બારડોલી ૧૮૧ અભયમ ટીમે મધ્યરાત્રિએ મહિલાને આપઘાત કરતા બચાવી.
પારિવારિક તકરારના કારણે આવેશમાં આવી જઈ કામરેજ તાલુકાની મહિલાએ ઝેરી દવા પીવાનો પ્રયાસ કર્યો: અભયમની સમયસૂચકતાથી મહિલાનો જીવ બચ્યો: પરિવાર સાથે સુખદ સમાધાન
પારિવારિક તકરારના કારણે આવેશમાં આવી જઈ કામરેજની મહિલાએ ઝેરી દવા પીવાનો પ્રયાસ કર્યો પરંતુ બારડોલી ૧૮૧ અભયમ ટીમે મધ્યરાત્રિએ મહિલાને આપઘાત કરતા બચાવી લીધી હતી. મહિલાનું કુનેહપૂર્વક કાઉન્સેલિંગ કરતા પરિવાર સાથે સુખદ સમાધાન થયું હતું.
કામરેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી એક જાગૃત નાગરિકે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી જણાવ્યું હતું કે, એક પીડિત મહિલાનો તેમના પતિ અને સાસરી પક્ષના સભ્યો સાથે ઝઘડો થયો છે જેથી મહિલા આત્મહત્યા કરવાનો પ્રયાસ કરી રહી છે. મહિલાને મદદ કરવા ૧૮૧ ના કાઉન્સેલર ખુશ્બુ પટેલ, હેડ કોન્સ્ટેબલ ચંદ્રિકાબેન ચૌધરી તેમજ પાઇલોટ ધર્મેશ પટેલ તાત્કાલિક બારડોલીથી કામરેજના ગામે પહોંચ્યા હતા. જ્યાં મહિલા ચંદ્રિકા (નામ બદલ્યું છે)ના કાઉન્સેલિંગમાં જાણવા મળ્યું કે
પીડીતા મહિલાએ ૩ વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા. સંતાનમાં એક દીકરી છે. સાસુ-સસરા, જેઠ અને જેઠના બે બાળકો સાથે સંયુક્ત કુટુંબમાં રહે છે. પીડિતા મહિલા અને સાસુ-સસરા સાથે નાની નાની બાબતોમાં ઝઘડાઓ થતા હતા. જેઠાણી મૃત્યુ પામ્યા હોવાથી જેઠના બે બાળકોની ઉછેરની જવાબદારી પણ નિભાવતા હતા. ઝઘડાઓના કારણે અલગ રહેવા જવાના મુદ્દે પતિ સાથે ફરીવાર તકરાર થઈ હતી. જેથી વાત છુટાછેડા સુધી પહોંચી ગઈ હતી. પ્રેમલગ્નના કારણે પિયર પક્ષ, સગા માતાપિતા સાથે ચંદ્રિકાને સંબધ રહ્યો ન હતો. જેથી હવે પોતે ક્યાં જશે એવા ટેન્શનમાં ચંદ્રિકાએ આવેશમાં આવી આત્મહત્યાનો વિચાર કરી દવા લઈને ઘરનો દરવાજો બંધ કરી રૂમમાં પુરાઈ ગયા હતા.
અભયમ ટીમે પીડિતાનું કાઉન્સેલિંગ કરી સમજાવ્યું કે, આત્મહત્યા કરવી એ સમસ્યાનું નિવારણ નથી. દીકરી ખૂબ નાની છે, એને માતાના પ્રેમની જરૂર હોય છે. દીકરી માતા પર નિર્ભર હોય છે. જો તમે આત્મહત્યા કરી લેશો તો દીકરી નિરાધાર થઈ જશે. આપઘાત કરવો અથવા આપઘાત કરવા માટે કોઈને પ્રેરવું તે પણ IPCની કલમ ૩૦૨ મુજબ ફોજદારી ગુનો છે. માટે ક્યારેય જીવનમાં આત્મહત્યા કરવાનો વિચાર કરવો નહીં .પીડિતાને ભૂલ સમજાઈ હતી અને કહ્યું કે, આત્મહત્યાનો વિચાર ડિપ્રેશનમાં આવ્યો હતો. અભયમે પતિ અને સાસરી પક્ષ સભ્યોને સાથે રાખીને ઝીણવટપૂર્વક સમસ્યા અંગેની ચર્ચા કર્યા બાદ બાળકીના ભવિષ્યના મુદ્દાને નજર સમક્ષ રાખી લગ્ન જીવન ના તુટે તેવી કાયદાકીય સલાહ, સૂચન, માર્ગદર્શન આપીને રાજીખુશીથી સમાધાન કરાવ્યું હતું. આમ, અભયમ થકી એક પરિવાર તૂટતા બચ્યો હતો.