પ્રાકૃતિક કૃષિ પર વિશેષ ધ્યાન આપો, કારણ જમીન સ્વસ્થ થશે તો જ મનુષ્ય સ્વસ્થ થશે: કેન્દ્રીય કૃષિ રાજયમંત્રી રામનાથ ઠાકુર
સુરત સર્કિટ હાઉસ ખાતે કેન્દ્રીય મંત્રીએ કૃષિ વિભાગની કામગીરીની બેઠક યોજી સમીક્ષા કરી
જમીનના સ્વાસ્થ્યનો સીધો સંબંધ મનુષ્યના સ્વાસ્થ્ય સાથે છે, માટે જમીન સ્વસ્થ હશે તો મનુષ્ય સ્વસ્થ રહેશે. જે પ્રાકૃતિક કૃષિના માધ્યમથી જ શક્ય બનશે. જેથી પ્રાકૃતિક કૃષિ પર વિશેષ ધ્યાન આપવામાં આવે એવી ટકોર કેન્દ્રીય કૃષિ અને કિસાન કલ્યાણ રાજયમંત્રી રામનાથ ઠાકુરે કરી હતી.
સુરત સર્કિટ હાઉસ ખાતે કેન્દ્રીય કૃષિ અને કિસાન કલ્યાણ રાજયમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી કૃષિ વિભાગની કામગીરીની સમીક્ષા બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓ સાથે સંવાદ કરતા તેમણે સુરત જિલ્લામાં થતી અંગે વિગતો જાણકારી મેળવી હતી. બેઠક દરમિયાન વિવિધ મુદ્દે ચર્ચા કરતા મંત્રીએ સુરત જિલ્લામાં કરવામાં આવતી સોઇલ ટેસ્ટીંગની કામગીરી તેમજ સોઇલ ટેસ્ટીંગથી ખેડૂતોને થયેલા ફાયદા અંગે ચર્ચા કરી હતી.
કેન્દ્રીય મંત્રીએ ખાતરની ઉપલબ્ધતા તથા ખેડૂતો તરફથી ખાતરને લઇને કોઇ રજૂઆતો મળી છે કે કેમ? એ અંગે પણ વિગતે સમીક્ષા કરી હતી. આ ઉપરાંત, તેમણે જિલ્લામાં થતા પાકો, કઠોળ પાકો, તેલીબિયા, શાકભાજીની ખેતી, ખેડૂતો દ્વારા ઉત્પાદન કરવામાં આવતી જણસોની ખપત અંગે પણ વિગતો મેળવી ખેતીવાડી વિભાગની યોજનાઓના લાભ ખેડૂતો સુધી પહોંચે એ અંગે ખેતીવાડી વિભાગ દ્વારા કરવામાં આવતી કામગીરી અંગે વિગતે સમીક્ષા કરી હતી.
મંત્રી ઠાકુરે નેનો યુરિયા, પાણીના ભરાવાના કારણે ખેતી ન કરી શકાતી હોય એવી ખેતીની જમીન, નોન પ્રોડકટીવ ખેતીની જમીન તેમજ શાકભાજીની ખેતી કરતા ખેડૂતો માટે પાક સંગ્રહ માટે કરવામાં આવેલી વ્યવસ્થા અંગે પણ સમીક્ષા કરી હતી.
જિલ્લા ખેતીવાડી અધિકારી સતિષભાઇ ગામીતે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી સુરત જિલ્લાની ખેડાણ હેઠળની જમીન, ક્રોપ પેટર્ન, પ્રાકૃતિક કૃષિ, કેન્દ્ર સરકારની કૃષિલક્ષી યોજનામાં થયેલી કામગીરી, આંતરરાષ્ટ્રીય મિલેટસ્ યર સંદર્ભે કામગીરી તેમજ ફાર્મ મિકેનાઇઝેશન સહિત વિગતવાર માહિતી મંત્રી સમક્ષ રજૂ કરી હતી.
બેઠકનું સંચાલન અને આભારવિધિ સુરત આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર અને નાયબ ખેતી નિયામક એન.જી.ગામીતે કર્યું હતું. બેઠકમાં નાયબ ખેતી નિયામક(વિસ્તરણ) સી.આર.પટેલ, ખેતીવાડી વિભાગના સહાયક ખેતી નિયામકો તેમજ સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.