*સુરત ખાતે સોનલ માઁ ની ૧૦૧મી જન્મ જયંતિ ભક્તિભાવપૂર્ણ રીતે ઉજવવામાં આવી*
*શ્રી ચારણ (ગઢવી) શક્તિ સમાજ ટ્રસ્ટ-સુરત દ્વારા ‘સોનલ બીજ’ની ધામધૂમથી ઉજવણી કરાઈ*
સુરત: તા.૨ જાન્યુ-ગુરૂવાર: સમસ્ત ચારણ સમાજ માટે પૂજનીય એવા આઈ શ્રી સોનલ માઁ ની ૧૦૧મી જન્મ જયંતિનો મહોત્સવ સુરત ખાતે ઉજવવામાં આવ્યો હતો. જેનું ભવ્ય અને ગરિમાપૂર્ણ આયોજન શ્રી ચારણ ગઢવી શક્તિ સમાજ ટ્રસ્ટ-સુરત દ્વારા કરવામાં આવ્યું હતું. તા.૧ જાન્યુ.૨૦૨૫ ના રોજ પોષ સુદ બીજ નિમિત્તે માઁ સોનલના જન્મદિને સુરતના ઓલપાડ તાલુકાના શેરડી ગામે આવેલ સોનલ માતાજીના મંદિરના પ્રાંગણમાં દિવસભર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
શેરડી ગામે સોનલ માતાજીના પ્રાગટ્ય દિવસે ઘોડા અને બગીમાં ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. સાંજે ચારણ સમાજના ભાઈઓ-બહેનો મહાઆરતીમાં જોડાયા હતા. રાત્રે વિખ્યાત કલાકારો દ્વારા સંતવાણી અને ડાયરાનું આયોજન કરાયું હતું. જેમાં ભાવિકો ભક્તિરસમાં તરબોળ થયા હતા.
આમ, સોનલ માતાજીના જન્મદિને આયોજિત કાર્યક્રમમાં સુરત શહેર અને જિલ્લામાં રહેતા ચારણ સમાજના ભાઈઓ-બહેનો-યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ શ્રી ચારણ (ગઢવી) શક્તિ સમાજ ટ્રસ્ટના હોદ્દેદારો તેમજ સ્વયંસેવકોએ સમગ્ર આયોજન સફળતાપૂર્વક પાર પાડ્યું હતું.
