એક વર્ષમાં સાયબર ગઠીયાઓએ છેતરપિંડી કરીને નિર્દોષ નાગરિકોના આંચકેલા ૧૦૮ કરોડ રૂપિયા સ્ટેટ સાયબર ક્રાઇમ સેલે રિકવર કરી પરત કર્યા
રિકવર કરેલા નાણાં ઉપરાંત એક વર્ષમાં ૨૮૫.૧૨ કરોડ રૂપિયા ફ્રિઝ કરવામાં આવ્યા: સાયબર ફ્રોડ થયાના ગોલ્ડન અવર્સમાં મળેલી ફરિયાદોમાં નાણાં ફ્રિઝ અને રિકવરી રેટ સૌથી વધુ
· કોઈપણ સાયબર ફ્રોડની ઘટના બને તો તરત જ ગોલ્ડન અવર્સમાં હેલ્પલાઇન નંબર-1930 ઉપર સંપર્ક કરવા નાગરિકોને રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયની અપીલ
· લોક અદાલત મારફતે અરજદારોને તેમના નાણાં પરત અપાવવા ખાસ ઝુંબેશ યોજાઇ: રાજ્યભરની કુલ ૪૦,૯૦૫ અરજીઓના ઓપીનીયન લોક અદાલતમાં સબમિટ :વધુ ૭૫ કરોડ રૂપિયા નાગરિકોને પરત મળશે
ગુજરાત પોલીસના સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ દ્વારા વર્ષ ૨૦૨૪માં સાયબર ગઠીયાઓએ છેતરપિંડી કરીને નિર્દોષ નાગરિકોના આંચકેલા રૂપિયા પૈકી ૧૦૮ કરોડથી વધુ રૂપિયા રિકવર કર્યા છે. તે ઉપરાંત એક વર્ષમાં ૨૮૫.૧૨ કરોડ રૂપિયા ફ્રિઝ કરી તેને રિકવર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. સાયબર ફ્રોડ થયાના ગોલ્ડન અવર્સમાં મળેલી ફરિયાદોમાં નાણાં ફ્રિઝ અને રિકવરી રેટ સૌથી વધુ હોવાથી કોઈપણ સાયબર ફ્રોડની ઘટના બને તો તરત જ ગોલ્ડન અવર્સમાં (ફ્રોડ થયાના પાંચ કલાકની અંદર) હેલ્પલાઇન નંબર-1930 ઉપર સંપર્ક કરવા નાગરિકોને રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય દ્વારા અપીલ કરવામાં આવી છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી તેમજ રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ દ્વારા લેવામાં આવેલા રેપિડ એક્શનથી ફ્રોડમાં ગયેલા નાણાની રિકવરી તથા ફ્રોડની રકમ જે બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી હોય તેને ત્વરિત ફ્રિઝ કરવાની કામગીરી પ્રશંસનિય રહી છે. જેને પરિણામે ઓનલાઇન છેતરપીંડીનો ભોગ બનનાર નાગરિકોને પોતાના ફ્રોડમાં ગયેલા રૂપિયા પરત અપાવવામાં ગુજરાત પોલીસને સારી સફળતા મળી છે.
રાજ્યમાં તા.૧લી જાન્યુઆરી-૨૦૨૪થી તા.૧૫મી ડિસેમ્બર-૨૦૨૪ સુધીમાં સાયબર ગુનાઓ સંબંધિત કુલ ૧.૩૧ લાખ ફરિયાદો આવી છે. તેની સામે ત્વરિત એક્શન લઇને છેતરપિંડીમાં ગયેલી રકમ પૈકી રૂ.૨૮૫.૧૨ કરોડની રકમ ફ્રીઝ કરી દેવામાં ગુજરાત પોલીસના સ્ટેટ સાયબર ક્રાઇમ સેલને સફળતા મળી છે. તે પૈકી સાયબર છેતરપીંડીનો ભોગ બનેલા નાગરિકોનાં ૧૦૮.૦૮ કરોડ રૂપિયા રિકવર કરી પરત કરી દેવામાં આવ્યા છે જ્યારે અન્ય રકમ પરત કરવાની કાર્યવાહી ચાલી રહી છે.
સ્ટેટ સાયબર ક્રાઇમ સેલના એસ.પી ધર્મેન્દ્ર શર્માએ જણાવ્યુ કે, લોક અદાલત મારફતે અરજદારોને તેમના નાણાં પરત અપાવવાના હેતુસર સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ દ્વારા તા.૩જી ડિસેમ્બરથી તા. ૧૩મી ડિસેમ્બર, ૨૦૨૪ દરમિયાન ૧૦ દિવસની ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. આ ઝુંબેશમાં રાજ્યભરની કુલ ૪૦,૯૦૫ અરજીઓના ઓપીનીયન લોક અદાલતમાં સબમિટ કરવામાં આવ્યા. જેના ટુંક સમયમાં કોર્ટ ઓર્ડર થશે એટલે સાયબર ફ્રોડમાં ગયેલા વધુ ૭૫ કરોડ રૂપિયા નાગરિકોને પરત મળશે.
નોંધનિય બાબત છે કે, ગુજરાત પોલીસના રેપિડ એક્શન સહિત હેલ્પલાઇનના ઉત્કૃષ્ટ મેનેજમેન્ટ માટે વિશેષ સન્માન મળ્યુ છે. તાજેતરમાં જ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહના હસ્તે સાયબર હેલ્પલાઈન 1930 માટે શ્રેષ્ઠ કામગીરી બદલ ગુજરાત પોલીસને એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી.