આવનારી પેઢીને સ્વસ્થ-સશક્ત બનાવવા પ્રત્યેક ખેડૂત સુધી પ્રાકૃતિક ખેતી પહોંચે તે આવશ્યક : શ્રી આચાર્ય દેવવ્રતજી
બારડોલી ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો
જંતુનાશકોના અંધાધૂંધ ઉપયોગના દુષ્પરિણામો કેન્સર, હાર્ટ એટેક, બીપી, અને ડાયાબિટીસ જેવી બીમારીઓના રૂપમાં સામે આવી રહ્યા છે: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી
પ્રાકૃતિક ખેતી કરતા જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો સાથે રાજ્યપાલશ્રીએ સંવાદ કર્યો : પરંપરાગત ખેતી કરતા ખેડૂતોને રાસાયણિક ખેતીના સ્થાને પ્રાકૃતિક ખેતી અપનાવવાની પ્રેરણા આપી
પ્રાકૃતિક ખેતી કરતા સુરત જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોનું રાજ્યપાલશ્રીના હસ્તે સન્માન
“દેશમાં દશકો સુધી રાસાયણિક ખાતરોના ઉપયોગથી ખેતી થતી રહી છે, જેના પરિણામે સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલીના સ્થાને માનવજીવનમાં અનેક પ્રકારના રોગોનું આક્રમણ વધ્યું છે. રાસાયણિક ખેતીથી જમીન અને માનવ સ્વાસ્થ્ય પર પડતી વિપરીત અસરોને નિવારવા માટે પ્રાકૃતિક કૃષિ એકમાત્ર વિકલ્પ છે”, એમ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ સુરત જિલ્લાના બારડોલી ખાતે શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ.-બાબેન દ્વારા યોજાયેલા ‘પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ’માં જણાવ્યું હતું.
બારડોલીના કેદારેશ્વર મહાદેવ મંદિર, બારડોલી-ધુલિયા રોડ ખાતે આયોજિત પરિસંવાદમાં પ્રાકૃતિક ખેતી કરતા જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો સાથે રાજ્યપાલશ્રીએ સંવાદ કર્યો હતો, તેમના પ્રતિભાવો જાણ્યા હતા, તેમજ પરંપરાગત ખેતી કરતા ખેડૂતોને રાસાયણિક ખેતીના સ્થાને પ્રાકૃતિક ખેતી અપનાવવાની પ્રેરણા આપી હતી. જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતોને રાજ્યપાલશ્રીના હસ્તે સન્માનિત કરાયા હતા.
આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના ખેડૂતો અને ખેતીને સમૃદ્ધ કરવા પ્રાકૃતિક કૃષિનું મિશન આરંભ્યું છે. તેમણે દેશના ૧ કરોડ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ સાથે જોડવા નવેમ્બર માસમાં રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન શરૂ કરી, આ મિશન માટે રૂ.૨૪૮૧ કરોડની ફાળવણી કરી છે. જેમાં ગુજરાતના કૃષિ મોડેલને રોલમોડેલ તરીકે નિર્દેશિત કરવામાં આવ્યું છે. દેશમાં પ્રાકૃતિક કૃષિના વ્યાપને વધારવાના તેમના આ સંકલ્પની સિદ્ધિ માટે રાજ્ય સરકારે પ્રાકૃતિક કૃષિનું જનઅભિયાન ઉપાડ્યું છે.
પ્રાકૃતિક કૃષિ એ જૈવિક કૃષિથી અલગ પ્રકારની ખેતી છે, બન્ને ખેતી પધ્ધતિ વચ્ચેનો ભેદ સમજાવતાં તેમણે કહ્યું કે, પ્રાકૃતિક કૃષિ એ ગાય આધારિત કૃષિ છે, જેમાં ભારતીય ઓલાદની દેશી ગાયના ગૌ મૂત્ર, ગોબર થકી જીવામૃત, ઘનજીવામૃત તૈયાર કરીને તેનો ઉપયોગ કરીને ઝીરો ખર્ચે ઉત્પાદન મેળવવામાં આવે છે. પ્રાકૃતિક કૃષિમાં રાસાયણિક ખાતરો કે જંતુનાશક દવાઓના ઉપયોગ વિના માત્ર ગાય આધારિત ખેતી કરવામાં આવે છે.
આવનારી પેઢીને સ્વસ્થ અને સશક્ત બનાવવા પ્રાકૃતિક ખેતી દેશના પ્રત્યેક ખેડૂત સુધી પહોંચવી ખૂબ આવશ્યક હોવાનો મત વ્યક્ત કરતાં રાજ્યપાલશ્રીએ કહ્યું કે, પ્રાકૃતિક ખેતીમાં ઓછા ખર્ચે અનેક ફાયદાઓ મળે છે. અળસિયા એ કુદરતના ખેડૂતો છે જેની મદદથી ખેતીની જમીનની ફળદ્રુપતા તો વધે જ છે, પરંતુ પાક ઉત્પાદન અને સાથે ખેડૂતોની આવક પણ વધે છે. ગાયમાતા અને ધરતીમાતાનું સંરક્ષણ થાય છે. પર્યાવરણ અને સૂક્ષ્મ જીવાણુઓની રક્ષા થાય છે. હવા શુદ્ધ રહે છે અને જમીનની ફળદ્રુપતા-ઓર્ગેનિક કાર્બન વધે છે.
તેમણે કહ્યું કે, પ્રકૃતિમાં હસ્તક્ષેપ કરવાના પરિણામો હંમેશા જોખમી હોય છે. આજે ખેતીમાં ઉત્પાદન વધારવા માટે જે પેસ્ટિસાઈડ્સ, યુરિયા, ડીએપી અને જંતુનાશકોનો અંધાધૂંધ ઉપયોગ કરવામાં આવે છે તેના દુષ્પરિણામો કૅન્સર, હાર્ટ એટેક, બીપી, અને ડાયાબિટીસ જેવી બીમારીઓના રૂપમાં સામે આવી રહ્યા છે. નાના બાળકો, કિશોરો, યુવાનોમાં પણ હાર્ટ એટેકના કેસો વધી રહ્યા છે. ખેતીમાં જંતુનાશકો અને યુરિયાનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરીને ખેડૂતો જમીનને બંજર બનાવી રહ્યા છે. પીવાના પાણીમાં પણ પ્રદૂષણ વધી રહ્યું છે. આમાંથી બચવાનો એકમાત્ર ઉપાય છે, ખેડૂતો પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરે, પ્રાકૃતિક ખેતી અપનાવે.
રાજ્યપાલશ્રીએ પાણીની બચત, પર્યાવરણની રક્ષા, જમીન અને દેશી ગાયની રક્ષા, રોગમુક્ત સ્વસ્થ જીવન અને ખેતી-ખેડૂતના સર્વાંગી કલ્યાણ માટે પ્રાકૃતિક કૃષિ અપનાવવા રાજ્યના ખેડૂતોમાં જાગૃતિ આવે તેવા પ્રયાસો પર ભાર મૂક્યો હતો. પ્રાકૃતિક ખેતી અપનાવીને ખેડૂતો પ્રકૃતિની રક્ષા સાથે સમગ્ર દેશ અને વિશ્વને આપણા વડીલોના જે જીવન જીવતા હતા એવા વિશુદ્ધ જીવનનો માર્ગ બતાવશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
બારડોલી સુગરના ઉપપ્રમુખશ્રી ભાવેશભાઈ એન.પટેલે રાજ્યપાલશ્રીને સરદાર નગરી બારડોલીની ઐતિહાસિક ધરતી પર આવકારી જણાવ્યું કે,
રાજ્યના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળે તે દિશામાં રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ ઝૂંબેશના રૂપમાં કામગીરી કરવામાં આવી રહી છે. સુરત જિલ્લાના ખેડૂતોમાં પણ પ્રાકૃતિક કૃષિ અંગે વ્યાપક જાગૃતિ લાવી પ્રાકૃતિક કૃષિનું આ અભિયાન જનઆંદોલન બને એવા અમારા પણ પ્રયાસો છે.
આ પ્રસંગે સાંસદશ્રી પ્રભુભાઈ વસાવા, ધારાસભ્યશ્રી ઈશ્વરભાઈ પરમાર, જિલ્લા સહકારી સંઘના પ્રમુખશ્રી ભીખાભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ, નેશનલ ફેડરેશન ઓફ કો.ઓ. સુગર ફેક્ટરીઝ-દિલ્હીના ઉપપ્રમુખશ્રી કેતનભાઈ પટેલ, સુરત ડિસ્ટ્રીકટ કો.ઓપ.બેંક પ્રમુખશ્રી બળવંતભાઈ પટેલ, સુમુલ ડેરીના ચેરમેનશ્રી માનસિંહભાઈ કે. પટેલ, બારડોલી સુગરના પ્રમુખ રમણલાલ પટેલ, મેનેજિંગ ડિરેક્ટરશ્રી હેમપ્રકાશ સિંહ, નાયબ ખેતી નિયામક (તાલીમ) અને આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી એન.જી.ગામીત, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી સતિષ ગામીત તેમજ સુગરના બોર્ડ ઓફ ડિરેકટર્સ અને સભાસદો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
.
ઓર્ગેનિક કાર્બન એ ખેડૂતના ખેતરનો પ્રાણ : કૃષિની જમીનનો ઓર્ગેનિક કાર્બન ૦.૫ ટકાથી વધુ હોવો જરૂરી : રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
ઓર્ગેનિક કાર્બન એ ખેડૂતના ખેતરનો પ્રાણ છે. જો જમીનનો ઓર્ગેનિક કાર્બન ૦.૫ ટકાથી નીચે જાય તો એ જમીન બંજર-વેરાન થઈ ચૂકી છે એમ કહી શકાય. ગુજરાતનો ઓર્ગેનિક કાર્બન ૦.૨ ટકા છે. એટલે કે આપણી જમીન બંજરની કેટેગરીમાં આવે છે એ સ્પષ્ટ છે. જો આ જ પ્રમાણે યુરિયા, ડી.એ.પી.નો ઉપયોગ કરતા રહીશું તો આગામી ૪૦ થી ૫૦ વર્ષમાં આપણી કૃષિની જમીન પથ્થર સમાન અને બંજર બની જશે એમાં શંકાને કોઈ સ્થાન નથી એમ બારડોલી ખાતે રાજ્યપાલશ્રીએ કહ્યું હતું.