આજથી ધોરણ ૧૦ અને ધો.૧૨ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ
શહેર-જિલ્લાના પરીક્ષા કેન્દ્રો ખાતે અગ્રણીઓએ વિદ્યાર્થીઓને આવકારી શુભકામનાઓ પાઠવવામાં આવીઃ
જિલ્લા કલેકટર તથા પોલીસ કમિશનરે વિદ્યાર્થીઓને ફુલ આપી પરીક્ષાની શુભકામનો પાઠવીઃ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ ૧૦ અને ધો.૧૨ની પરીક્ષાનો પ્રારંભ થયો છે. જે અંતર્ગત સુરત શહેર-જિલ્લાના પરીક્ષા કેન્દ્રો પર અગ્રણીઓએ મોઢું મીઠુ કરાવીને આવકાર આપીને વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી. આજે સુરત શહેરના અડાજણની ભુલકા વિહાર સંકુલ ખાતે જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધી અને પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ ગહલૌતે વિદ્યાર્થીઓને ફુલ આપીને શુભકામનાઓ પાઠવી હતી. આ અવસરે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ભગીરથસિંહ પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા. જયારે પ્રેસીડેન્ટ સ્કુલ ખાતે અગ્રણીઓએ કુમકુમ તિલક સાથે મોઢું મીઠુ કરાવીને વિદ્યાર્થીઓને આવકાર્યા હતા.
નોંધનીય છે કે, સુરત શહેર-જિલ્લામાં ધો.૧૦માં ૯૧,૮૩૦, ધો.૧૨ (સામાન્ય પ્રવાહ)ના ૪૫,૭૨૦ તથા ધો.૧૨ (વિજ્ઞાન પ્રવાહ)ના ૧૫,૭૪૦ મળી કુલ ૧,૫૩,૨૯૦ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. ૧૪ ઝોનમાં ૮૫ પરીક્ષા કેન્દ્રો, ૫૨૪ બિલ્ડીંગો, ૫૩૭૨ બ્લોકમાં પરીક્ષા યોજાશે. તમામ કેન્દ્રો પર CCTV કેમેરાની બાજ નજર રહેશે.
