નિહાલી ગામે પાંજરે પુરાયેલ દીપડો પાંજરામાંથી પલાયન.
પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકાના નિહાલી ગામે ભગત ફળિયામાં રહેણાંક વિસ્તારમાં બિન્દાસ્ત ફરતો દીપડો અવારનવાર નજરે પડતા સ્થાનિકો દ્વારા પાંજરું ગોઠવી દીપડાને પાંજરે પુરી સ્થાનિકોને ભયમુક્ત કરવાની રજુઆત કરી હતી.જે રજુઆત આધારે બે દિવસ પહેલા જ મહુવા વન વિભાગના અધિકારીઓ દ્વારા નિહાલી ભગત ફળિયામાં જર્જરીત પાંજરૂ ગોઠવી દીપડાને ઝબ્બે કરવાની કવાયત હાથ ધરી હતી.વન વિભાગ દ્વારા મુકેલ પાંજરામાં મંગળવાર રાત્રીના 9.30 વાગ્યાના અરસામાં એક કદાવર દીપડો પાંજરે પુરાયો હતો.દીપડો પાંજરે પુરાતા જ બહાર નીકળવા માટે ધમપછાડા શરૂ કરી દીધા હતા.અને ગણતરીની મિનિટોમાં જ આ કદાવર દીપડાએ પ્રથમ પાંજરાનુ પાટીયું તોડી નાંખ્યુ હતુ અને ત્યારબાદ બીજા હુમલે પાંજરાનો લોખંડનો સળિયો વાળી તેમાંથી બહાર નીકળી પલાયન થઈ ગયો હતો.દીપડો બહાર નીકળતા જ દીપડો જોવા ઘટના સ્થળે ઉમટી પડેલ સ્થાનિકોમાં ભગદડ મચી ગઈ હતી.
જર્જરીત પાંજરાના પરિણામે પાંજરે પુરાયેલ દીપડો બહાર નીકળી ભાગવામાં સફળ થયો હતો.જેને લઈ સ્થાનિકોમાં તંત્રની કામગીરી સામે અનેક પ્રશ્નો ઉદ્દભવ્યા હતા.રોષે ભરાયેલ ગ્રામજનોએ મહુવા વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે આવતા તેમના પર પ્રશ્નોનો મારો ચલાવી નવુ પાંજરૂ સત્વરે ઘટના સ્થળે ગોઠવી આ ખૂંખાર દીપડાને પાંજરે પૂરવામાં આવે એવી ઉગ્ર માંગ કરી હતી.