રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ વાગડિયા ગામ સ્થિત એકતા કૌશલ્ય વર્ધન કેન્દ્રની મુલાકાત લઈ તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કર્યા
GMR વારલક્ષ્મી ફાઉન્ડેશન સંચાલિત એકતા કૌશલ્યવર્ધન કેન્દ્ર દ્વારા આદિવાસી યુવાનોનું કૌશલ્યવર્ધન: તાલીમ મેળવી ઘરઆંગણે રોજગારી મેળવી રહ્યા છે યુવાનો
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને રાજ્યના પ્રોટોકોલ મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિ
છેલ્લા ચાર વર્ષમાં વાગડિયા સેન્ટર ખાતે ૨૦૪૮ થી વધુ યુવક-યુવતીઓએ તાલીમ મેળવી: કુલ ૮ કોર્સમાં ૫૩ ટકા તાલીમાર્થી મહિલાઓ
રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે વાગડિયા ગામ ખાતે જી.એમ.આર. વારલક્ષ્મી ફાઉન્ડેશન સંચાલિત એકતા કૌશલ્યવર્ધન કેન્દ્રની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે વિવિધ કોર્સ; ફૂડ એન્ડ બેવરેજીસ સર્વિસ, હાઉસકીપીંગ અને ગેસ્ટ સર્વિસ અટેન્ડન્ટસ, ઈ-ઓટો- પિન્ક ઓટો ડ્રાઈવર, શોફર, ટેક્સી ડ્રાઈવર, ઈલેક્ટ્રીશ્યન, બ્યુટી થેરાપિસ્ટ, ઓફિસ ઓપરેશન્સ એક્ઝિક્યુટિવ અને ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટરના તાલીમાર્થીઓની મુલાકાત લીધી હતી. તેમણે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને રાજ્યના પ્રોટોકોલ મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા સાથે વિવિધ ક્લાસ રૂમ્સમાં જઈને તાલીમ મેળવી રહેલા વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
રાષ્ટ્રપતિશ્રીએ વિદ્યાર્થીઓએ બનાવેલી સલાડ ડિશ, ફ્રુટ આર્ટ, નેપ્કિન આર્ટ, કેક અને ડેઝર્ટ આર્ટ નિહાળ્યા હતા. ફૂડ અને બેવરેજીસના તાલીમાર્થીઓની સેન્ડવીચ, ખમણ, ભજીયા, ગોટા જેવા વ્યંજનોને કલાત્મક રીતે પ્રદર્શિત કરાયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, જી.એમ.આર. વારલક્ષ્મી ફાઉન્ડેશન, સરદાર સરોવર નર્મદા નિગમ તથા સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ ટુરિઝમ ગવર્નન્સ ઓથોરિટી વચ્ચે થયેલા સમજૂતી કરાર મુજબ વારલક્ષ્મી ફાઉન્ડેશન દ્વારા વર્ષ ૨૦૨૧ થી એકતા કૌશલ્ય વર્ધન કેન્દ્ર કાર્યરત છે, જ્યાં સ્થાનિક આદિવાસી યુવાનોનું કૌશલ્યવર્ધન કરી ઘરઆંગણે રોજગારી પૂરી પાડવામાં આવી રહી છે. અહીં સંચાલિત ૮ કોર્સમાં હાલ ૪૫૦ વિદ્યાર્થીઓ તાલીમ લઈ રહ્યા છે.
GMR-વારલક્ષ્મી ફાઉન્ડેશનના CEO શ્રી અશ્વિની સક્સેનાએ કેન્દ્રની કૌશલ્ય વર્ધનની રોજગારલક્ષી પ્રવૃતિઓ વિશે રાષ્ટ્રપતિશ્રીને તલસ્પર્શી જાણકારી આપી હતી. શ્રી સક્સેનાએ આ સંદર્ભે રાષ્ટ્રપતિશ્રીને વિગતો આપતાં જણાવ્યું કે, વાગડિયા સેન્ટરમાં હાલ ૪૫૦ તાલીમાર્થી ૮ જેટલા કોર્સની તાલીમ મેળવી રહ્યા છે. આ સેન્ટર થકી આજ સુધીમાં છેલ્લા ચાર વર્ષમાં ૨૦૪૮ થી વધુ યુવક-યુવતીઓ તાલીમબદ્ધ થયા છે. તમામ કોર્સના અભ્યાસ બાદ ૮૦ ટકા સફળ પ્લેસમેન્ટ થાય છે, પરિણામે તાલીમાર્થીઓ આજે ઘરઆંગણે રોજગારી મેળવતા થયા છે. આ કેન્દ્રમાં ચાલતા કુલ ૮ કોર્સમાં ૫૩ ટકા તાલીમાર્થીઓ મહિલાઓ છે.
વિશેષતઃ દેશના વિવિધ રાજ્યોમાં ૧૫ સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટરો કાર્યરત છે, જેના થકી આજ સુધી દેશના એક લાખ યુવક યુવતીઓ તાલીમબદ્ધ થયા છે ઉપરાંત દર વર્ષે ૭ હજાર
રાષ્ટ્રપતિશ્રીએ તાલીમાર્થીઓ, પ્રશિક્ષકોને શુભેચ્છા આપી સંસ્થાની મુલાકાત યાદગાર રહી હોવાનું વિઝીટર બુકમાં નોંધ્યું હતું.
આ પ્રસંગે SSNNL ના ચેરમેનશ્રી મુકેશ પુરી, કલેક્ટરશ્રી એસ.કે. મોદી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુ, પોલીસ અધિક્ષકશ્રી પ્રશાંત સુંબે તેમજ SoU ના CEO શ્રી યજ્ઞેશ્વર વ્યાસ, SoUના અધિક કલેક્ટર શ્રી નારાયણ માધુ સહિત ઉચ્ચ અધિકારીઓ, અને મહાનુભાવો, તાલીમાર્થીઓ, પ્રશિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
