગતા ઉમેદવારોએ આચાર્યશ્રી સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા ગૌમુખ રોડ, માઉન્ટ આબુ, પિનકોડ ૩૦૭૫૦૧ના સરનામે સંપૂર્ણ વિગતો ભરીને અરજી મોકલવાની રહેશે.
પસંદગી પામનાર તાલીમાર્થીને જરૂરી માહિતી અને સુચનાઓ તાલીમી સંસ્થા દ્વારા ઈ-મેઈલ-ટેલિફોન દ્વારા જણાવવામાં આવશે. વધુ માહિતી માટે સંસ્થાના કોન્ટેક્ટ નંબર ૬૩૭૭૮ ૯૦૨૯૮ પર ઓફિસ દરમ્યાન, જાહેર રજા સિવાય કોન્ટેક્ટ કરી શકાશે. એમ સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા માઉન્ટ આબુની યાદીમાં જણાવાયું છે.
