વિજ્ઞાન અને રમતમાં ગૂંથાયેલું જ્ઞાનનું ભંડાર એટલે સુરત શહેરનું સાયન્સ સેન્ટર: ત્રણ વર્ષમાં ૧.૩૫ લાખ લોકોએ મુલાકાત લીધી.
નગર પ્રાથમિક, બાળઆશ્રમ અને અંધજન શાળાના બાળકો માટે વિનામુલ્યે વિજ્ઞાનની સફર કરાવતું સુરતનું સાયન્સ સેન્ટર
દક્ષિણ ગુજરાતમાં સુરત સાયન્સ સેન્ટર એવુ સ્થળ છે, જ્યાં બાળકો રમતાં-રમતાં વિજ્ઞાન અને કૌશલ્ય વિકસાવે છે:
સાયન્સ સેન્ટરમાં ત્રણ વર્ષમાં કુલ ૧.૩૫ લાખ લોકોએ મુલાકત લીધી, જેના પરિણામે રૂ.૩.૩૪ કરોડની આવક થઇ:
-સાયન્સ સેન્ટરના ચિફ ક્યુરેટર ભામિનીબહેન મહિડા
વિજ્ઞાન અને રમત સાથે જ્ઞાન પ્રદાન કરતી અનોખી સંસ્થા તરીકે સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સાયન્સ સેન્ટર દક્ષિણ ગુજરાતમાં વિજ્ઞાનપ્રેમી બાળકો માટે પ્રેરણાસ્ત્રોત બની છે. સુરત મહાનગર પાલિકા દ્વારા સંચાલિત સાયન્સ સેન્ટર ખાતે નગર પ્રાથમિકશાળાના, બાળઆશ્રમ શાળા, અંધજન શાળાના બાળકોને વિનામુલ્યે પ્રવેશ આપવામાં આવે છે.એટલે કે ગીરીબી રેખાના બાળકો વિનામુલ્યે સાયન્સ સેન્ટરની વિઝિટ લઇ જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યાં છે.
સાયન્સ સેન્ટર વિશે માહિતી આપતાં સાયન્સ સેન્ટરના ચિફ ક્યુરેટર ભામિનીબહેન મહિડાએ જણાવ્યું કે, દક્ષિણ ગુજરતામાં સુરત સાયન્સ સેન્ટર એવુ સ્થળ છે, જ્યાં બાળકો રમતાં-રમતાં વિજ્ઞાન અને કૌશલ્ય વિકસાવે છે. સુરત, વલસાડ, વાપી અને આજુબાજુના વિસ્તારોના વિદ્યાર્થીઓ અહીં આવીને મ્યુઝિયમ, પ્લેનેટેરીયમ, ફન સાયન્સ ગેલેરી, આર્ટ ગેલેરી, એમ્ફિ થિયેટર, ડાયમંડ ગેલેરી, એન્ટરીંગ સ્પેસ ગેલેરી અને એસ્ટ્રોનોમી ગેલેરી જેવા વિસ્તારોમાં વિજ્ઞાનને જીવંત અનુભવે છે. વિજ્ઞાન કેન્દ્રમાં વિશેષ એ છે કે, નગર પ્રાથમિક શાળાના, બાળ આશ્રમ શાળા તથા અંધજન શાળાના બાળકોને વિનામુલ્યે પ્રવેશ આપવામાં આવે છે, જે ગરીબી રેખા હેઠળ જીવતા બાળકો માટે શિક્ષણ ક્ષેત્રે એક સકારાત્મક પગલું છે.
વિજ્ઞાન કેન્દ્રની લોકપ્રિયતા અને આવકની વાત કરતાં તેમણે કહ્યું કે, સાયન્સ સેન્ટર માટે બાળકોમાં વધતી જોગવાઈ દર્શાવે છે કે વિજ્ઞાનનો શોખ તેમના ભવિષ્યનું નિર્માણ કરી રહ્યો છે. ત્યારે સાયન્સ સેન્ટરમાં એપ્રિલ ૨૦૨૨ થી માર્ચ ૨૦૨૩ દરમિયાન ૫૭,૨૧૩ લોકોએ મુલાકાત લઈને ૮૯.૬૭ લાખ રૂપિયાની આવક કરી. એપ્રિલ ૨૦૨૩ થી માર્ચ ૨૦૨૪ દરમ્યાન ૪૯,૦૪૪ લોકોએ મુલાકાત લઈને ૧.૩૭ કરોડની આવક કરી. અને એપ્રિલ ૨૦૨૪ થી ડિસેમ્બર ૨૦૨૪ દરમ્યાન ૨૮,૮૫૩ લોકોએ મુલાકાત લઈને ૧.૦૮ કરોડની આવક થઇ છે. આમ ત્રણ વર્ષમાં કુલ ૧.૩૫ લાખ લોકોએ મુલાકત લીધી જેના થકી રૂ.૩.૩૪ કરોડની આવક થઇ.
સાયન્સ સેન્ટર ખાતે અમારી શાળાના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવ્યો અને વિવિધ વૈજ્ઞાનિક જાણકારીઓ પ્રાપ્ત થઈઃ મુખ્ય શિક્ષક શ્રી દિલીપભાઈ બરજોડે
નગરપ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક શ્રી દિલીપભાઈ બરજોડે જણાવ્યું કે, આજ રોજ મહાનગર પાલિકા સંચાલિત સાયન્સ સેન્ટર ખાતે વિદ્યાર્થીઓને લઈને મુલાકાત લીધી. અહીં વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવ્યો અને વિવિધ વૈજ્ઞાનિક જાણકારીઓ પ્રાપ્ત થઈ. સાયન્સ સેન્ટર દ્વારા વિદ્યાર્થીઓની આંતરિક શક્તિ અને વૈજ્ઞાનિક કૌશલ્યને વિકસાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. વિદ્યાર્થીઓ પોતાના પાઠ્યપુસ્તકોમાં જે પ્રયોગોનો અભ્યાસ કરે છે, તે જ પ્રયોગો તેઓ અહીં પ્રત્યક્ષ નિહાળી શકે છે. સાયન્સ સેન્ટર તેમને આ પ્રયોગો જાતે કરવાનું અવસર પણ પૂરુ પાડે છે, જેનો અભૂતપૂર્વ લાભ મળી રહ્યો છે. ગરીબી રેખા હેઠળ અભ્યાસ કરતી શાળાના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે સાયન્સ સેન્ટરનો લાભ મળ્યો. જેથી વિજ્ઞાનની આ પ્રેરણાદાયક સુવિધાઓ માટે મહાનગરપાલિકાનો આભાર વ્યક્ત કરીએ છીએ.તેમણે અન્ય શાળાઓને પણ આ તકનો લાભ લેવા અનુરોધ કર્યો.
સાયન્સ સેન્ટરની મુલાકાતે આવેલા વિદ્યાર્થીઓની ઉત્સાહભરી પ્રતિક્રિયા:
આયુર્વેદાચાર્ય ચરક મુનિ પ્રાથમિક શાળા ક્રમ-૧૪૯ ના વિદ્યાર્થી શેખ અજીમેઢરએ આનંદ વ્યક્ત કરતા જણાવ્યું,“આજે સાયન્સ સેન્ટરની મુલાકાત લેતાં એક અદભૂત અનુભવ થઈ રહ્યો છે. જે પ્રયોગો અત્યાર સુધી માત્ર પુસ્તકોમાં અભ્યાસ કર્યા હતા, આજે તે લાઇવ જોઈ શકી રહ્યો છું. અહીં વિજ્ઞાન સંબંધિત નવી પદ્ધતિઓ શીખવાની તક મળી રહી છે, જેનાથી અમારી સમજણ વધુ ઊંડી થશે.”
નગર પ્રાથિકશાળાની વિદ્યાર્થીની ફાતિમાએ જણાવ્યું કે, મેં ક્યારેય વિચાર્યું ન હતું કે પાઠ્યપુસ્તકમાં ઉલ્લેખિત પ્રોજેક્ટો આ રીતે આંખ સમક્ષ જીવંત જોવા મળશે. સાયન્સ સેન્ટરમાં પ્રવેશ્યા બાદ વિવિધ વિજ્ઞાન પ્રોજેક્ટો નિહાળ્યા, જેનાથી અમને ઘણું જ્ઞાન પ્રાપ્ત થયું છે. આ જ્ઞાનનો ઉપયોગ અમે શાળામાં સહપાઠીઓ સાથે અભ્યાસમાં કરીશું.
