ગ્રામીણોને સંપત્તિનો અધિકાર આપતી ‘સ્વામિત્વ યોજના’
‘સ્વામિત્વ યોજના’ના બીજા તબક્કાના અમલીકરણમાં અંદાજે ૧૧.૭૫ લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડ ઈસ્યૂ કરનાર ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ
આપણા દેશમાં મિલકતને લઈને અનેક કુટુંબોમાં વિવાદ થતા હોય છે તેની ચિંતા કરીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૨૧થી દેશભરમાં ‘સ્વામિત્વ યોજના’ અમલી બનાવી છે. મિલકત સંબંધિત બાબતોમાં વધુ પારદર્શક અને સ્પષ્ટ વ્યવહારોથી ગ્રામીણ પરિવારોમાં જમીનના વિવાદો ઓછા કરી નાણાકીય સ્થિરતાની સાથે ગામના સર્વાંગી વિકાસ માટે સ્વામિત્વ યોજના કાર્યરત છે. સ્વામિત્વ યોજનાના બીજા તબક્કાના અમલીકરણમાં અંદાજે ૧૧ લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડ ઈસ્યૂ કરનાર ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે.
સ્વામિત્વ-SVAMITVA(Survey Of Villages And Mapping With Improvised technology In Village Areas) યોજના અંતર્ગત અત્યાર સુધીમાં ગુજરાતમાં ૧૩, ૭૦૯ ગામોમાં ડ્રોનથી સર્વે કરીને ૬, ૭૭૨ ગામોનું પ્રમોલગેશન થકી અંદાજે ૧૧.૭૫ લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડ ઈસ્યુ કરવામાં આવ્યા છે. આ યોજના થકી નાગરીકોને સ્પષ્ટ મિલકત અધિકારો સાથે, ગ્રામીણ નાગરિકોને તેમની જમીનની મિલકતો પર કાનૂની માલિકી મળશે. પ્રોપર્ટીકાર્ડ માલિકીની કાયદાકીય ઓળખપત્ર બનીને, મિલકત માલિકોને બેંક લોન મેળવવામાં મદદરૂપ થાય છે. જેનાથી વિવાદો ઘટશે અને ગ્રામિણ વિકાસને વધુ પ્રોત્સાહન મળશે.
સ્વામિત્વ યોજનાનો લાભ મેળવવા માટે https://www.egramswaraj.gov.in/ પર ઓનલાઈન નોંધણી કરવાની હોય છે. ગ્રામીણ રહેવાસીઓને ‘પ્રોપર્ટી કાર્ડ’ આપવાના હેતુથી આ ઐતિહાસિક યોજના અમલમાં છે જે ગ્રામીણોને લોન અને અન્ય નાણાકીય લાભો સરળતાથી મેળવવા માટેની સેવા પૂરી પાડે છે. સ્વામિત્વ યોજના અંતર્ગત હક્કચોકસીની કામગીરી સંપૂર્ણ રીતે ઑનલાઇન અને પેપરલેસ રીતે કરી શકાય તે માટે SVAMITVA Portal NIC દ્વારા તૈયાર કરાવવામાં આવ્યું છે. આ યોજના અંતર્ગત તૈયાર થતાં GIS નકશામાં સુધારા વધારા કરવા માટે પણ SVAMITVA GIS એપ્લિકેશન BISAG-N ની મદદથી ડેવલપ કરવામાં આવે છે.
સ્વામિત્વ યોજનાના હેઠળ ગામ વિસ્તારની સુધારેલી ટેક્નોલોજી સાથે ગામડાઓનું સર્વેક્ષણ અને મેપિંગ કરીને તેના માલિકોને પ્રોપર્ટી કાર્ડ ઈસ્યુ કરવામાં આવે છે. આ ઉપરાંત આ યોજના થકી મહિલાઓ પણ મિલકતોની માલિકી મેળવી શકે છે. આ યોજનાનો ઉદ્દેશ જમીનના સચોટ રેકોર્ડ બનાવીને મિલકતના વિવાદોને ઘટાડવાનો છે. આ યોજનાના પરિણામે મિલકતના વિવાદોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તેમ, મહેસૂલ વિભાગની યાદીમાં જણાવવામાં આવ્યું છે.